Home /News /gujarat /

Power Corridor: રાતોરાત કૃષિ વિભાગના બે મોટા અધિકારીઓની બદલી

Power Corridor: રાતોરાત કૃષિ વિભાગના બે મોટા અધિકારીઓની બદલી

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કોઇ ખાસ કંપનીને ફાયદો કરાવવા માટે નિતી નિયમોને ત્યાં સુધી કે, કેબિનેટ મંત્રીની સૂચના પણ નેવે મૂકાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

ગાંધીનગર : રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કોઇ ખાસ કંપનીને ફાયદો કરાવવા માટે નિતી નિયમોને ત્યાં સુધી કે, કેબિનેટ મંત્રીની સૂચના પણ નેવે મૂકાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એગ્રો દ્વારા ખેડૂતોને ઉપયોગી મલ્ટીપરપઝ ડ્રમ અને ટોકરનો ઓર્ડર આપવા માટેનુ ટેન્ડર બહાર પાડવાનું હતું. વાસ્તવિકતામાં આ ડ્રમમાં ઇન્જકેશન મોડયુલ બેરલ એડ કરવાની મંત્રી રાઘવજી પટેલે સૂચના આપી હતી. પરંતુ, સીએમઓમાં થયેલી ફરિસાદ અનુસાર રાઘવજી પટેલ જ્યારે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારેજ ઇમરજન્સી ઉભી કરીને ciptના અધૂરા રિપોર્ટ સાથે તાત્કાલિક ધોરણે એક તરફી પ્રોસિજર કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ મુદ્દે રાજ્યના પ્રિન્સિપલ ચીફ સેક્રેટેરી કે. કૈલાશનાથને એગ્રોના પૂર્વ એમ.ડી. મહેશ સિંઘ પાસે રિપોર્ટ માંગ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે સિંગલ ઓર્ડરથી ટોચના બે અધિકારીઓને કૃષિ વિભાગમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, જેમને હટાવાયા એમાના એક IFS અધિકારીને તો હજુ, આ પોઝીશન પર આવ્યે માંડ 6 મહિના જેટલો જ સમય થયો હતો. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર દરમ્યાન પણ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આ મુદ્દો ગૃહમા ઉઠાવ્યો હતો.અલોક પાંડેનો મિલનસાર સ્વભાવ લોકોને વિક્રાંત પાંડેની યાદ અપાવે છે

ટુરિઝમ ડીપાર્ટમેન્ટમાં જેનું દેવનના સ્થાને આવેલા નવા એમ. ડી. અલોક પાંડેથી હાલ આખો વિભાગ ખુશખુશાલ છે. આ વિભાગમાં જેનુ દેવન છેલ્લા સાડા ચાર વર્ષથી હતા. એમના ગયા પછી નવા બોસ કેવા આવશે એ મુદ્દે વિભાગના લગભગ દરેક કર્મચારી ચિંતિત હતા. અલોક પાંડે અગાઉ યુપી સીએમઓમા અને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગમાં પણ કાર્ય કરી ચૂક્યા છે. પરંતુ, ત્યાં તેઓ જેટલા ચર્ચામાં નહોતા એટલા તેઓ ટુરીઝમ ડિપાર્ટમેન્ટમાં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા છે.અલોક પાંડેના મિલનસાર અને પોઝિટિવ એપ્રોચ લોકોને અમદાવાદના પૂર્વ કલેકટર અને હાલ દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાન્ત પાંડેની યાદ અપાવી છે. અલોક પાંડે માત્ર તેમના વાઇબ્રન્ટ એપ્રોચને કારણે નહી પરંતુ, મહારાણા પ્રતાપના યુધ્ધ પર બનાવેલી યુ ટયૂબ ડોક્યુમેન્ટરીને કારણે પણ ચર્ચામાં છે. એ ડોક્યુમેન્ટરીમાં તેઓ પોતે જ પ્રેઝન્ટર બન્યા છે. જેમણે એ ડોક્યુમેન્ટરી જોઇ છે. તેઓ કહી રહ્યા છે કે, અલોક પાંડેએ યુપીએસસીમા નહીં પરંતુ મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવવા જેવી હતી. તેઓએ મહારાણા પ્રતાપના ઇતિહાસને જે રીતે ન્યાય આપ્યો છે તે કાબિલે તારીફ છે.

મંત્રીને ખબર નથી હોતીને અધિકારી બદલાઇ જાય છે

સચિવાલયની બ્યુરોક્રેસીમાં અચાનક અને ટુકડે ટુકડે થતી બદલીઓનું કારણ ગમે તે હોય પરંતુ જે તે વિભાગના મંત્રીને અધિકારીની બદલીની જાણ હોતી નથી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારથી શરૂ થયેલી આ પ્રથા હજી પણ ચાલી આવી છે. રાજ્યમાં નરેન્દ્ર મોદી પછી ત્રણ મુખ્યમંત્રી આવી ગયા અને આ ત્રણેય મુખ્યમંત્રીની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ જોવા મળી છે પરંતુ એક બાબતની સામ્યતા છે અને તે એવી છે કે, મંત્રીઓને વિશ્વાસમાં લીધા વિના તેમના વિભાગના ટોચના અને મધ્યમ અધિકારીઓ બદલાઇ જાય છે.

અધિકારીઓની બદલી થયાના ઓર્ડર વાંચીને તેમને ખબર પડે છે કે, તેમના વિભાગના અધિકારી બીજી જગ્યાએ જતા રહ્યાં છે. એનો સીધો અર્થ એવો થાય છે કે, ઉચ્ચ અધિકારીની બદલી માટે મંત્રીની ભલામણને સ્થાન હોતું નથી. મુખ્યમંત્રી કાર્યલયથી ક્યારે બદલીની કૂકરી ક્યાં વાગે છે તે મંત્રીની ચેમ્બરને ખબર હોતી નથી. મંત્રીઓને તેમના પર્સનલ સ્ટાફના માધ્મયથી ખબર પડે છે. રાજ્યમાં આઇએએસ અને આઇપીએસની બદલીઓનું લીસ્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બનતું હોય છે. અધિકારીઓની પસંદગી પણ આ કાર્યાલયમાં થાય છે. બદલીની ફાઇલ લઇને જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે જે તે વિભાગના મંત્રીને સાથે રાખવામાં આવતા નથી. જોકે, કેટલાક મંત્રીઓ તેમના વિભાગના અધિકારીઓના પરફોર્મન્સના આધારે રિપોર્ટ આપતા હોવાનું જાણવા મળ્યું છે.

તેમના વિભાગના અધિકારીનું કામ કેવું છે તેવી પૃછા અવશ્ય કરવામાં આવતી હોય છે. આ સરકારમાં હજી સુધી મોટાપાયે બદલીઓ થઇ નથી. એટલે કે, ઓફિસરોની બદલી કરવામાં આવે છે ત્યારે પાંચથી આઠ નામ જોવા મળે છે. અગાઉ ભૂતકાળમાં જ્યારે આઇએએસ અને આઇપીએસની બદલીઓ થતી હતી ત્યારે તેની સંખ્યા ઘણીવાર 50થી 70 સુધી પહોંચી છે. પોલીસની બદલીઓ તોળાઇ રહી છે ત્યારે મોટી સંખ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હમણાં જ વન વિભાગમાં 40 અધિકારીઓની ટ્રાન્સફર થઇ હતી જે યાદી લાંબી હતી પરંતુ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓની યાદી હજી લાંબી જોવામાં આવી નથી.

વિભાગોના સેક્રેટરીઓનું કામ હવે વધી જશે

ગુજરાત સરકારના વિવિધ વિભાગોના સેક્રેટરીઓનું કામ હવે વધી જવાનું છે. બજેટ સત્રનો થાક ઉતારવાનો પણ તેમને સમય મળવાનો નથી. માર્ચના અંતે બજેટ સત્ર સમાપ્ત થયા પછી અધિકારીઓને ચૂંટણીલક્ષી માહિતી એકત્ર કરીને મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરીને આપવાની રહેશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તમામ વિભાગોના વડાઓ પાસે જનતાને સ્પર્ષતી તમામ યોજનાઓની વિગતો એકત્ર કરી આપવાનું કહ્યું છે.

એવી જ રીતે જે તે રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર અને રાજ્યની કલ્યાણલક્ષી યોજનાઓનું પરફોર્મન્સ અને વિગતો આપવી પડશે.  ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરવાનો આદેશ આવ્યો હોવાથી આ વિગતો ભેગી કરવાનું કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ દરમ્યાન રાજભવનમાં ગુજરાતના અનેક પ્રોજેક્ટની સમીક્ષા કરાઇ હતી અને શરૂ થયેલા પ્રોજેક્ટના લોકાર્પણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તેમણે કહ્યું હતું. રાજભવનમાં કેટલાક અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

સરકારના વિભાગોમાં ખાલી જગ્યાઓની રામાયણ

ગુજરાતના સરકારના સચિવાલય સ્થિત વિભાગો તેમજ જિલ્લાકક્ષાની કચેરીઓમાં નિવૃત્તિની સામે નવી ભરતીની ટકાવારી માત્ર 15થી 20 ટકા હોવાથી મોટાભાગની જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાએ આઉટ સોર્સિંગથી નિયુક્તિ થતી હોવા છતાં મુખ્ય કામગીરીને માઠી અસર પડી છે. એક વિભાગમાં ઘણી જગ્યાએ એક અધિકારી બેથી ત્રણ ટેબલનું કામ સંભાળે છે.  માર્ગ-મકાન વિભાગના આંકડા પ્રમાણે 50 ટકા જગ્યાઓ ખાલી પડી છે. આ વિભાગના વર્ગ-1માં 20, વર્ગ-2માં 503 અને વર્ગ-3માં 2882 જગ્યાઓ ખાલી પડી છે.  સરકારે આ વિભાગમાં આઉટ સોર્સિંગથી 327 જગ્યાઓ ભરી છે છતાં આઉટસોર્સિંગની હજી 517 જગ્યાઓ ખાલી છે.  આવી હાલત ઉર્જા, આરોગ્ય, વાહનવ્યવહાર, વન અને પર્યાવરણ, ગૃહ, સામાન્ય વહીવટ વિભાગ, શહેરી વિકાસ, પંચાયત અને શિક્ષણની જોવા મળી છે.

ગુજરાતમાં વધારાના હવાલાથી ચાલતી જગ્યાઓની સંખ્યા 25 ટકાથી વધારે છે. વિવિધ ભરતી એજન્સીઓ દ્વારા ભરતી મેળા કરવામાં આવે છે પરંતુ તે જગ્યાઓ ખૂબ ઓછી હોય છે જ્યારે નિવૃત્ત થનારા કર્મચારીઓની સંખ્યા હજારોમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગો પાસેથી ખાલી જગ્યાની વિગતો મંગાવી છે કે, જેથી ક્યા વિભાગમાં કઇ જગ્યા ખાલી છે તે જાણીને ભરતી એજન્સીને આપી શકાય.

આ પણ વાંચો - ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાનું નિધન, ચેન્નાઇમાં ચાલી રહી હતી કોરોનાની સારવાર

મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો યશ એસએસ રાઠોડને ફાળે

અમદાવાદની મેટ્રો રેલનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો યશ એસએસ રાઠોડને ફાળે જશે. આ પ્રોજેક્ટ આ વર્ષના મધ્યમાં પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ માટે બનાવેલી મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી તરીકે અત્યાર સુધી ત્રણ ઓફિસરો આવ્યા છે. સરકારે પહેલાં નિવૃત્ત આઇએએસ અધિકારી સંજય ગુપ્તાને મૂક્યા હતા પરંતુ તેમણે 150 કરોડનું કૌભાંડ કર્યું હતું.
તેમના પછી બીજા નિવૃત્ત આઇએએસ આઇપી ગૌતમ આવ્યા હતા. તેમની નિવૃત્તિ પછી સરકારે માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત સચિવ એસએસ રાઠોડને મૂક્યા છે.રાઠોડના સમયમાં મેટ્રો રેલમાં ખૂબ પ્રગતિ થઇ છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 40 પૈકી 32 કિલોમીટરની લંબાઇના કામો તેમજ 12 સ્ટેશનનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હોવાનું નોંધવામાં આવ્યું છે જ્યારે બાકીની 8 કિલોમીટરની લંબાઇના કામ તેમજ 20 સ્ટેશન બનાવવાનું કામ 2022ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના 11મા વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે એલિવેટેડ કોરિડોરમાં કુલ 33.53 કિલોમીટર અને અંડરગ્રાઉન્ડ કોરિડોરમાં 6.50 કિલોમીટરના કામો શરૂ કરવામાં આવ્યા હતા જે પૈકી અનુક્રમે 25.94 અને 6.08 કિલોમીટરના કામો પૂર્ણ થયાં છે.

એલિવેડેટમાં હજી 7.59 કિલોમીટરના કામો બાકી છે જ્યારે અંડરગ્રાઉન્ડમાં માત્ર 0.42 કિલોમીટર બાકી છે. બીજીતરફ મેટ્રોરેલના ફેઝ-1માં કુલ 32 સ્ટેશનો પૈકી અત્યાર સુધીમાં 12 સ્ટેશનના કામો પૂર્ણ થયાં છે. જ્યારે બાકીના 20 સ્ટેશનોના કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટમાં કુલ ચાર એવા સ્ટેશનો છે કે જેને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12000 કરોડ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ વિધાનસભાની ચૂંટણી પહેલાં પૂર્ણ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર