Home /News /gujarat /

Power Corridor: સૌરાષ્ટ્રના એક DDOના નામે નનામા લેટર થયા ફરતા, કામ કરતા દબંગાઇની ચર્ચા વધુ 

Power Corridor: સૌરાષ્ટ્રના એક DDOના નામે નનામા લેટર થયા ફરતા, કામ કરતા દબંગાઇની ચર્ચા વધુ 

પ્રતીકાત્મત તસવીર

બાબુઓની ગપશપ: ડીડીઓ કે જેઓ, ડાયરેક્ટ ભરતીના આઇએેએસ છે, તેમનાથી દૂર રહેવા માટેના એક બે નહી પરંતુ ,૧૧-૧૧ કારણો આપીને લોકોને ચેતવવામા આવ્યા છે.

ગાંધીનગર: સૌરાષ્ટ્રના એક ડીડીઓ (DDO) કે જે અગાઉ રાજ્યના આરોગ્ય વિભાગમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ કામ કરી ચૂક્યા છે અને તેમને સૌરાષ્ટ્રમાં ડીડીઓ તરીકે પદભાર સંભાળ્યે હજુ માંડ ચારેક  મહિના જેટલો જ સમય થયો છે. ત્યાં તેમના નામે નનામા લેટર ફરતા થયા છે.  જેમા આ  ડીડીઓ કે જેઓ, ડાયરેક્ટ ભરતીના આઇએેએસ (IAS) છે, તેમનાથી દૂર રહેવા માટેના એક બે નહી પરંતુ ,૧૧-૧૧ કારણો આપીને લોકોને ચેતવવામા આવ્યા છે.

આ ડીડીઓ ડાયરેક્ટ ભરતીના આઇએેસ છે, પરંતુ,  આ લેટરમા તેમની ડોકટર ડીગ્રીથી લઇને તેમની કાર્યશૈલી પ્રત્યે સવાલ ઉઠાવાયા છે. એટલું જ નહી, મહિલા સહકર્મી માટે આ અધિકારી સાથે કામ કરવું જરાય સુરક્ષિત નહી હોવાનું પણ પત્રમા લખવામા આવ્યું છે. આ પત્ર રાજ્યના આરોગ્ય વિભાગનાં જ કોઇ પિડીત સહકર્મી દ્વારા ફરતા કરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ પત્ર સિવાય પણ -બબ્બે બોડીગાર્ડઝને લઇને ફરતા હોવાને કારણે આ અધિકારી માત્ર અધિકારી વર્તુળમાં જ નહી પણ સામાન્ય જનતામાં પણ કુતૂહલનો વિષય બન્યા છે. જોકે, આ પત્રમા કેટલી સચ્ચાઈ છે તે અંગે કોઇ તપાસ થઇ શકી નથી.

નનામો વાયરલ પત્ર


વચેટીયાઓ માટેનુ જાહેરનામું !!!

સીઆરપીસીની કલમ ૧૪૪, મોટે ભાગે રાજ્યમાં શાંતિને સલામતીનો ભંગના થાય અને ટોળા એક સાથે, એક જગાએ ભેગા ના થાય, એ માટે વપરાય છે. આ માટેના જાહેરનામા જરુરિયાત અનુસાર અવારનવાર બહાર પડાતા હોય છે.
પરંતુ, આ કલમનો ઉપયોગ વચેટીયાઓને ભગાડવા માટે કરાયો હોય ને એ અંગે રીતસરનું જાહેરનામું બહાર પડાયુ હોય એવો ગુજરાતનો કદાચ સૌ પ્રથમ કિસ્સો અરવલ્લી જિલ્લામાં બન્યો છે.

અરવલ્લી જિલ્લાના એડીશનલ કલેક્ટર પ્રદિપ સિંહ રાઠોડ તંત્રમાં ચારેય બાજુ વચેટીયા પ્રથાને લઇને એટલા ત્રાહિમામ થયા છે કે, એમણે સીઆરપીસીની કલમ ૧૪૪ના ઉપયોગ સાથે એક અનોખું જાહેરનામું બહાર પાડીને સૌને ચોંકાવી દીધા છે. અરવલ્લી જિલ્લાના એડીશનલ કલેક્ટર પ્રદિપ સિંહે બહાર પાડેલા જાહેરનામા અનુસાર  સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે એકલ દોકલ ઇસમો અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપિંડી કરતા ઇસમો કે જેઓ સામાન્ય જનતાને ભોળવતા કે છેતરપિંડી કરતા નજરે પડશે એમની સામે હવેથી કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

જાહેરનામુ


સ્વાભાવિક પણેજ સરકારી કચેરીઓમા આ પ્રકારનું જાહેરનામું લાગુ કરાયાનું અગાઉ કોઇના ધ્યાને આવ્યું નથી. સૂત્રોનું માનીયે તો, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જે પ્રકારે સ્થાનિક ફરિયાદોને આધારે અચાનક મહેસૂલ ઓફિસોમાં ગમે ત્યારે પહોંચી જઇને રેઇડ પાડવાની શરુઆત કરી છે, ત્યારથી મહેસૂલી તંત્રમાં સન્નાટો ફેલાયો છે ને ઉપરી અધિકારીઓને પણ ફડક પેઠી છે, કે ક્યાંય નીચલા અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટ પ્રથાની બદમાશીને કારણે વગર વાંકે તેમને સાંભળવાનો વારો ના આવે. અને એટલે જ પ્રદિપસિંહ રાઠોડ જેવા કેટલાક અધિકારીઓ એ પાણી પહેલા પાળ બાંધવાનું શરુ કર્યું છે.

ગુજરાતના બે સિનિયર એડીશનલ ડીજી રેન્કના ઓફિસરો NPAમાં રી- યુનિયન કરી આવ્યા

આઇપીએસ કેડરના ૧૯૯૬ બેંચના સિનિયર આઇપીએસ અધિકારીઓનું હૈદ્રાબાદ નેશનલ પોલીસ એકેડમી ( NPA ) ખાતે ગયા ગુરુવારે અને શુક્રવારે Reunion યોજાયુ હતું.  ૧૯૯૬ બેચના દેશભરમા કુલ 92 સિનિયર આઇપીએસ અધિકારીઓ છે, જેમાંથી હૈદ્રાબાદ NPAમાં 52 જેટલા સિનિયર આઇપીએસ અધિકારીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. કેટલાક આઇપીએસ અધિકારીઓ તેમના પરિવાર સાથે NPAમા ગયા હતા.  ગુજરાતમાંથી ૧૯૯૬ બેચના લો એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજી નરસિમ્હા કોમર અને સુરત રેન્જ એડીશનલ ડીજી રાજાકુમાર પાંડિયન ભાગ લેવા માટે ગયા હતા. સુરત રેન્જના એડીશનલ ડીજી તેમના પરિવાર સાથે NPA ગયા હતા. જ્યારે લો એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજી નરસિમ્હા કોમર એકલા જ ગયા હતા.

૧૯૯૬ બેચના કુલ 92 અધિકારીઓમાંથી કુલ 52 અધિકારીઓ આ Reunionમાં જોડાયા હતા. આઇપીએસની સર્વિસના ૨૫ વર્ષ પછી એકજ બેચના 52 અધિકારીઓ ફરીથી મળ્યા હતા અને બે દિવસ સાથે ગુજાર્યા હતા.  આ બે દિવસના રીયુનિયમા જે અધિકારીઓએ સ્પેશિયલાઇઝેશન કરેલુ છે જેમકે, ટ્રાફિક મેનેજમેન્ટ, સાયબર ક્રાઇમ, લો એન્ડ ઓર્ડર, ક્રાઇમ બ્રાન્ચ એના પર તેઓએ પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. 92 અધિકારીઓમાંથી 52 અધિકારીઓ જ આ કાર્યક્રમમાં જોડાઇ શકયા હતા. બાકીના આ તક ચૂકી ગયા હતા. આમ તો આ રિયુનિયન કમ્પલસરી હોય છે. પરંતુ, 40 જેટલા અધિકારીઓ કોઇને કોઇ કારણસર આમા જોડાઇ શકયા નહોતા.

આ પણ વાંચો - પાવર કૉરિડોર: અમદાવાદના પૂર્વ કમિશ્નર એ.કે.સિંઘ સાઇઠી વટાવી ગયા, પણ જુસ્સો પાંત્રીસનો

રવિન્દ્ર પટેલ મિસ્ટર ઇન્ડિયા છે- જે હાજર હોયછે પણ દેખાતા કોઇ ને નથી 

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નિર્ણય નગરની સોસાયટીમા ગયા અઠવાડિયે મોડી રાતના બાઇક પર આવેલા ૧૫થી ૨૦ લુખ્ખા તત્વોએ ૨૦થી વધુ ગાડીઓના કાચ તોડી નાંખ્યા હતા. લુખ્ખા તત્વોએ ધોકા, લાકડી, હોકીથી વાહનોના કાચ તોડ્યા હતા. આ ઘટના અંગે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મોડી રાત્રે સેકટર -૧ ના એડીશનલ સીપી રાજેનદ્ર અંસારીને તપાસ કરવા સૂચના આપી હતી. જે બાદ એડીશનલ સીપી રાજેનદ્ર અંસારીએ ઝોન -૧ના ડીસીપી રવિન્દ્ર પટેલને બનાવ સ્થળે પહોંચીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી. જોકે,  આટલી મોટી ઘટના બનવા છતાં ઝોન-૧ના ડીસીપી રવિન્દ્ર પટેલ બનાવ સ્થળ પર ગયા જ નહોતા. તેને બદલે ઝોન - ૨ના ડીસીપી વિજય પટેલ બનાવ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા.

ઝોન -૧ ના ડીસીપી રવિન્દ્ર પટેલ આટલા ગંભીર બનાવ બનાવ વચ્ચે ક્યારે સ્થળ પર આવીને ગયા તેની જાણ વાડજના પીઆઇ, એસીપી કે પછી ડી સ્ટાફના પીએસઆઇને પણ નથી. ઝોન-૧ના ડીસીપી રવિન્દ્ર પટેલની આ ગંભીર બેદરકારીની નોંધ ઉચ્ચ સ્તરે લેવાઇ છે  અને ચર્ચાઇ રહ્યું છે કે, ટૂંક સમયમાં જ મિસ્ટર ઇન્ડિયા રવિન્દ્ર પટેલને એનો પરચો પણ દેખાશે.

પાવર કૉરિડોરના તમામ આર્ટિક વાંચવા અહીં ક્લિક કરો.

રુપાણીના બેય “શાહ” ફાઇનલી ઠેકાણે પડયા 

પૂર્વ સીએમ રુપાણી સાથેના ખાસ ફરજ પરના અધિકારી કમલ શાહ અને ડી.એચ.શાહ ફાઇનલી ઠેકાણે પડીગયા છે.  કમલ શાહનુ પોસ્ટિંગ તો સીએમઓ સેક્રેટેરી મનોજ દાસ અને અશ્વિની કુમાર સાથે જ કરી દેવાયું હતું પણ રુપાણીના રાઇટ હેન્ડ ગણાતા ડી.એચ.શાહનુ પોસ્ટિંગ લંબાતા એક તબક્કે ચર્ચાઇ રહ્યું હતું કે, રુપાણીના અંગત હોવાને કારણે કદાચ પોસ્ટિંગ દરમિયાન તેમને સાઇડ લાઇન કરાશે અને હજુ તેમનું પોસ્ટિંગ અધ્ધરતાલ રાખીને તેમનું વેકેશન લંબાવવામાં આવશે. પરંતુ, ડી.એચ.શાહને સાબરકાંઠા ડીડીઓ તરીકે રેગ્યુલર પોસ્ટીગ મળતા ફાઇનલી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને તેમનું વેકેશન પૂરુ થયું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Government, Power Corridor, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર