ગાંધીનગર: રાંચરડા- સાંતેજ વિસ્તારમાં (Gandhinagar) દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાંથી ત્રણ વર્ષની બાળકી સાથે દોષી વિજય ઠાકોરે (Vijay Thakor rape case) દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. આ કેસની સુનાવણી માત્ર 14 દિવસમાં પૂર્ણ થતા કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ દોષીએ ત્રણ દીકરીઓ સાથે દુષ્કર્મ કરીને હત્યા (Gandhinagar Rape murder case) કરી હતી તેમાંથી એક ત્રણ વર્ષની દીકરી સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં તેને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવવામાં આવી છે. એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એન. સોલંકીએ સંભળાવી આ કેસમાં સજા સંભળાવી છે. ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ બન્યો છે.
કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો
ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી.
ધરપકડના આઠ દિવસમાં જ 500 પાનની ચાર્જશીટ કરાઇ
આ સમગ્ર કેસના મામલે ગાંધીનગર પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે તમામ ગુના આચર્યાની કબૂલાત કરી હતી. બાદમાં સમગ્ર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ પી ઝાલાને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબુત પુરાવા મેળવ્યા હતા. જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
એક મહિનામાં જ ચુકાદો આવ્યો
આ કેસમાં 60થી વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો. કોઇ ગુનો બન્યાના એક મહિનામાં જ કોઇ કેસનો ચુકાદો આવ્યો હોય તેવો આ ગાંધીનગર જિલ્લાનો પ્રથમ કેસ બન્યો છે.
આરોપી દેશી દારૂ પીવા અને પોર્ન ફિલ્મ જોવાનો આદી હતો
આરોપી વિજય પરણિત છે અને તેને પણ 6 વર્ષની દીકરી છે. સાઇકો રેપીસ્ટ મોબાઈલમાં સતત પોર્ન ફિલ્મ જોતો હતો અને તેને દેશી દારૂ પીવાની આદત હતી. પોર્ન ફિલ્મ જોયા બાદ તે બાળકીઓને ટાર્ગેટ કરતો હતો. સાતેજ નજીક ફેકટરીઓમાં કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરી લે અથવા તેઓને વસ્તુ ખવડાવવાની લાલચ આપીને ઉઠાવી જતો હતો. દુષ્કર્મ કેસમાં પણ 5 વર્ષની બાળકીને બાઇક પર ફરવા લઈ જવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે 7 વર્ષની બાળકી પોતના ઘર નજીક મોબાઈલ રમી રહી હતી ત્યારે મોબાઈલ ઝૂંટવીને લઈ ગયો હતો.
બાળકી પાછળ મોબાઈલ લેવા આવી ત્યાર તેની સાથે દુષ્કર્મ આચર્યું. જ્યારે ત્રીજી 3 વર્ષની બાળકી પરિવાર સાથે સુતી હતી તેને ઉઠાવીને લઈ ગયો હતો બાળકી રડી રહી હતી એટલે તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી દુષ્કર્મ આચર્યું હોવાની વાત કબૂલી હતી. આરોપીની માનસિકતા એટલી વિકૃત છે કે, દિવાળી અને નવા વર્ષના દિવસે બાળકી પર દુષ્કર્મ આચરીને ગામમાં આયોજિત માતાજીના ગરબા રમવા પણ ગયો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર