ગાંધીનગર જિલ્લા પંચાયત ચૂંટણી, જાણો કેવા છે સમીકરણ, કોને થશે ફાયદો

ગાંધીનગર જિલ્લા પંચાયત ચૂંટણી, જાણો કેવા છે સમીકરણ, કોને થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર

આ ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે બીજી માર્ચે મત ગણતરી થશે

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયત , કલોલ, માણસા ,દહેગામ તાલુકા પંચાયત અને કલોલ તેમજ દહેગામની નગરપાલિકા માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. આવતીકાલે ગુરુવાર સુધીમા ઉમેદવારોની યાદી જાહેર થઇ શકે તેમ છે. આ ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે બીજી માર્ચે મત ગણતરી છે. આ જિલ્લાના સમીકરણો વિશે જણાવી રહ્યા છીએ.

ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો છે. ગાંધીનગરમાં દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયમાં પણ ચૂંટણી છે. તાલુકા પંચાયતની કુલ 80 બેઠકો છે. જ્યારે કલોલ- દહેગામ નગરપાલિકાની કુલ 72 બેઠકો છે. ગાંધીનગર જિલ્લાની વાત છે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાશે જ્યારે ભાજપ દ્વારા આજે મોડી રાત સુધીમા અથવા કાલે સવારે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ શકે છે.બીજી તરફ ગાંધીનગરનો રાજકીય ચૂંટણી ઇતિહાસ જોતા આ તમામ બેઠકો પર કોંગેસની મજબૂત સ્થિતિ છે. ગાંધીનગર જિલ્લો પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. જિલ્લા પંચાયતની રચના થઇ ત્યારથી અત્યાર સુધીમાં મોટાભાગે સત્તા ઉપર કોંગ્રેસ પક્ષ રહ્યો છે. જયાં સુધી જિલ્લા પંચાયતની વાત છે તો અત્યાર સુધીમાં તડજોડની રાજનીતિથી ભાજપ માત્ર બે ટર્મ શાસન માટે આવી શક્યું છે.

આ પણ વાંચો - ખેડૂતોને પીએમ મોદીનો સંદેશો, નવા કાનૂન કોઈને બાધ્ય કરતા નથી, આ બિલકુલ વૈકલ્પિક છે

ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો અહીંયા ક્ષત્રિય, ઓબીસી અને પાટીદારના મતો મહત્વના બની રહે છે. જોકે નિર્ણાયક મતો તરીકે ઓબીસી સમાજનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આ વખતે સીમાંકન પણ બદલાયું છે અને આ બદલાયેલા સીમાંકનને ફાયદો કોંગ્રેસને થશે તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભીએ જણાવ્યું હતું.

બીજી તરફ ભાજપની વાત કરીએ તો આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પેજ સમિતિ બનાવવા માટે જે પ્રકારે કસરત કરવામાં આવી છે. તેનો ફાયદો મતો થકી ગાંધીનગર જિલ્લા ભાજપને મળશે તેમ ભાજપના જિલ્લા પ્રમુખ નૈલેષ પટેલનુ માનવું છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ બદલાયેલા સીમાંકન થકી ગાંધીનગરના કુલ 18 જેટલા ગામડાઓનો મહાનગરમાં સમાવેશ થયો છે. જેમાં કોલવડા, ગાંધીનગર, પેથાપુર, વાવોલ ,રાંદેસણ ,કુડાસણ, પોર જેવા ગામોનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન 8 થી 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે. 15 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી થશે.16 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 28 મી ફેબ્રુઆરીએ મતદાન છે અને બીજી માર્ચે પરિણામ જાહેર થશે.
Published by:Ashish Goyal
First published:February 10, 2021, 21:33 pm

ટૉપ ન્યૂઝ