ભારત ડિસેમ્બર 2022થી એક વર્ષના સમયગાળા માટે G20 ગ્લોબલ ફોરમ (G20 Global forum)નું પ્રમુખપદ સંભાળશે. જેથી ગુજરાતમાં G20 ઇવેન્ટ્સ (G20 events in Gujarat)નું આયોજન કરવાની તક છે. ગુજરાત સરકાર (Gujarat Government) આ માટે પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે આ મહિનાની શરૂઆતમાં G20ના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત દ્વારા G20 કાર્યક્રમોનું આયોજન થઈ શકે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી.
રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનશે
મુખ્ય સચિવ પંકજ કુમારની આગેવાની હેઠળના ગુજરાતના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. આ બેઠકમાં ગુજરાતની ટીમને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધીની G20 ઇવેન્ટ્સના આયોજનમાં ભારત સરકારની ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગુજરાતમાં G20 બેઠકોનું આયોજન કરવા માટે વિદેશ મંત્રાલય અને G20 સચિવાલય વચ્ચે સંકલન સાધવા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવવાનો નિર્દેશ CS દ્વારા અપાયો હતો.
આ બાબતે અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને સૂત્રએ જણાવ્યું હતું કે, રાજ્યને G20ની લીડર્સ કોન્ફરન્સ અથવા મંત્રી કક્ષાની કોન્ફરન્સ જેવી મુખ્ય બેઠકોનું આયોજન કરવાની તક મળી શકે છે. રાજ્ય સરકારે G20 સંબંધિત તમામ કાર્યક્રમો માટે G20 સચિવાલય અને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધવા ઉદ્યોગો અને ખાણ વિભાગને નોડલ એજન્સી તરીકે રાખવાનું સૂચન કર્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના આયોજનનો બહોળો અનુભવ ધરાવતા અધિકારીઓને કો-ઓર્ડિનેટર અને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આગામી દિવસોમાં વિદેશ મંત્રાલય અને G20 સચિવાલયના નિર્દેશ મુજબ અમે વધુ ટીમોની નિમણૂક કરીશું. આ ટીમો G20 ઇવેન્ટ્સના આયોજન માટે લોજિસ્ટિક્સ સહિતના તમામ પાસાઓ પર ધ્યાન આપશે.
અહીં નોંધનીય છે કે, ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20 ગ્લોબલ ફોરમનું પ્રમુખપદ સંભાળશે. G20માં વિશ્વના મુખ્ય વિકસિત અને વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે. G20ના દેશો વૈશ્વિક જીડીપીમાં 85 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. જેથી G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેના મુખ્ય મંચ સમાન છે.
ઇન્ડોનેશિયા અને ઇટલી સાથે ભારત કામ કરશે
1 ડિસેમ્બર, 2021ના રોજ ભારત પણ ઇન્ડોનેશિયા, ઇટલીમાં G20 ટ્રોઇકામાં સામેલ થયું હતું. ઇન્ડોનેશિયા અને ઇટલી પાસે G20ના પ્રમુખપદનો અનુભવ છે. જેથી ટ્રોઇકા મેમ્બર તરીકે ભારત હવે ઇન્ડોનેશિયા અને ઇટલી સાથે G20 એજન્ડાને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે.
G20 કયા દેશો છે અને તેની કામગીરી શું છે?
G20ના સભ્યોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેના મુખ્ય મંચ તરીકે G20 તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક માળખાને આકાર આપવા અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉજ્જવળ ભવિષ્યની તૈયારી માટે G20ના દેશો એક સાથે આવ્યા છે. G20ના સ્થાપક સભ્ય તરીકે ભારતે વૈશ્વિક કક્ષાએ મહત્વના મુદ્દાઓ પર તેની ચર્ચામાં સતત યોગદાન આપ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર