Home /News /gujarat /ડ્રગ્સના ખોટા કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરાશે

ડ્રગ્સના ખોટા કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરાશે

સંજીવ ભટ્ટ (ફાઈલ તસવીર)

  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા

  1996ના ડ્રગ્સના ખોટા કેસમાં રાજસ્થાનના વકીલને સંડોવી દેવાના ગુનામાં આજે સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખોટા કેસમાં સીઆઈડી ક્રાઇમ કોર્ટ પાસેથી સંજીવ ભટ્ટના રિમાન્ડની માંગણી કરી શકે છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત બનાસકાંઠા જિલ્લાના સાત જેટલા પોલીસકર્મીઓની પણ અટકાયત કરવામાં આવી છે.

  1996માં પાલનપુરમાં એક વકીલ સામે ખોટો કેસ કરવાના ગુનામાં સીઆઈડી ક્રાઇમે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની બુધવારે ધરપકડ કરી છે. સંજીવ ભટ્ટ સાથે રિટાયર્ડ તત્કાલિન PI આઈ.બી. વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી છે. સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ 1996માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યો હતો. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમને સમગ્ર કેસની તપાસ કર્યા બાદ ત્રણ મહિનાની અંદર અહેવાલ કોર્ટને સુપરત કરવા જણાવ્યું છે. આ કેસમાં સેવાનિવૃત્ત હાઈકોર્ટ જસ્ટિસ આર.આર. જૈન, ફરજ પરથી હટાવવામાં આવેલી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને બનાસકાંઠા પોલીસ વિરુદ્ધ આરોપ મૂકાવામાં આવ્યા છે.

  શું હતો કેસ?

  1996ના મે મહિનામાં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. રાજપુરોહિતની પાલનપુરની એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપુરોહિતના રુમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવેલી ઓળખ પરેડમાં હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. જે બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો.

  આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. બાદમાં રાજપુરોહિતે પાલી ખાતે જસ્ટિસ આર.આર. જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા. સંજીવ ભટ્ટ એ સમયે બનાસકાંઠા જિલ્લાના SP હતા.

  રાજપુરોહિતે આરોપ મૂક્યો હતો કે પાલી ખાતે જસ્ટિસ આર.આર.જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા મામલે બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અન અન્ય લોકોના કોલ રેકોર્ડ તપસ્યા હતા. જેમાં રાજપુરોહીતના આરોપને પ્રમાણિત કરતા પૂરાવા આપવામાં આવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Sanjiv Bhatt, ગુજરાત હાઇકોર્ટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन