પાલનપુરમાં અંધશ્રદ્ધાથી કોરોનાગ્રસ્ત દર્દીનું મોત, ગુરુએ માસ્ક વગર દર્દીના પેટ પર પગ મૂકી વિધિ કરી

હોસ્પિટલમાં સારવાર માટે જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી

હોસ્પિટલમાં સારવાર માટે જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિજન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું છે. 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.

  દેશ ભલે 21મી સદીના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. પાલનપુરમાં કોરોના ગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.

  આ પણ વાંચો - અમદાવાદ : કોંગ્રેસનો સવાલ- રાજ્ય સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી?

  તે સમયે પાલનપુરમાં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવાનભાઈની તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા. તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જશે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈને સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલ્દી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા. જોકે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ દિનેશભાઈની તબિયત વધુ લથડતા તેમનું મોતનું નીપજ્યું હતું.

  આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉની છે અને હવે 20 દિવસ પછી કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હકીકત સામે આવી છે. આ મામલે મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસ કરવાનું અને કંઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલુ છે. જો સાચું હશે તો કાયદેસરનીની કાર્યવાહી થશે.
  Published by:Ashish Goyal
  First published: