Home /News /gujarat /

કોરોનાના દર્દીઓની સેવા કરતા સંક્રમિત થઇ પણ જુુસ્સો ન ગુમાવ્યો, કહ્યું 'સાજી થઇને ફરીથી આવીશ'

કોરોનાના દર્દીઓની સેવા કરતા સંક્રમિત થઇ પણ જુુસ્સો ન ગુમાવ્યો, કહ્યું 'સાજી થઇને ફરીથી આવીશ'

પાટણ  : “બસ આ હૉમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી ફરજ પર હાજર થઈ બમણા જુસ્સા સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જઈશ...” પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ.નિધી છૈંયાના આ શબ્દો ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ એવા ડૉક્ટર્સની ફરજપરસ્તી અને સમાજ પ્રત્યે તેમના સમર્પણ ભાવની સાક્ષી પૂરે છે.

આઈસોલેશન વોર્ડમાં ડ્યુટી દરમ્યાન કોરોના પોઝિટિવ દર્દીઓના સૌથી વધુ સંપર્કમાં આવનાર મેડિકલ સ્ટાફ પૈકી નર્સિંગ સ્ટાફના અન્ય ચાર સભ્યોની જેમ ડૉ.નિધીનો COVID19 ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. ધારપુર મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ બાદ છેલ્લા છ મહિનાથી જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે જોડાયેલા ડૉ.નિધીને જનરલ મેડિસીન વિભાગમાં ફરજ સોંપવામાં આવી હતી. માર્ચ મહિનાથી બેચ વાઈઝ રોટેશનમાં આપવામાં આવતી ડ્યુટી પ્રમાણે છેલ્લે તા.01 મેથી તા.15 મે સુધી તેમની ડ્યુટી આઈસોલેશન વોર્ડમાં હતી.

સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહેલા ડૉ.નિધીએ તા.16 મેના રોજ ડ્યુટી ક્વૉરન્ટાઈન થયા બાદ સૉર થ્રોટની સમસ્યા જણાતા હોસ્પિટલમાં સેમ્પલ આપ્યું. રિપોર્ટ COVID19 પોઝીટીવ આવ્યો અને લાંબા સમય બાદ પરિવારને મળવાના આંખે આંજેલા અરમાન પર જાણે ગ્રહણ લાગ્યું.

COVID19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમની મનોસ્થિતિ અંગે ડૉ.નિધી જણાવે છે કે, પહેલી પાંચ મિનિટ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ હતી. પછી હિંમત આવી કે સારવાર કરનારા લોકો પણ મારા હોસ્પિટલ પરિવારના લોકો જ છે. જો હું એકલી હોત તો ખબર નહીં હું આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરત. પણ આર.એમ.ઓ. સર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સર તથા સ્ટાફના મેન્ટલ અને સાઈકોલોજીકલ સપોર્ટથી મારી ચિંતા હળવી થઈ.

આ પણ વાંચો - આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો

ડ્યુટી ક્વોરન્ટાઈનના ત્રીજા દિવસે જ COVID19 રિપોર્ટ પોઝિટિવ આવતાં તા.18 મેના રોજ હોસ્પિટલમાં દાખલ થઈ 10 દિવસની સારવાર બાદ તા.27 મેના રોજ ડિસ્ચાર્જ થયા બાદ ડૉ.નિધી હાલ તેમના વતન ઉપલેટા ખાતે હૉમ ક્વોરન્ટાઈન છે.  હકારાત્મક અભિગમથી ભરપૂર ડૉ.નિધી જણાવે છે કે, હૉમ ક્વોન્ટાઈનનો સમય પૂર્ણ કરી હું ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવામાં જોડાઈ જઈશ. મને એક ફાયદો એ થશે કે ફરજ દરમ્યાન દર્દીઓને સાંત્વના આપી શકીશ કે, હું પણ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ જીવન જીવી રહી છું અને તમે પણ મારી જેમ બહુ જલ્દી સ્વસ્થ થઈ જશો.
ફેસ માસ્ક, હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ અને સામાજીક અંતર જાળવવાની સુચનાઓનું ચુસ્ત પાલન કરવાની અપીલ સાથે એક તબીબ તરીકે ડૉ.નિધી જણાવે છે કે, કોરોના વાયરસના પ્રતિકાર માટે કોઈ રસી કે દવા શોધાઈ નથી. ત્યારે આયુર્વેદિક ઉકાળા અને અન્ય ઘરગથ્થુ ઉપચારો દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો એ જ કોરોના વાયરસ સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
આઈસોલેશન વોર્ડમાં ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લવ્ઝ અને પી.પી.ઈ. કીટથી સજ્જ હોવા છતાં COVID19 પોઝિટિવ દર્દીઓ સાથે સૌથી વધુ સંપર્કમાં આવવાના કારણે ફરજ પરના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને ઈન્ફેક્શનનું જોખમ હોય છે. તેમ છતાં પોતાની ફરજને સૌથી ઉપર ગણી રાત-દિવસ દર્દીઓની સારવાર કરી રહેલા હોસ્પિટલ સ્ટાફના ડૉક્ટર અને નર્સિસ સાચા અર્થમાં યોદ્ધાઓ છે.

કોરોના મહામારીના સમયમાં ફરજ દરમ્યાન થયેલા સંક્રમણ અને સારવાર બાદ સ્વસ્થ થઈ ફરી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે તત્પર માત્ર 29 વર્ષની યુવાન વય ધરાવતા ડૉ.નિધી જેવા કોરોના વૉરિયર્સના નૈતિક મૂલ્યો અને ફરજ પ્રત્યેની ઉમદા ભાવના દેશના ઉજ્જવળ ભવિષ્યના રસ્તાના માઈલસ્ટોન છે. ડૉ.નિધી જેવા હજારો નામી-અનામી કોરોના વૉરિયર્સને સલામ...

આ પણ જુઓ - 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona petient, COVID-19, Lockdown, ગુજરાત, પાટણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन