દિયોદરમાં લેબોરેટરી સંચાલકોની દરિયાદિલી, 4 હજારમાં થતા કોરોનાના ટેસ્ટ 900 રૂપિયામાં કરી આપશે

નાયબ કલેક્ટર એમ એમ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય

ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે ઓછું નુકસાન થાય તે માટે દિયોદર લેબોરેટટી એસોસિએશનને આવકારદાયક નિર્ણય લીધો

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી બનાસકાંઠાના દિયોદર ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં લેબોરેટરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વિવિધ ટેસ્ટના થતા 4 હજારના ટેસ્ટ માત્ર 900 રૂપિયામાં કરી આપવાનો આવકારદાયક નિર્ણય લેવાયો છે.

  બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શહેરો બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. તેવામાં સૌથી વધુ નુકસાન ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું થઈ રહ્યું છે. કારણ કે એક તરફ લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ કોરોનામાં સપડાતા હોસ્પિટલમાંની સારવારમાં થતા ખર્ચથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આવા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે ઓછું નુકસાન થાય તે માટે દિયોદર લેબોરેટટી એસોસિએશનને આવકારદાયક નિર્ણય લીધો છે. દિયોદર ખાતે નાયબ કલેકટર અને તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં લેબોરેટરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વિવિધ ત્રણ જેટલા ટેસ્ટમાં અત્યાર સુધી 4 હજારથી પણ વધુ રૂપિયા આપવા પડતા હતા જે હવે માત્ર 900 રૂપિયામાં કરી આપવાની લેબમાં માલિકોએ ખાતરી દર્શાવી છે.

  આ પણ વાંચો - ગજબ : જે કોરોના દર્દીને ગુજરાતના નકલી રેમડેસિવીર ઇન્જેક્શન લાગ્યા, તેમાંથી 90% સ્વસ્થ થયા

  આ મામલે નાયબ કલેક્ટર એમ એમ દેસાઇએ જણાવ્યું હતું કે કોરોનાના જે ટેસ્ટ અત્યાર સુધી 4 હજારમાં થતા તે હવે માત્ર 900 રૂપિયામાં થશે. આમ કહી શકાય કે દિયોદરમાં અત્યાર સુધી રોજના 50થી પણ વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવતા હતા એટલે આ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને દોઢથી બે લાખ રૂપિયાની બચત થશે અને જો કોઈ અત્યંત ગરીબ દર્દી જણાય તો તેને નુકસાન કરીને પણ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવા માટે ડોક્ટરો તૈયાર થયા છે.

  આ અંગે ડો. રાકેશભાઈ અને જયંતીભાઈએ કહ્યું હતું કે અમે ગરીબ દર્દીઓને વ્યાજબી ફી માં ટેસ્ટ કરી આપીશું. તેમજ ગરીબ દર્દીને વિનામૂલ્યે પણ ટેસ્ટ કરી આપીશું. અત્યારના સમયમાં કેટલીય હોસ્પિટલના સંચાલકો નાણાં કમાવવાની હોડમાં ગરીબ હોય કે અમીર દર્દી તમામ પાસેથી તગડી ફી વસૂલતા હોય છે તેવામાં દિયોદરના લેબોરેટરી ધારકોની આ પહેલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: