ગાંધીનગર: સેન્ટ્રલ વિઝિલન્સ કમિશને રાજ્ય ના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને લખેલા પત્રમાં સિવિલ સેવાના અધિકારીઓ સામેની તપાસમાં ઝડપ અને સરળતા લાવવા નિર્દેશ કર્યો છે. સરકારી વિભાગોએ તપાસની ફાઇલના કવર પેજ પર હવે વિજીલન્સ કેસ પણ ફરજિયાત લખવાનું રહેશે. જે અનુસાર હવે ગુજરાતના 31 AIS - IPS અધિકારી સહિત તમામ વર્ગના કુલ 709 જેટલા ભ્રષ્ટાચારી અધિકારીઓની ફાઇલો પર રેડ ટેગ લગાવાશે.
ગુજરાત સહિતના રાજ્યો તેમજ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોએ આક્ષેપિત અથવા તો જેમની સામે ગેરરીતિઓની ફરિયાદમાં તપાસ ચાલતી હોય તેવા ઉચ્ચ અધિકારીઓની તપાસ અને દંડની ફાઇલ પર રેડ સ્ટીકર લગાવવાનો આદેશ સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન એટલે કે સીવીસીની સૂચનાથી કેન્દ્ર સરકારે આપ્યો છે.
કેન્દ્ર સરકારે ઉચ્ચ અધિકારીઓ સામે થનારી સેન્ટ્રલ વિઝિલન્સ કમિશનની તપાસમાં ઝડપ લાવવા માટે કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે જેને રાજ્ય સરકારોએ પણ હવે અનુસરવું પડશે.
અખિલ ભારતીય સેવાના અધિકારીઓમાં આઇએએસ અને આઇપીએસ સહિતના તમામ અધિકારીઓ આવે છે. સંસદના સત્રમાં જેવી રીતે રાજ્યસભા અને લોકસભામાં સવાલો સબંધિત ફાઇલો આપવામાં આવે છે તેવી રીતે હવે આ ફાઇલો તૈયાર કરવાની રહેશે.
સીવીસી તપાસની ફાઇલો કે જેમાં દંડ અને સજાની જોગવાઇ છે - તે જ્યારે રાષ્ટ્રપતિભવન અને યુપીએસસી સમક્ષ જશે ત્યારે તેના પર રેડ સ્ટીકર લગાડવાનું રહેશે. સાથે સાથે આ ફાઇલના કવર પેજ પર વિઝિલન્સ કેસ લખવામાં આવશે. જેથી ફાઇલ ખોલનારા અધિકારીએ તરત જ ખબર પડી જશે કે આ ફાઇલ સીવીસી તપાસની છે તેથી તેનો નિકાલ કરવામાં પણ ઝડપ આવશે.
સીવીસીના કહેવા પ્રમાણે અખિલ ભારતીય સેવાના અધિકારીઓ પર જ્યારે આરોપ લાગે છે ત્યારે તેની ફાઇલ તૈયાર થતી હોય છે. પરંતુ બીજી સામાન્ય ફાઇલની જેમ આ ફાઇલ ધીમી ગતિએ ચાલતી હોય છે જેનો ફાયદો આક્ષેપિત અધિકારીને થતો હોય છે.
ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે, આ ફાઇલ યુપીએસસી પાસે જાય છે ત્યારે તેમાં એવું લખ્યું હોતું નથી કે, સીવીસીએ તેમનો રિપોર્ટ આપ્યો છે. સીવીસીએ કેટલાક કેસોમાં કાર્યવાહી કરવાની ભલામણ કરી હોય છે પરંતુ તેને દબાવી દેવામાં આવતી હોય છે.
આ સંજોગોમાં સીવીસીની ભલામણો એવી જગ્યાએ લખવામાં આવી હોય છે કે જે ફાઇલ ખોલતાં જ નજર સામે આવે અને આક્ષેપિતને ઝડપથી દંડ અને સજા મળી શકે. માત્ર દેશના રાજ્યો જ નહીં, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં ફરજ બજાવતા અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જેમની પર આરોપ લગાવવામાં આવેલા છે અને સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન જેમની સામે તપાસ કરી રહ્યું છે તેમના કિસ્સાની ફાઇલો પર પણ હવે આ લાગુ પડશે. આમ કરવાનું કારણ તપાસના કેસોમાં ઝડપ અને સરળતા લાવવાનું હોઇ શકે છે. બીજો ફાયદો આવી ગૂમ થતી ફાઇલોને બચાવવાનો પણ છે.
કોરોના કાળ ને કારણે જે બદલીઓ દોઢ દોઢ વર્ષ સુધી નહોતી થઇ શકી તેવા ૭૭ જેટલા કલેક્ટરને ડીડીઓની સાગમટે બદલી કર્યાના દસ જ દિવસમા રાજ્ય સરકારે બદલી કરાયેલા કેટલાક અધિકારીઓની ફરીથી બદલીઓ કરી છે.કેટલાક કિસ્સા મા તો એવુ બન્યું છે કે, અધિકારી જે દિવસે ફરજ પર પ્રથમ દિવસે હાજર થયા હોયને એજ દિવસે તેમને રી ટ્રાન્સફરનો ઓર્ડર મળ્યો હોય.
સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે વિવાદોમાં રહેલા કનકીપતિ રાજેશને પહેલા ગૃહ વિભાગમાં જોઇન્ટ સેક્રેટેરી તરીકે ટ્રાન્સફર કરાયા - એના અઠવાડિયામાંજ એમને સામાન્ય વહીવટી વિભાગમા બદલી આપવામા આવી. જ્યારે અગાઉ મ્યુનિસિપાલિટીઝ કમિશ્નરમાંથી કચ્છ કલેક્ટર બનેલા ડી. કે. પ્રવીણાને પંચમહાલ ટ્રાન્સફર કર્યા બાદ ફરીથી પાછા કચ્છ પરત ટ્રાન્સફર કરાયા છે ને છોટાઉદેપુરથી બદલી થઈ કચ્છ ગયેલા કલેકટર સુજલ મયાત્રાની અઠવાડિયામાં જ ડી. કે. પ્રવીણાના બદલી સ્થળ ગોધરા ખાતે બદલી કરાઇ હોવાના અજીબોગરીબ કિસ્સા નોધાયા છે.
સામાન્ય સંજોગોમાં આ પ્રકારે ગણતરીના દિવસમાં જ સરકાર યુ ટર્ન લે તેવું બનતુ નથી. પરંતુ, આ ફેરફારો પાછળ કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓનું હીત અને હાથ હોવાનું મનાય છે.
ભાઇ કો ફોન ...
બદલીઓની વાત આવે અને એક બહુચર્ચિત બદલીની વાત ના થયા તો વાત અધૂરી ગણાય. ૭૭ આઇએસ અધિકારીઓની બદલી દરમ્યાન રાજ્યના સૌથી મહત્વના ગણાતા વિભાગના ઉચ્ચ મહિલા અધિકારીને - મહત્વના વિભાગમાંથી સીધા સાઇડ લાઇન ગણાતા પોસ્ટીગમા મૂકી દેવાતા જે તે સમયે ઘણાંને આશ્ચર્ય થયું હતું. પરંતુ, ધીમે ધીમે આ રહસ્ય પરથી પરદો ઉંચકાયો છે. સૂત્રોનું માનીએ તો, આ મહિલા અધિકારીએ પોતાના પરિવારજનની અમદાવાદ ટ્રાન્સફર માટે રાજ્યના મોટા ઉદ્યોગપતિ દ્વારા - કેન્દ્રના ઉચ્ચ મંત્રીને ફોન કરાવતા તેમને નેગેટીવ સરપાવના ભાગરુપે સાઇડ લાઇન કરી દેવાયા છે. ઉલ્ટું, અમદાવાદમા જે જગ્યા માટે અધિકારી પરિવારજનની ભલામણ કરાવી હતી, ત્યાં કામ કરી રહેલા અન્ય અધિકારીનુ સ્થાન વધુ મજબૂત બન્યુ છે.
૭૭ની બદલીઓમાં કેટલાક અધિકારીઓ એવા પણ છે , જેમણે તેમના વિભાગમાં ઘણું સારુ કામ કર્યું હતું , જેને લઇને રાજ્ય સરકારે તેમને વધુ ત્રણ વર્ષ એજ જગ્યા પર ફરીથી પોસ્ટીગ આપવાનો નિર્ણય કર્યો હતો , જેથી તેમને નવતર પ્રયોગો નો અવકાશ રહે. પરંતુ , આ અધિકારીઓએ સામે ચાલીને અન્ય જગ્યાએ પોસ્ટીગ આપવા વિનંતી કરી હતી , ને સરકારે વિનંતી માન્ય રાખીને અન્ય સ્થળે બદલી પણ કરી છે. એવા અધિકારીઓમાં સર્વ શિક્ષા વિભાગમાં ખૂબ સારુ પ્રદર્શન કરી ચૂકેલા પોન્ગુમાટલા ભારતીનો પણ સમાવેશ થાય છે.
સર્વ શિક્ષા વિભાગમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને મેક્સિમમ અભ્યાસમય રાખવા માટે ગુજરાતની સૌથી પહેલી ફ્રી એજ્યુકેશન એપ બનાવીને લાઇમ લાઇટમાં આવેલા પી.ભારતીને હવે લેબર કમિશ્નર તરીકે મૂકાયા છે. અને અહીંયા પણ તેઓએ જોડાતાની સાથેજ યુ વીન કાર્ડ સંદર્ભે નવા પ્રયોગ શરુ કર્યા છે. જો એમનું એ કાર્ય સફળ રહ્યું તો - જેટલા પણ રજીસ્ટર્ડ શ્રમિકો છે તેમને રાજ્ય સરકારની અન્નપૂર્ણા ટીફીન યોજના અંતર્ગત માત્ર દસ રુપિયામાં ભોજન મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આવી સુવિધા માત્ર બાંધકામ સ્થળે કાર્ય કરી રહેલા શ્રમિકોને જ મળતી હતી. પરંતુ હવે યુવીન કાર્ડ જેની પાસે હોય તે તમામ શ્રમિકોને આ સુવિધા ઉપલબ્ધ થશે.
કુછ રંગ ઐસે ભી ....
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ૭૭ જેટલા કલેક્ટર ડીડીઓની બદલી બાદ સીએમ રુપાણીએ તમામને વિશેષ સ્વરુપે ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા અને લગભગ એક કલાક સુધી સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન જનરલી અતડા રહેવા ટેવાયેલા આઇએએસ અધિકારીઓને તેમણે એક અગત્યની સલાહ આપી હતી કે, મિડીયા સાથે વાત કરો. તમે કરેલા કાર્યો મિડીયા થકી પ્રજા સુધી પહોંચાડો.
" isDesktop="true" id="1111259" >
જોકે, મૂળ ગુજરાતી હતા અથવા તો ધણાં સિન્સિયરને લો પ્રોફાઇલ હતા એટલા જ અધિકારીઓએ આ વાત ગંભીરતાથી લીધી હોય તેમ જણાયુ હતુ. બાકીના તમામ, પિકનીક ગેટ ટુ ગેધરમાં આવ્યા હોય તેમ જણાયા હતાને પરસ્પર કોનું કેવુ ડ્રેસિંગ છે, ને કયો અધિકારી સરકારની નજીક છે ને શા કારણે છે, તેવી ચર્ચાઓ સાથે જ વિદાય થયા હતા.