Home /News /gujarat /ગુજ્જુ ગર્લ ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા વતન મહેસાણામાં રંગેચંગે ઉજવણી, પિતાએ કહ્યું, 'અમને ગર્વ છે'

ગુજ્જુ ગર્લ ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા વતન મહેસાણામાં રંગેચંગે ઉજવણી, પિતાએ કહ્યું, 'અમને ગર્વ છે'

મહેસાણા: ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે. પેરાલિમ્પિક ટેબલ ટેનિસના ઇતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી ભારતની સૌ પ્રથમ ખેલાડી બની છે પરંતુ આજે તેમને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાવિના પટેલ ચીની ખેલાડી Zhou Ying સામે 11-7, 11- 5, 11-6થી ફાઇનલ હારી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની દીકરી તરીકે પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ભાવિના પટેલે (Bhavina Patel win Silver Medal) ડંકો વગાડી દીધો છે. ત્યારે ભાવિનાના વતન મહેસાણામાં પણ રંગેચંગે ઉજવણી થઇ રહી છે.

'તેનું ભવ્ય સ્વાગત કરીશુ'

આ ખુશીનાં પ્રસંગે ભાવિનાના પિતા હસમુખભાઇ પટેલે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'તેણે અમને ગૌરવ આપ્યું છે. તે જ્યારે પરત ફરશે ત્યારે અમે તેનું ભવ્ય સ્વાગત કરીશું.' નોંધનીય છે કે, જ્યારથી ભાવિના પેરાલિમ્પિકમાં રમવા ગઇ છે ત્યારથી પરિવાર જ નહીં પરંતુ આખું મહેસાણા અને ગુજરાત તેમને રમતા જોવો માટે ઉત્સાહિત હતા. આજે મહેસાણા સહિત રાજ્યભરમાં ઉત્સાહની લાગણી ફેલાઇ છે અને અનેક જગ્યાએ ઉજવણી થઇ રહી છે.



પેરાઓલમ્પિકના ઈતિહાસમાં ભારત તરફથી મેડલ જીતનારી બીજી મહિલા છે ભાવિના

ભાવિના પટેલ પેરાઓલમ્પિક રમતોના ઈતિહાસમાં ભારત તરફથી મેડલ જીતનારી માત્ર બીજી મહિલા છે. દીપા મલિક પેરાઓલમ્પિક રમતોમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા છે. તેણે રિયો ઓલમ્પિક 2016માં ગોળા ફેંકમાં 4.61 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો કમરની નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત હતો.



નોંધનીય છે કે, 34 વર્ષીય ભાવિના પટેલે કેટેગરી 4ની વિમેન્સ સિંગલ્સની ઈવેન્ટમાં શાનદાર દેખાવ જારી રાખતાં માત્ર 34 મિનિટમાં જ સેમિ ફાઈનલ જીતી લીધી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ભાવિનાએ જોરદાર કમબેક કરતાં બીજી અને ત્રીજી ગેમ જીતી લીધી હતી. ચોથી ગેમમાં મિઓએ વિજય મેળવતા બંને ખેલાડીઓ 2-2થી બરોબરી પર આવી ગઈ હતી.



ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રથમ ગ્રુપ મેચમાં ઝોઉ યીંગ સામેની હાર બાદ ભાવિનાએ ગ્રેટ બ્રિટનની શાકલટનને હરાવી હતી. જે પછી તેણે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલની ડી ઓલીવેઇરાને હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં પણ તેણે રિયો પેરાલિમ્પિકની ગોલ્ડમેડલીસ્ટ સર્બિયાની રાન્કોવિચ સામે 3-0થી આસાન જીત સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
First published: