આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં તીડના આક્રમણ બાદ હવે બનાસકાંઠાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈગામમાં તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે. 26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળતા તંત્ર નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધર્યો છે. ગઈકાલે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં તીડનો મુદ્દો ગુંજતા સરકાર એક્શનમાં આવી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરુ મુલાકાત લીધી હતી.
છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
ત્યારબાદ અઠવાડિયા અગાઉ વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા બાદ હવે સુઈગામમાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવા છંટકાવ કામગીરી કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી વિભાગે તીડ અંગેની માહિતી મળતા ત્વરિત તપાસ હાથ ધરી તેની વિગતો તીડ નિયંત્રણ કચેરીને પાઠવી દીધી હતી. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત જોવાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે. બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન નથી પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા હાલમાં 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને નુકશાન માંથી બચાવવા પ્રયાસો હાથ ધર્યા છે.
1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં 1 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે. જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ મામલે અધિકારીઓ કેમેર સમક્ષ કાઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.
કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું અમે સ્થાનિક લોકોને સાથે રાખી અને રૂબરૂ મુલાકાત કરી હતી. ખેતીવાડી વિભાગે કૃષિ વિભાગની સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. અમે તેમને દર્શાવ્યું કે સંપૂર્ણપણે કામગીરી કરાઈ છે અને તીડની ફરિયાદ છેલ્લા બે દિવસથી જોવા મળી નથી.
વાવના ધારાસભ્યની વળતરની માંગ
આ મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકારો વળતરની માંગ કરી છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને પત્ર લખી અને જે ખેડૂતોને તીડના કારણે નુકશાન ગયું છે તેનો સરવે કરી અને વળતર આપવાનો પ્રયાસ કરાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર