હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર, આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના ડીસા તાલુકાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવવાની ઘટના સામે આવી છે. બોડાલ ગામે કેટલાક શખ્સોએ અજગરને પકડી અને તાપણામાં ફેંકી દીધો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ વનવિભાગે ઘટના સ્થળે પહોંચી અને પંચનામું કર્યુ હતું અને તપાસહાથ ધરી હતી. વનવિભાગે આ મામલે બે શખ્સોની ધરપકડી કરી અને તેમને ડીસા કોર્ટમાં રજૂ કર્યા હતા.
ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના ખભ્ભા પર અજગરને લટકાવીને તેનું મોઢું પકડી ઉભેલો જોવા મળ્યો હતો. આસપાસના લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા. અચાનક તે વ્યક્તિએ અજગરને નીચે ભભૂકી રહેલી આગમાં ફેંકી દીધો હતો. અજગર આગમાંથી હેમખેમ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ ડીસાથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વનવિભાગે સ્થાનિકોને સાથે રાખી અને વીડિયોની ખરાઈ કરી ફરિયાદ નોંધી હતી. આ કિસ્સામાં ફરાર થયેલાં ચાર શખ્સો પૈકીના બેને ઝડપી પાડવામાં આવ્યા છે, વનવિભાગને હજુ પણ બે શખ્સોની તલાશ છે જેમણે આ અમાનવીય કૃત્ય કર્યુ છે. અજગર ખૂંખાર સરીસૃપની યાદીમાં આવે છે પરંતુ તેને જીવતો સળગાવવો એ ગુનાહિતકૃત્ય છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કારણ જાણવા મળ્યું નથી કે તેમણે શા માટે અજગરને જીવતો સળગાવ્યો હતો. આ વીડિયો બાદ રાજ્યના વન્ય પ્રેમીઓમાં ફિટકારની લાગણી વ્યાપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર