બનાસકાંઠા: થરાદની (Tharad) મિયાલ પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેણે આખા શિક્ષણ વિભાગને હચમચાવી દીધું હતુ. મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિધાર્થીના પરિણામમાં કુલ ગુણ કરતા વધારે માર્ક આપ્યા બાદ તે માર્કશીટ સોશિયલ મીડિયામાં વાયરલ (primary school marksheet viral in Social Media) થઇ હતી. આ ગોટાળાનો અહેવાલ ન્યઝ18ગુજરાતીના દર્શાવ્યા બાદ વધારે ચર્ચામાં આવ્યો હતો. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા બાદ રિઝલ્ટ બનાવનાર મિયાલ પ્રાથમિક શાળાના ધો.8ના વર્ગ શિક્ષક કરશન પટેલને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે શાળના આચાર્ય અને અન્ય શિક્ષકો સામે તપાસ બાદ કાર્યવાહી કરાશે.
આચાર્યએ આવા પરિણામ પર સહી સિક્કા પણ કર્યા હતા
આ અંગે વિસ્તૃત માહિતી સાથે વાત કરીએ તો થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ -8માં અભ્યાસ કરતાં વિધાર્થી ચૌધરી દશરથનું શાળા દ્વારા રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં તેના પરિણામમાં અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ તેમજ સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ આપવામાં આવ્યા હતા. તે બાદ તે જ રિઝલ્ટ ઉપર શાળાના આચાર્યેએ સહી સિક્કા પણ માર્યા છે. જે બાદ તે પરિણામ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.
આ પ્રમાણપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરક્તમાં આવ્યું હતું. આ સમગ્ર મામલે બે ટીપીઓ અને બી.આર.સી અને સી.આર સીની ટીમનું ગઠન કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં રિઝલ્ટ બનાવનાર શાળાના વર્ગ શિક્ષક કરશન પટેલ દોષિત સાબિત થતાં તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ શાળાના આચાર્ય અને અન્ય જે કોઈ દોષિત હોય તેમના સામે તપાસ શરૂ કરાઇ છે.
ભિલોડામાં પણ બની હતી આવી ઘટના
આવી જ એક ઘટના ભિલોડા તાલુકાની જાબચિતરીયા પ્રાથમિક શાળા 2માં પણ બની હતી. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી અંકિતા ખાંટ નામની વિદ્યાર્થિનીની માર્કશીટમાં આઠ વિષયમાં કુલ ગુણ 1520માંથી 1414 ગુણ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, આ માર્કશીટમાં શાળા સત્તાવાળાઓ દ્વારા ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 ગુણ આપવામાં આવ્યા છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં 160માંથી 171 ગુણ અપાયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર