બહારવટિયામાંથી ભામાશા બની ધારાસભ્ય બનેલા ભાવસિંહ રાઠોડની વિદાય

બહારવટિયામાંથી ભામાશા બની ધારાસભ્ય બનેલા ભાવસિંહ રાઠોડની વિદાય
ફાઇલ તસવીર

જીત પછી તરત જ ભાવસિંહનો કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો હતો અને કોંગ્રેસ સત્તાથી દૂર દેખાઇ રહી હતી

  • Share this:
વાત વર્ષ 2007ની છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૂરજ પૂરા તાપે ચમકતો હતો. પાટણ જિલ્લાની સમી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ભાવસિંહ રાઠોડ લડતા હતાં. એક ગામમાં પ્રચારમાં ગયા ત્યારે એક વૃધ્ધ માજીએ ભાવસિંહ રાઠોડને કહ્યું તુ, મારા ઘરેણાં પાછા આપે તો જ તને વોટ આપું. ત્યારે તપાસ કરતાં ખબર પડી કે, અત્યારે નેતા તરીકે લોકો પાસે વોટ માંગતી આ વ્યક્તિની એક જમાનામાં પાટણ, બનાસકાંઠા અને કચ્છ સુધી બહારવટિયા તરીકે હાક વાગતી હતી.

તેના જન્મ તારીખની પાકી માહિતી કોઇની પાસે નથી પણ અંદાજે 1939-40માં રાધનપુરનાં ભીલોટ ગામમાં તેમનો જન્મ થયો હતો. સામાન્ય માતા-પિતાનાં સંતાન. સ્કૂલમાં ભણવા ગયા પણ ત્યાં મન ના લાગ્યું એટલે 1956માં 15 વર્ષની ઉંમરે શાળા ત્યજી દીધી અને બહારવટું અપનાવ્યું. લગભગ બે દાયકા સુધી સમગ્ર રાઘનપુર, સમી, હારીજ, વારાહી, શંખેશ્વર સહિત કચ્છ અને બનાસકાંઠાના અનેક ગામોમાં તેની હાક વાગતી. અસંખ્ય લોકોને લૂંટ્યા હશે અને અખૂટ સંપત્તિ ભેગી કરી.પણ જેમ વાલિયા લૂટારાને સંત મળ્યા અને તેઓ વાલ્મિકી થઇ ગયાની વાત છે, એ રીતે જ ભાવસિંહ રાઠોડ વિશે પણ એવી જ દંતકથા છે કે કોઇ ધર્માત્માનો તેમને ભેટો થયો અને તેમણે એને અહેસાસ કરાવ્યો કે તે તદ્દન અવળી દિશામાં જઇ રહ્યો છે અને ત્યારબાદ ભાવસિંહે બહારવટું મેલ્યું અને સમાજસેવાનાં રસ્તે ચઢી ગયા.

સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાકોર જ્ઞાતિનો મોટો વસવાટ છે અને ઠાકોર જ્ઞાતિનાં હોવાથી સમાજ માટે ઘણાં કામો કરવા લાગ્યા હતાં ભાવસિંહ. મોટી સંખ્યામાં ઠાકોર જ્ઞાતિની ગરીબ દીકરીઓનાં સમૂહ લગ્નો કરાવતાં પોતાનાં પૈસે તેમને કરિયાવર કરાવતાં અને જોતજોતાંમાં ભાવસિંહનું બહારવટિયાનું સ્વરૂપ લોકો ભૂલી ગયા અને તેમની સમાજનાં એક ભામાશા તરીકેની છબિ પ્રસ્થાપિત થવા લાગી.


સમાજમાં દબદબો વધતાં ધીરે ધીરે ભાવસિંહ રાજકારણનાં રંગે રંગાવા લાગ્યા હતાં. પરંતુ ભૂતકાળ પીછો છોડતો નથી અને બહારવટિયાની છબિ હોવાનાં કારણે કોઇપણ સ્થાપિત પક્ષ તેમને પોતાનાં પક્ષનાં ઉમેદવાર બનાવવા માંગતો નહોતો. અંતે 1995ની ચૂંટણીમાં ભાવસિંહ રાઠોડ સમી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપસિંહ ઠાકોરને પરાસ્ત કર્યા.

Viral: છાણ, ગૌમૂત્રથી ઇમ્યુનિટી વધારવા જતા પહેલા ચેતજો, તબીબોએ મ્યુકરમાઇકોસીસ થવાની આપી ચેતવણી

આ ચૂંટણી જીતતા તેમનો મોભો સમાજમાં ઓર વધી ગયો અને જ્યારે 1996માં શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કરીને સરકાર બનાવી ત્યારે ભાવસિંહે શંકરસિંહનાં સમર્થનમાં ઊભા રહ્યા હતાં. પરંતુ એ નિર્ણય ભાવસિંહ માટે ખોટો ઠર્યો હતો અને ત્યારબાદ 1998 અને 2002ની ચૂંટણી તે હારી ગયા હતાં.

અપક્ષ તરીકે જીતવાનું હવે તેમનાં માટે ભારે થઇ પડ્યું હતું પરંતુ એકવાર અપક્ષ તરીકે જીતીને - અને તે પણ એવી ચૂંટણીમાં જ્યારે ભાજપ 121 બેઠકો જીત્યું હતું - ભાજપને પરાસ્ત કરીને પોતાનો દબદબો તો વધારી જ દીધો હતો. 2007માં ચૂંટણીમાં કોંગ્રેસમાં શંકરસિંહ મહત્વનાં નેતા થઇ પડ્યા હતાં અને 1996થી ભાવસિંહનાં શંકરસિંહ સાથે સંબંધો તો હતાં જ તેથી ભાવસિંહને કોંગ્રેસમાં શામેલ કરી દેવાયા હતા અને 2007ની ચૂંટણીમાં તેઓ સમી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે લડ્યાં અને જીત મેળવી.

જીત પછી તરત જ ભાવસિંહનો કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો હતો અને કોંગ્રેસ સત્તાથી દૂર દેખાઇ રહી હતી. તેવામાં ટૂંક સમયમાં ભાવસિંહ ફરીથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા અને 2009ની લોકસભાની ચૂંટણીમાં પાટણથી ભાજપનાં ઉમેદવાર બન્યા હતાં. પરંતુ તેમનો દબદબો સમી વિધાનસભાનાં વિસ્તારો પૂરતો જ મર્યાદિત હતો એવામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર સામે તેઓ હારી ગયા. હાર પછી તેઓ ફરીથી પોતાની ખાલી કરેલી સમી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીતી ગયા.

કોરોનાકાળમાં નર્સ પર શું અસર થઇ, તેમને સૌથી વધુ ખરાબ શું લાગે છે? રાજકોટનાં અધ્યાપકોએ કર્યો સર્વે

પણ આ તેમની છેલ્લી જીત બની રહી. કેમકે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વિધાનસબા વિસ્તારોનું નવું સીમાંકન થયું અને તેમાં સમી-હારીજની બેઠક રદ્દ થઇ અને તેનાં વિસ્તારો ચાણસ્મા અને રાધનપુરનાં વિસ્તારો વચ્ચે વહેંચાયા. 2012ની ચૂંટણી આવી અને સીમાંકનમાં ભાવસિંહની જીતની સંભાવનાઓ ધૂંધળી દેખાતાં તેમની ટિકિટ કપાઇ.

કોઇ રાજકીય પક્ષની વિચારધારાનાં રંગે નહિં રંગાયેલા ભાવસિંહ ફરી પાછા કૂદકો મારીને કોંગ્રેસમાં આવી ગયા અને રાધનપુરથી તેમને ટિકિટ આપવામાં આવી. પણ સમીનાં વિસ્તારોની બહાર પકડ ન ધરાવતાં ભાવસિંહ ફરી ક્યારેય જીતનો સ્વાદ ના ચાખી શક્યા. એક વખત અપક્ષ રહીને પણ દિગ્ગજોને પરાસ્ત કરનારા ભાવસિંહ હવે રાજકીય પક્ષનો સાથ મળવા છતાં જીતી શક્યા નહીં.
પરંતુ આ સમગ્ર સમય દરમિયાન તેમણે તેમનો ભામાશા તરીકેનાં કામ ચાલુ રાખ્યાં.

એક વખત તો સમીમાં 1881થી વધુ કન્યાઓનાં ખોડિયારધામમાં સમૂહલગ્ન એકલા હાથે કરાવીને તેમણે એક રીતનો સમગ્ર વિસ્તારનો વિક્રમ જ સર્જ્યો હતો. ભાવસિંહ પોતાને મા ખોડિયારનાં ભક્ત બતાવતાં હતાં અને કોઇપણ શુભ કાર્ય ભલે પછી તે રાજકારણને લગતું હોય કે ધંધાને લગતું તેઓ મા ખોડિયારને પગે લાગીને જ શરૂ કરતાં. પણ હવે રાજકારણ જાણે ભાવસિંહ માટે છેટું થઇ ગયું હતું અને 2014ની લોકસભાની ચૂંટણી પણ તેઓ હારી ગયા હતાં.


અઢળક પૈસા ખર્ચીને ભલે તેઓ સમાજની દિકરીઓનાં લગ્ન કરાવતાં હતાં. તેમની છબિ ભામાશા તરીકેની પણ બનતી હતી પરંતું આ સમગ્ર સમય દરમિયાન બહારવટિયા તરીકે ઊભો થયેલો વિવાદે પણ ક્યારેય તેમનો પીછો છોડ્યો નહોતો. ચૂંટણી લડતી વખતે માત્ર અમુક લાખ જ પોતાની સંપત્તિ બતાવનાર ભાવસિંહ રાઠોડ સમાજસેવા માટે કરોડો રૂપિયા ક્યાંથી લાવતા હતાં તે કોઇને સમજાતું નહોતું. આ દરમિયાનમાં ઘણી વાર તેમનાં પણ ખોટા કામો અંગે અને એક વારતો નકલી નોટો છાપવા અંગેનો કેસ પણ તેમની સામે થયો હતો.
આ બધું ઓછું હોય તેમ, 2016માં ગુજરાતમાંથી 1000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો અને આ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી હતી. તે વખતે ગુજરાત પોલીસે સમગ્ર પ્રકરણનો માસ્ટરમાઇન્ડ તરીકે કિશોરસિંહ રાઠોડનું નામ ખોલ્યું હતું. કિશોરસિંહ ભાવસિંહ રાઠોડનાં દીકરા હતાં અને મુંબઇમાં જમીનનાં વ્યવસાય સાથે જોડાયા હોવાનો તેમનો દાવો હતો.

આગની વધુ એક ઘટના: ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ ભભૂકતા 70 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા

ભાવસિંહ રાઠોડે તે વખતે દીકરાને બચાવવા ખૂબ પ્રયત્નો પણ કર્યાં. તેમણે એવા આરોપો પણ કર્યાં કે, તેમની સામે રાજકીય બદલો લેવા માટે આવા કેસો થઇ રહ્યાં છે પરંતુ પોલીસનાં ચોપડે પુરાવા કંઇ જુદી જ વાત કહી રહ્યા હતાં.આ ઘટના બાદ ભાવસિંહનું રાજકીય ભાવિ લગભગ પૂરું થઇ ગયું હતું. આ દરમિયાનમાં થોડા દિવસો પહેલાં તેમને કોરોના પણ થઇ ગયો હતો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ભાવસિંહ રાઠોડને કોરોના ભરખી ગયો અને 9મી મેએ તેમનું અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં અવસાન થયું. અને સાથે જ બહારવટાથી શરૂ થઇને ભામાશા અને રાજકીય નેતા અને ગુનાખોરીની દુનિયામાં સતત નામ ઉછળતા રહેવાની કહાણીનો પણ અંત આવ્યો.
Published by:Kaushal Pancholi
First published:May 12, 2021, 12:47 pm

ટૉપ ન્યૂઝ