અંબાજી: અંબાજી ભાદરવી પૂનમના (Ambaji Bhadarvi Poonam) દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાણપુર વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે 3 પદયાત્રીના (Padyatri death in Accident) મોત થયા છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 2 તરૂણો અને 1 બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મોડી રાતે અંધારામાં ચાલતા હતા
અંબાજીમાં ભાદવરા મહિનામાં પદયાત્રીઓ મોટા પ્રમાણમાં અંબાજી જતા હોય છે. આ વખતે અંબાજીનો મેળો રદ કરવામાં આવ્યો છે. પરંતુ લાખો પદયાત્રીઓ પગપાગા અંબાજી પહોંચીને માતાના દર્શન કરે છે. ત્યારે આવા જ કેટલાક પદયાત્રીઓને અક્સમાત નડ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, અજાણ્યા વાહને મોડી રાતે આશરે ત્રણેક વાગે અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 પદયાત્રીઓ ઘાયલ થયા છે.
મૃતકોનાં અકાળે મૃત્યુંથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ તરૂણો પગપાળા ચાલીને મા અંબાના દર્શન કરવા જઇ રહ્યા હતા. મોડી રાતે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે ત્રણ પરિવારના દિપક બૂજાયા છે.
ખરોડીયા ચાર રસ્તા પાસે પણ થયો હતો અકસ્માત
બે દિવસ પહેલા વડગામ નજીક ખરોડીયા ચાર રસ્તા પાસે સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બે દિવસ પહેલા અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે બે બાઈક સવારોને અજાણ્યા વાહને ટક્કર મારતા એક જ ગામના બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી પણ વધુ માઇભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. અંબાજી ભાદરવી પૂનમે દર્શનાર્થે આવતા યાત્રિકોની વધતી જન મેદનીને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા ધ્વનિ પ્રદુષણ ન થાય તે માટે માઈક ઉપર સાઉન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.