Home /News /gujarat /અંબાજીઃ કારને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલને કાર ચાલકે ઉડાવ્યો

અંબાજીઃ કારને રોકવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલને કાર ચાલકે ઉડાવ્યો

પોલીસે કારચાલકની શોધખોળ શરૂ કરી

પોલીસના ઈશારા બાદ કાર ચાલક ઉભો પણ રહી ગયો હતો. પરંતુ બાદમાં તેણે ત્યાંથી કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

    અંબાજીઃ અવાર-નવાર પોલીસ પર હુમલાના બનાવો બનતા હોય છે. ખાસ કરીને બોર્ડર પર અથવા કોઈ ચેકપોસ્ટ પર કામ કરતા પોલીસ કર્મીઓએ અનેક વખત વાહનચાલકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અંબાજીના હડાદ પાસે એક કાર ચાલકે પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    બનાવની વિગત એવી છે કે હડાદ પાસે ચેકિંગ દરમિયાન પોલીસે એક કારને ઉભી રાખી હતી. પોલીસના ઈશારા બાદ કાર ચાલક ઉભો પણ રહી ગયો હતો. પરંતુ બાદમાં તેણે ત્યાંથી કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. કારની ટક્કરથી કોન્સ્ટેબલ રસ્તા પર પટકાયો હતો.

    ચેકિંગ દરમિયાન સાથે રહેલા પોલીસ કર્મીઓએ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ગાડી મારી મૂકી હતી. પોલીસે આ કેસમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. સીસીટીવીને જોતા એવું લાગી રહ્યું છે કે કાર અકસ્માતનો ભોગ બની હતી. કારનું આગળનું બોનેટ તૂટેલું જણાઈ રહ્યું છે.

    પોલીસે કારને સાઈડમાં લેવાનો કર્યો હતો આદેશ

    સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સ્વિફ્ટ કારને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. બાદમાં એક કોન્સ્ટેબલ કાર ચાલક સાથે કંઈક વાતચીત કરે છે અને કારને રસ્તાની બાજુમાં લેવાનું કહે છે. કારચાલક કારને બાજુમાં લેવાનો ઢોંગ કરીને ત્યાંથી ભાગી નીકળે છે. આ દરમિયાન અન્ય એક કોન્સ્ટેબલ કારને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે કારની અડફેટે આવી જાય છે અને જમીન પર પટકાય છે.

    છાપરી ચેકપોસ્ટથી ભાગ્યો હતો ડ્રાઇવર

    પ્રાપ્ત વિગત પ્રમાણે સ્વિફ્ટ કારનો ડ્રાઈવર અંબાજીની છાપરી ચેકપોસ્ટથી અકસ્માત કરીને ભાગ્યો હતો. આ કારને રોકવા માટે હડાદ પોલીસને સૂચના આપવામાં આવી હતી. જ્યાં હડાદ પોલીસને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. કારની ટક્કરથી ઘાયલ થયેલા પોલીસકર્મીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે GJ-31-A 8749 નંબરની સ્વિફ્ટ કારે પોલીસકર્મીને ટક્કર મારી હતી.
    First published:

    Tags: અંબાજી