Home /News /gujarat /

અલ્પેશે ભાજપમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી, કહ્યું - 'મને છંછેડશો નહીં'

અલ્પેશે ભાજપમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી, કહ્યું - 'મને છંછેડશો નહીં'

    કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. અલ્પેશે કોંગ્રેસમાંથી કેમ રાજીનામું આપ્યું અને તેની આગામી રણનીતિ અંગે વાત કરી હતી. અલ્પેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે કોઇ પક્ષ સાથે જોડાવાના નથી, ખાસ કરીને ભાજપમાં નથી જોડાવાના.

    અલ્પેશે કહ્યું કે છેલ્લા એક વર્ષથી ખાસ કરીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સેનાએ કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર કર્યો, આ સમયે કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હતી. જો કે અમે ચૂંટણીમાં ખૂબ જ મદદ કરી હોવા છતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠાકોર સેનાની સતત અવગણના કરવામાં આવી. જ્યારે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ ઠાકોર સેનાના યુવાનોના નામ કાપવામાં આવ્યા. જો કે ત્યારે પણ અમે કડવું ઘુંટ પી ગયા. અમને સત્તા કે પદની લાલચ નથી પરંતુ જે પાર્ટીમાં જોડાયેલા છીએ તેમાં સન્માન મળવું જોઇએ.

    અહીં ક્લિક કરી વાંચોઃ હંમેશા મળ્યો વિશ્વાસઘાત..વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...: અલ્પેશ ઠાકોર

    અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમને જે પરિવાર ભાવના મળવી જોઇતી હતી તે મળી નથી, સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું કોઇ અન્ય પાર્ટી કે કોઇના વિરોધમાં પ્રચાર નથી કરવાનો. હું માત્ર બનાસકાંઠા અને ઉંઝાની સીટ પર જ પ્રચાર કરીશ. સાથે જ અલ્પેશ ઠાકોરે ચિમકી પણ આપી કે જો અમને ખોટી રીતે છંછેડશો કે અમારા વિરુદ્ધ ખોટા નિવેદનો આપશો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવું પડશે, અમે કોઇ ભાજપ કે કોંગ્રેસના એજન્ટ નથી.

    છેલ્લે અલ્પેશ ઠાકોરે કહ્યું કે અત્યારે અમારું અપમાન થયું પરંતુ 2022નો ગુજરાતનો નાથ અમે આપીશું, અમે કોઇ ઇમાનદાર નેતાને પસંદગી કરીશું. અમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. અમે ધારાસભ્ય તો રહીશું જ, અમારા ત્રણ ધારાસભ્યો વિધાનસભામાં અમારી વાત રાખીશું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Resignation, અલ્પેશ ઠાકોર

    આગામી સમાચાર