Home /News /gujarat /અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી- 'રાધનપુરમાં કોઈ સરકારી કાર્યક્રમ કરીને તો બતાવો'
અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી- 'રાધનપુરમાં કોઈ સરકારી કાર્યક્રમ કરીને તો બતાવો'
અલ્પેશ ઠાકોર
"જો તમારામાં માનવતા જીવતી હોય તો રાધનપુરને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરજો, નહીં તો અહીંથી ટ્રેક્ટર, ગાડી પાઈપો લઈને ગાંધીનગર આવીશું. એકલા નહીં પરંતુ અમારા બાળકો અને ઢોરઢાખર સાથે આવીશું."
પાટણઃ રાધનપુર, સમી અને સાંતલુપર તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે આજે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રાંત કચેરી ખાતે ધરણાં શરૂ કર્યાં છે. અહીં ધરણાં કાર્યક્રમ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. ધરણા કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે સરકારને ખુલ્લી ચીમકી આપી હતી. અલ્પેશે કહ્યું કે, સરકારમાં હિંમત હોય તો મારા વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમ કરી બતાવે.
અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
ધરણાં કાર્યક્રમ ખાતે ખેડૂતોને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "બહેરી-મૂંગી અને અસંવેદનશીલ સરકાર સામે આપણે આપણી સાચી પીડા રજુ કરવાની છે. આ નેતાઓમાં લાગણી જેવું જ કંઈ નથી. મારા મત વિસ્તારના લોકોને ખૂબ અન્યાય થયો છે. મારા મતવિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળતું. પૂર આવ્યું હતું ત્યારે પણ અહીં પીવાની પાણીની સમસ્યા હતી. આવી સમસ્યા હોવા છતાં સરકારે આ તાલુકાના અછતગ્રસ્ત કેમ જાહેર નથી કર્યો તેનો જવાબ સરકારે આપવો પડશે. આ લોકોને મૂંગા ઢોર પર પણ દયા નથી આવતી."
ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, "આ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે. ફક્ત વાતો થાય છે. નર્મદાનું પાણી હજુ સુધી અહીં પહોંચ્યું નથી. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. ઘાસચારીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. કચ્છ, કાંકરેજ, સુઈગામ અને ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કર્યું તો રાધનપુરમાં ક્યાં આભા ફાટે એટલો વરસાદ પડ્યો છે તો જાહેરાત નથી કરવામાં આવતી."
આ તમારી પેઢી નથી
સરકાર પર આકરા પ્રહાર કરતા અલ્પેશ કહ્યું કે, "જો તમારામાં માનવતા જીવતી હોય તો રાધનપુરને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરજો, નહીં તો અહીંથી ટ્રેક્ટર, ગાડી પાઈપો લઈને ગાંધીનગર આવીશું. એકલા નહીં પરંતુ અમારા બાળકો અને ઢોરઢાખર સાથે આવીશું. જો હિંમત હોય તો મારી વિધાનસભા વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ કરીને બતાવો. હવે પછી હું રાધનપુરમાં કોઈ સરકારી કાર્યક્રમ નહીં થવા દઉં. સરકારે એટલું સમજી લે, આ તમારી પેઢી નથી. જો ગેરરીતિ કરતા પકડાયા તો ખેર નથી. છ મહિનાથી હું બધાના હિસાબ લખું છું. આજથી હું શ્રીગણેશ કરી રહ્યો છું."
અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી
અલ્પેશ ઠાકોરના કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. કાર્યક્રમ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 250 ગામના ખેડૂતો પ્રાંત કચેરી ખાતે ધરણાં કરશે. જોકે, કાર્યક્રમ શરૂ થયો ત્યારે કુલ 250 જેટલા ખેડૂતો પણ હાજર ન હતા.
ઉત્તર ગુજરાતની વરસાદની સ્થિતિ
આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ કરતા અડધો જ વરસાદ નોંધાયો છે. 48.04 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાત કચ્છ પછી બીજા નંબરે રહ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો 30.85 ટકા વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે 79.86 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર