Home /News /gujarat /ગુજરાતમાં શરુ થશે Air Amulance, જાણો કેટલું હશે તેનું ભાડુ

ગુજરાતમાં શરુ થશે Air Amulance, જાણો કેટલું હશે તેનું ભાડુ

પ્રતીકાત્મક તસવીર

નાગરિકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં ટૂરિઝમને (Gujarat Tourism) વેગ આપવા માટે મહત્ત્વની રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર (Helicopter Service for Ahmedabad Darshan) સેવા શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે નાગરિકોને આકસ્મિક સંજોગોમાં 108ની જેમ એર એમ્બ્યુલન્સની (Air Ambulance) સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધશે

મંત્રી પૂર્ણેશ મોદીએ વધુ વિગતો આપતાં કહ્યુ કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું છે.

એર એમ્બ્યુલન્સનું કેટલું હશે ભાડુ

મંત્રીએ ઉમેર્યુ કે, દેશમાં પહેલીવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં 108 દ્વારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.50,000/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.55000/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.60000/-નું ભાડૂ નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા

આ સિવાય રાજ્યના અમદાવાદમાં ટૂરિઝમને પ્રોત્સાહન મળે એ હેતુસર સાબરમતી સ્થિત હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે. એ જ રીતે નાગરિકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ સેવા માટે રાજ્યને બે સી પ્લેનની સુવિધા મળે એ માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને આર્થિક સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે.

આ પણ વાંચો - ગોંડલ પાસે ગોઝારા અકસ્માતમાં સુરતના પરિવારના 6 સભ્યોના કરૂણ મોત, સરકારે 4-4 લાખ રૂપિયાની સહાય કરી

મંત્રીએ ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપ શરુ કરવા જમીન ફાળવણી માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉડાન પ્રોજેક્ટ હેઠળ શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી નાગરિકોને સુવિધા પુરી પાડવા એવિએશન પાર્કના જોડાણ માટે ટેક્ષીલિન્કની મંજુરી માંગવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગની સુવિધા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે રાજ્યમાં કાર્યરત ૯ એરપોર્ટ અને ૩ એરસ્ટ્રીપ પર ટ્રાફીક વધી રહ્યો છે તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

તેમણે વધુમાં કહ્યુ કે, અમદાવાદ રન વેના સમારકામની કામગીરી આગામી તા.૩જી થી શરૂ થવાની હતી. આ સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં લઈ આ કામગીરી આગામી 20મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત કરાતાં આ કામગીરી પણ 20મી જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાશે.
First published:

Tags: Gujarat Tourism, Helicopter, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો