Home /News /gujarat /શું અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે? નીતિન પટેલે આ વિવાદ પર આશા વ્યક્ત કરી
શું અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે? નીતિન પટેલે આ વિવાદ પર આશા વ્યક્ત કરી
અંબાજી પ્રસાદ વિવાદ પર નીતિન પટેલનું નિવેદન
Nitin Patel On Ambaji Prasadi: અંબાજીમાં મોહનથાળની પ્રસાદી બંધ કરીને ચીકી વેચવાનું શરુ કર્યું તેને અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છે. આમ છતાં ભક્તો દ્વારા પરંપરા મુજબ ફરી મોહનથાળની પ્રસાદી શરુ કરવા માટેની માંગ ઉઠી રહી છે. આ મુદ્દે ગુજરાતના પૂર્વ નાણામંત્રી નીતિન પટેલે પોતાનો મત રજૂ કર્યો છે.
મહેસાણાઃ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો રાજકીય પક્ષો અને દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં પરંપરાગત મોહનથાળના પ્રસાદને શરુ કરવાની તીવ્ર માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે હવે રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પણ પ્રતિક્રિયા રજૂ કરી છે.
નીતિન પટેલે આ મામલે વિવાદમાં કૂદકો મારવાના બદલે યોગ્ય નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, "અત્યારે આ વિષય ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે. જેનું સરકાર યોગ્ય રીતે નિરાકરણ કરશે."
નીતિન પટેલે જે વાત કહી છે તેનાથી ભક્તોમાં આંશિક હર્ષની લાગણી છવાઈ છે કે જો સરકાર આ મુદ્દે નિર્ણય કરશે તો તે ભક્તોના પક્ષમાં હશે. વિવિધ સંગઠનો સિવાય કોંગ્રેસે પણ અંબાજીમાં મોહનથાળ રૂપે પ્રસાદ વેચવામાં આવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરીને સવાલ ઉભા કર્યા છે.
અમદાવાદના માધુપુરામાં આવેલા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા જગદીશ ઠાકોરે અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ શરુ કરવામાં આવ્યો છે તે મામલે આકરા શબ્દોમાં કહ્યું છે કે, "અંબાજીના સ્થાનિકોને રોજીરોટી મળતી હતી, આ મંદિરના સ્થાપક દાતા દરબારે કહ્યું છે અમારા પૂર્વજો મોહનથાળથી આ પ્રસાદની શરુઆત કરી હતી."
જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળધાણા ચાલુ કરાશે!" જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપારાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.
અંબાજી શક્તિપીઠના દર્શન માટે આવનારા ભક્તો દ્વારા પણ પરંપરાગત જે મોહનથાળની પ્રસાદી આપવામાં આવતી હતી તેને જ પૂનઃ શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. કેટલાક ભક્તોની એવી પણ માંગ છે કે ચીકીની સાથે મોહનથાળનો પ્રસાદ પણ રાખવો જોઈએ.