પાલનપુરમાં આવેલું નીરવ મોદીના પિતાનું ઘર હજુ અડીખમ

પાલનપુરમાં આવેલું નીરવ મોદીના પિતાનું મકાન

પાલનપુરના શહેરના ઢાળવાસ વિસ્તારમાં આ મકાન આવેલું છે. આ જ માકાન સામે આવેલા એક મકાનમાં નીરવ મોદીના દાદા અને દાદી રહેતા હતા.

 • Share this:
  પંજાબ નેશનલ બેંકના 11 હજાર કરોડથી વધારેના કૌભાંડનમાં સામેલ નીરવ મોદી હાલ દેશ છોડીને વિદેશ ફરાર થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ ન્યૂયોર્કની એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા છે. આ હોટલ નીરવ મોદીના ન્યૂયોર્ક
  સ્થિત લક્સરી મેડીસીન એવન્યૂ જ્વેલરી રિટેલ સ્ટોર પાસે જ આવેલી છે. નીરવ ત્યાં છે તેની પૃષ્ટિ હોટલ મેનેજમેન્ટ તરફથી થઈ છે. નીરવ મોદીના મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુર સાથે જોડાયેલા છે. નીરવ મોદીના પિતાનું ઘર આજે પણ
  પાલનપુરમાં હયાત છે.

  પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીના દાદા મફતલાલ મોદી અહીં રહેતા હતા. તેમનું જે મકાન હતું ત્યાં હાલ નવી દુકાન બની ગઈ છે. હાલ જ્યાં નવી દુકાન મોજુદ પહેલા ત્યાં જ આવી રીતે નીચે દુકાન હતી અને તેવો ઉપરના માળે પોતાના પરિવાર સાથે રહેતા હતા.

  નીરવ મોદીએ 7 વર્ષની ઉંમરે પાલનપુર છોડ્યું

  બાજુમાં એક જૂનું મકાન આવેલું છે તે પણ તેમનું જ હતું. આ મકાન તેમને પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. તેમના વિસ્તારમાં રહેનાર લોકો આજે પણ તેમને યાદ કરતા કહે છે કે નીરવ મોદીના દાદા મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતા. તેવો પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતા તો નીરવ મોદીના પિતા પિયુષભાઈ મોદી હીરાબજારનું કામ કરતા હતા.

  નીરવ મોદીનો જન્મ પણ અહીં થયો હતો અને તેનું બાળપણ પાલનપુરની ઢાળવાસની ગલીઓમાં વીત્યું છે. નીરવ મોદી 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ ધંધાર્થે પાલનપુર છોડીને મુંબઈ ગયા હતા, બાદમાં તેઓ મુંબઈથી એન્ટવર્પ વસી ગયા હતા.

  જૂનું છતાં મકાન હજી અડીખમ

  રહીશોના જણાવ્યા પ્રમાણે આ મકાન વર્ષોથી બંધ હાલતમાં જ પડ્યું છે. જૂની ઇંટો, ચૂનો અને લાકડાનો ઉપયોગ કરીને આ મકાન બનાવવામાં આવ્યું છે. ખૂબ જૂનું હોવા છતાં મકાન આજે અડીખમ છે.

  શું કહે છે મકાનની બાજુમાં રહેતા લોકો?

  મકાનની બાજુમાં રહેતા રવીશભાઈના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા નીરવના પિતાનો પરિવાર અહીં રહેતો હતો. તેઓ મુંબઈ સ્થાયી થયા બાદ ભાગ્યે જ અહીં આવતા હતા. તેઓ ખૂબ જ સજ્જન માણસ હતા.

  અન્ય એક પાડોશી અતીત મેમણે જણાવ્યું હતું કે અમને મીડિયા દ્વારા નીરવ મોદી અંગે ખબર પડી છે. વર્ષો પહેલા નીરવનો પરિવાર અહીં પાપડનો વ્યવસાય કરીને ગુજરાત ચલાવતો હોવાની માહિતી મળી છે. મુંબઈ સ્થાયી થયા બાદ તેઓ વર્ષમાં એક બે વખત અહીં આવતા રહે છે. ખાસ કરીને દીવાળી જેવા તહેવારમાં પરિવારના સભ્યો અહીં આવીને એક બે દિવસ રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: