અમદાવાદ : તાજેતરમાં સીએમ રૂપાણીની જાહેરસભા દરમિયાન જ તબિયત લથડતા તેઓ સ્ટેજ પર ચાલુ સભાએ પડ્યા અને બાદમાં સામાન્ય સ્વસ્થ થતા તેમના ગાર્ડ સાથે સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા. ત્યારે ખુદ સીએમ રૂપાણી ને એક પોલીસ અધિકારીએ સેલ્યુટ કરતા તેમની તબિયત સારી ન હોવા છતાં પોલીસ અધિકારીની સેલ્યુટ સ્વીકારી અને સામે હાથ ઊંચો કર્યો હતો. ખુદ સીએમ પોલીસ અધિકારી કે કર્મચારીની ઈજ્જત કરી રહ્યા છે પણ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામગીરી કરતી પોલીસને તતડાવી રોફ ઝાડતા નજરે પડયા છે અને આ વીડિયો વાયરલ થયો છે. માસ્ક પહેરવાની સરકાર લોકોને અપીલ કરે છે પણ અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર માસ્ક વગર જ એક પોલીસકર્મીને ધમકી આપતા હતા. તેઓ શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. સાથે કહ્યું હતું કે હું કહું એટલે ઉભા રહેવાનું નહીં તો સસ્પેન્ડ રાવવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા જ પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય પર ફિટકાર વરસાવી નારાજગી દર્શાવી રહ્યા છે.
શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિ દવા લેવા ગયો અને રોડ પર વાહન પાર્ક કર્યું હોવાથી તે વાહન ઉઠાવવા જતા તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. જેઓ આ જોઈને ઊભા રહ્યા હતા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહને નીચે બોલાવ્યા હતા. બાદમાં પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.
ધારાસભ્યએ ASI ઉદેસિંહનો હાથ ખેંચીને કહ્યું કે ઊભા રહો અહીંયા, ત્યારે ASIએ કહ્યું કે હાથ ના પકડો. તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ. તે બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASIનો ફોટો પાડવા જણાવ્યું હતું. બાદમાં ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભુ રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને? બાદમાં લોકો ભેગા થઈ જતાં ધારાસભ્યએ ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર બી નહીં પડે.
આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિકના કોઈ અધિકારીને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે,તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને અધિકારી સાથે ASIને વાત કરાવી હતી. આ પ્રકારે જાહેરમાં દાદાગીરી કરીને ધારાસભ્યએ પોતાનો રોફ જમાવ્યો હતો અને પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. ધારાસભ્ય પ્રદીપ પરમાર ગૃહમંત્રીના નજીકના હોવાથી આ પ્રકારે ધમકી આપી રહ્યા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને જાહેરમાં ધારાસભ્ય બહાર આવ્યા ત્યારે તેઓ પણ માસ્ક વિના જ જોવા મળ્યા હતા.
અધિકારી પણ કેમ ધારાસભ્યથી દબાઈ ગયા?
પોલીસબેડામાં ચર્ચા છે કે એકતરફ રોડ પર ટ્રાફિક જામ ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ કામગીરી કરી વાહનો ટો કરવાનું કહેતા હોય છે. ત્યાં આવા ધારાસભ્યો જ પોલીસ અધિકારીઓને ફોન કરી રજુઆત કરી પોલીસનું મોરલ ડાઉન કરે છે. પોલીસે કામગીરી તો પોલીસ કરશે જ તેવું જણાવવાની જગ્યાએ દબાઈ જતા હોય છે અને પોલીસકર્મી કરે તો કેવી રીતે કરે તે બાબતની ચર્ચા જાગી છે. આટલું જ નહીં ધારાસભ્ય જ માસ્ક ન પહેરી સરકારના આદેશનું ઉલ્લંઘન કરતા તેઓની વાત અધિકારી કેવી રીતે માની લે છે તે પણ વિરોધ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.
આજ રોડ પરથી કમિશનર પસાર થાય છે
સૂત્રોનું માનીએ તો શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે આવેલા બંગલામાં રહે છે. તેઓ ઘરે આવવા જવા માટે આ જ રસ્તો એટલે કે રાજસ્થાન હોસ્પિટલ પહેલાના ચાર રસ્તા પસંદ કરે છે. અહીંથી જ તેઓ સીધા કમિશનર કચેરી જતા હોવાથી પોલીસને રોડ ખાલી રાખવા પડે છે અને તે માટે જ પોલીસ કામગીરી કરતી હોય છે છતાંય એક ધારાસભ્ય આ રીતે પોલીસને દમ મારતા ખુદ પોલીસકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર