Gujarat News: ગુજરાતના ડાંગ જિલ્લાના ગાવદહાડ ગામમાં પોલીસ કર્મચારીની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ, છોટા ઉદેપુરમાં ચાલુ બસમાં પતિએ પત્નીનું ગળું કાપી નાંખ્યું છે. તો વળી, કેન્યામાં ખંભાળિયાના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ગુજરાતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડાંગના સુબીર તાલુકાના ગાવદહાડ ગામમાં પોલીસની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે પતિએ પત્નીની હત્યા કરી છે. વળી, કેન્યામાં ખંભાળિયાના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ડાંગના સુબીર તાલુકામાં પોલીસની હત્યા
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગાવદહાડ ગામમાં એક પોલીસ કર્મચારીની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સોમવારે રાતે પોલીસ કર્મચારી ગામથી દૂર ખેતરમાં ઊંઘતા હતા. ત્યારે કોઈએ તેમનું માથું છૂંદીને હત્યા નીપજાવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પોલીસ કર્મચારીનું નામ પટેલ બકુલભાઈ ધનજુભાઈ બારે જાણવા મળ્યું છે. હાલ સુબીર પોલીસે એફએસએલની મદદથી સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુરમાં પતિએ પત્નીને પતાવી દીધી
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. હત્યારાએ ચાલુ બસમાં જ બસ કંડક્ટરની હત્યા કરી નાંખી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યારો અને મૃતક બંને પતિ-પત્ની હતા. હત્યારા પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતાવી દીધી હતી. પતિએ બસમાં જ પત્નીનું ગળું કાપી નાંખ્યું હતું અને ત્યાં જ લાશની બાજુમાં બેસી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ મંગુબેન રાઠવા અને પતિનું નામ અમૃત રાઠવા જાણવા મળ્યું હતું. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
કેન્યામાં ખંભાળિયાના યુવકની હત્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામના વતની અને કેન્યામાં સ્થાયી થયેલા યુવાનની ગોળીબારમાં હત્યા કરાઇ હોવાની પુષ્ટિ થઇ છે. કેતન હિંમતલાલ શાહ નામના મહાજન યુવાનની કેન્યામાં ગોળીબારમાં હત્યા થઇ હોવાની જાણકારી સામે આવી છે. કેતન શાહ પોતાની મોબાઇલની દુકાનમાં હતા ત્યારે બાઈક સવારે તેમના પર ગોળીબાર કરતા તેમનું મૃત્યુ થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર