કેતન પટેલ, મહેસાણા : Tiktok સ્ટાર તરીકે જાણીતી થયેલી પોલીસકર્મી (Police) અલ્પીતા ચૌધરી (Alpita Chaudhary) ફરી વિવાદમાં આવી છે. પોલીસના યુનિફોર્મમાં અલ્પિતાએ રીલ્સ (Alpita Chaudhary Reels) બનાવી. એટલું જ નહીં આ રીલ તેણે બહુચરાજી મંદિરમાં (Bahucharaji Temple) બનાવી જેથી વિવાદ થયો છે. અલ્પિતા ચૌધરીનો આ વીડિયો વાયરલ (Alpita chaudhary viral Video) થઈ જતા હવે તેની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અલ્પિતા ચૌધરીએ ભૂતકાળની ભૂલોમાંથી શીખ ન લેતા ફરી એ જ ભૂલ કરી બેસી છે. બુચરાજી મંદિરમાં કેટલાક નિયમો છે જ્યાં કેમેરાના ઉપયોગ સહિતની મંદિરની કેટલીક મર્યાદાઓ છે જેમાં અલ્પિતાએ ભૂલ કરી હોવાથી નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
અલ્પિતા ચૌધરીએ ફિલ્મોના ડાયલોગ અને ગીતો સાથેની રીલ બનાવી છે. જોકે, આ રીલ તેણે પોલીસના ગણવેશમાં અને તે પણ બહુચરાજી મંદિરની અંદર બનાવી છે. અગાઉ તેને આ પ્રકારના ટિકટોક વીડિયો માટે સસ્પેન્શન વહોરવાનો વારો આવ્યો હતો ત્યારે પોલીસ વિભાગની તપાસ થાય કે ન થાય પરંતુ મહેસાણા નાયબ કલેક્ટર વાળાએ તપાસના આદેશ આપ્યા છે.
મહેસાણાના નાયબ કલેક્ટરે જણાવ્યું કે 'બહુચરાજી મંદિરમાં બનાવેલા વીડિયોની માહિતી મીડિયાના માધ્યમથી જાણવા મળી છે. આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે. મંદિરના નિયમોનો ભંગ થયો હતો તો આ મુદ્દે ચોક્કસથી કાર્યવાહી થશે. બહુચરાજી મંદિરના નિયમો સૌને લાગુ પડે છે અને આપણે સૌ કાયદાથી બંધાયેલા છીએ ત્યારે આ નિયમોનું પાલન કરવું જ રહ્યુ'
અગાઉ ગણવેશમાં પોલીસ મથકની અંદર રીલ બનાવવા માટે સસ્પેન્ડ થયેલી અલ્પિતાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે મારા માટે જે નિર્ણય લીધો તે સારો જ લીધો છે. હું આમાંથી શીખી છું અને ભવિષ્યમાં આ બાબતનું પૂનરાવર્તન ન થાય તેની કાળજી રાખીશ. જોકે, તેણે ફરીથી આ જ ભૂલ કરી છે ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું
ગત વખતે સસ્પેન્ડ થયા બાદ અલ્પિતા ચૌધરીની રાતોરાત લોકપ્રિયતા વધી ગઈ હતી. તેમને ફિલ્મોમાં અને આલ્બમમાં કામ કરવાની ઓફર મળી ગઈ હતી. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં અલ્પિતા ચૌધરીના બે લાખ જેટલા ફોલોવર્સ છે ત્યારે ફિલ્મી લાઇફ જીવવાની સાથે સરકારી નોકરીના નિયમો પાળવાની દરકાર ન રાખવી તેમને ભારે પડી શકે છે.