અમદાવાદ : રાજ્યમાં કોરોના ચેપના (Coronavirus Cases) ફેલાવાની ઝડપ વધી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ 900થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના વધી રહેલા ફેલાવાને પગલે લોકો હવે સ્વયંભૂ બંધ પાળવા લાગ્યા છે. જેને પગલે ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડો (Marketing Yards)એ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેમાં એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ (Unjha Marketing Yard) પણ આજથી બંધ રહેશે. આ ઉપરાંત અનેક ગામ-શહેરની બજારોઓ પણ સ્વયંભૂ બંધ (Self Imposed Lockdown) પાળવાનો નિર્ણય કર્યો છે.
ઊંઝા માર્કેટયાર્ડ બંધ
મહેસાણામાં સતત વધી રહેલા કેસને પગલે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ સોમવારથી બંધ રહેશે. વેપારીઓ દ્વારા 25મી તારીખ સુધી બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઊંઝાનું બજાર બંધ
મહેસાણાના ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ જ નહીં પરંતુ ઊંઝા બજાર પણ આજથી સંપૂર્ણ બંધ રહેશે. આજથી શરૂ કરીને સાત દિવસ સુધી એટલે કે 27 તારીખ સુધી બજાર બંધ રહેશે. ઊંઝા નગરપાલિકા તરફથી વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સ્ટોર, દૂઘ વેચાણ કેન્દ્રો તેમજ ઇમરજન્સી સિવાય તમામ દુકાનો સ્વયંભૂ બંધ રહેશે. જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોટાદ માર્કેટિંગ યાર્ડ બંધ
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરુભાઈ ધાંધલે મહત્ત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડ 20 જુલાઈથી 26 જુલાઈ સુધી બંધ રહશે. યાર્ડ બંધની જાહેરાત સમયે શાકભાજી તેમજ કપાસની આવક શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થતો રહેશે તો યાર્ડ બંધ રાખવાની મુદતમાં વધારો કરવામાં આવશે.
રાણપુરમાં દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
બોટાદના રાણપુર વેપારી મહામંડળે રાણપુરમાં વધી રહેલા કેસને પગલે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આજથી તારીખ-20-7-20 થી 31-7-20 સુધી સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુર તમામ દુકાનો, લારી-ગલ્લા, કેબિન સહિતના તમામ ધંધા-રોજગાર બપોરના 2 વાગ્યા પછી રહેશે બંધ.
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ બંધ કરાયું
કોરોનાના વધી રહેલા કેસને પગલે જામનગરના જામજોધપુરનું માર્કેટિંગ યાર્ડ બંધ કરાયું છે. 21 જુલાઇથી માર્કેટિંગ યાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગરના ઠેબા ગામમાં આજથી લૉકડાઉન
જામનગરના ભાગોળે આવેલા ઠેબા ગામમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ગામમાં હાલ કોરોનાને ત્રણ પોઝિટિવ કેસ હોવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના લોકો બ્રાસપાર્ટ કામ સાથે સંકળાયેલા હોવાથી દરરોજ જામનગરમાં આવ-જા કરે છે. ગામમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે ગ્રામપંચાયકે લોકોને બંધ પાળવા માટે એપીલ કરી હતી. જેના પગલે આજથી ગામમાં બજારો સૂમસામ બની હતી.
રાજપીપળાનું શાકમાર્કેટ ચાર દિવસ સુધી બંધ
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 130ને પાર થઈ ગી છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજપીપલાનું શાક માર્કેટ ચાર દિવસ સુધી સદંતર બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ હુસૈનનું કહેવું છે કે, રાજપીપળા શાકમાર્કેટ સવારથી સાંજ સુધી વધારે ભીડ રહેતી હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધારે છે. આ માટે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
સુરતનું બોમ્બે માર્કેટ બંધ રહેશે
કોરોનાના વધી રહેલા કેસને પગલે સુરતનું બોમ્બે માર્કેટ 31મી સુધી બંધ રહેશે. આ ઉપરાંત શહેરની અન્ય અનેક બજારો 31મી સુધી સ્વયંભૂ બંધ રહેશે. બોમ્બે માર્કેટમાં આશરે 900 દુકાનો આવેલી છે. આ તમામ દુકાનો બંધ રહેશે. બોમ્બે માર્કેટ ઉપરાંત સુરતનું વરાછા હીરા બજાર અને ચોકસી બજાર 31મી સુધી બંધ રહેશે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે ઉનામાં 25મી સુધી સ્વયંભૂ લૉકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર શાકભાજી અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. તેના સિવાય અન્ય તમામ ધંધા-રોજગાર બંધ રહેશે. દીવમાં પણ શાકભાજી માર્કેટ ત્રણ દિવસ સુધી બંધ રહેશે.
દાહોદમાં બંધની અપીલ
કોરોનાને કેસને પગલે દાહોદમાં પહેલી ઓગસ્ટ સુધી બંધની અપીલ કરવામાં આવી છે. જેના પગલે દુકાનો સવારના 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. મેડિકલ સ્ટોર્સ ત્રણ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. છોટાઉદેપુરના બોડેલીના ત્રણ ગામોએ સ્વૈચ્છિક બંધ પાળવાની જાહેરાત કરી છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર