હિમાંશુ વોરા, અમદાવાદ : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. પરિણામમાં અમદાવાદના એક સફાઇ કામદારનો દીકરો પણ ઝળક્યો છે. યશ અધિકારી નામના વિદ્યાર્થીના પિતા અશોકભાઈ શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે. યશે ધોરણ-12 સાયન્સમાં 99.60 પર્સેન્ટાઇનલ મેળવ્યા છે, જ્યારે યશનું ધોરણ-12નું પરિણામ 93.60 ટકા આવ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા યશ અધિકારીએ પોતાના ઘરની સ્થિતિથી લઇને ધોરણ-12માં સારા માર્ક્સ લાવવા માટે કેવી રીતે મહેનત કરી હતી તેના વિશે વાત કરી હતી.
યશે જણાવ્યું હતું કે તેના પિતા અશોકભાઈ શૌચાલયમાં કેર ટેકર તરીકેનું કામ કરે છે, જ્યારે માતા ગૃહિણી છે. યશનો મોટા ભાઈ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.
ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :
યશે જણાવ્યું કે તે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. સારા માર્ક્સ અંગે વાત કરતા યશે જણાવ્યું હતું કે, તે દરરોજ છ કલાક વાંચન કરતો હતો. મહેનત અને પેપર સોલ્વિંગથી તેણે સારા માર્ક્સ મેળવ્યા છે. અભ્યાસની ફી કે અન્ય બાબતે અંગે તકલીફ પડી હોવા અંગે યશે જણાવ્યું હતું કે, 'પરિવાર મધ્યમ વર્ગનો હોવા છતાં કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો ન હતો. મેં ખૂબ મહેનત અને લગનથી અભ્યાસ કરીને સારા પર્સેન્ટાઇલ મેળવ્યા છે.'
આગળના અભ્યાસ અને કારકિર્દી વિશે વાતચીત કરતા યશે જણાવ્યું કે તે આગળ જઈને ઇલેક્ટ્રિકલ એન્જીનિયર બનવા માંગે છે અને તેના પરિવારને મદદ કરવા માંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે યશના પિતા ભલે શૌચાલયના કેર ટેકરનું કામ કરતા હોય પરંતુ તેમણે પોતાના બંને દીકરાઓને સારું શિક્ષણ આપવા માટે કોઈ જ કસર છોડી રાખી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર