પંચમહાલ : સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા!

ભુવાની પોલીસે ધરપકડ કરી

Panchmahal News- શિક્ષિત દંપતી શેર માટીની ખોટ પુરવા વિશ્વાસમાં આવી ગયા હતા જેનો ભુવાએ ગેરલાભ ઉઠાવ્યો

 • Share this:
  રાજેશ જોષી, ગોધરા : શિક્ષિત અને આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કહીં શકાય એવી ઘટના ઘોઘંબાના (Ghoghamba)એક ગામમાં સામે આવી છે. ઘોઘંબા તાલુકાના એક સંતાન વાંચ્છુક દંપતી સાથે વિધિના નામે એક ભુવાએ પરિણીતા સાથે શારીરિક અડપલા (molestation)કર્યા હતા. આખરે પરિણીતાએ હિંમતભેર પોલીસ ફરિયાદ કરતાં રાજગઢ પોલીસે (Rajgarh police)ભુવાની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે પરિણીતાના ઘરે આવેલા ભુવાએ મહિલાને વિધિના બહાને એકલી ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા દરમિયાન મહિલાના સ્વજનો પહોંચી ગયા હતા જેથી સમગ્ર બાબત પ્રકાશમાં આવી જતાં ભુવાને પોલીસ હીરાસતમાં જવાનો વખત આવ્યો છે.

  ટેકનોલોજીના યુગમાં આજે મનુષ્ય ભલે ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય! પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શિક્ષિત, અલ્પ શિક્ષિત અને અભણ લોકો ભુવા, તાંત્રિકો અને વિધિ વિધાનોની અંધશ્રદ્ધા સાથે સંકળાયેલા જોવા મળે છે. અંધશ્રદ્ધાઓમાં જ વિધિ વિધાનના નામે યુવતીઓ અને મહિલાઓની સાથે શારીરિક છેડછાડની ઘટનાઓ બનતી હોય છે જેમાં કેટલીક પ્રકાશમાં આવે છે અને કેટલીક ઘટનાઓ ઈજ્જતના કારણે સ્વજનો અને ભોગ બનનાર મહિલાઓ ઉજાગર કરતાં નથી. આવી જ એક ઘટના ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા શિક્ષિત દંપતી સાથે બની છે. શિક્ષિત દંપતીના લગ્ન થયાના વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ નહીં પુરાતા દંપતીએ લોકોના મુખે મળેલી જાણકારી આધારે હારી થાકી પોતાની અપેક્ષા સંતોષવા માટે ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા ભુવાનો આશરો લેવાનું નક્કી કર્યુ હતું અને આખરે સંતાન પ્રાપ્તિની અપેક્ષાએ તેઓએ આધુનિક મેડિકલ સુવિધાના બદલે બડવા( ભુવા)નો સંપર્ક કર્યો હતો.

  આ પણ વાંચો - અમદાવાદમાં BRTC ઉડાન સેવા શરૂ, એરપોર્ટથી ઇસ્કોન ક્રોસ રોડની માત્ર 50 રૂપિયા ટિકિટ

  દરમિયાન ભુવાએ દંપતિને સંતાન પ્રાપ્તિની વિધિના પાઠ ભણાવી મહિલાના ઘરે જવું પડશે એમ જણાવ્યું હતું. જે પછી મુક સંમતિ વચ્ચે ભુવો વિધિના બહાને પરિણીતાના ઘરે ગયો હતો અને મહિલાના પતિ અને સસરાની હાજરીમાં વિધિનું નાટક કર્યુ હતું. ત્યારબાદ ભુવાએ વધુ વિધિ માટે પરિણીતાને એકલી ખેતરમાં લઈ જવી પડશે એમ જણાવ્યું હતું. બીજી તરફ સંતાન પ્રાપ્તિની અપેક્ષા અને ભુવાની વિધિમાં વિશ્વાસ કરી બેઠેલા પરિણીતાના પતિ અને સસરાને જણાવી ભુવો મહિલાને ખેતરમાં દૂર લઈ ગયો હતો અને ત્યાં જઈ ભુવાએ વિધિનું નાટક કરી એકલતાનો લાભ લઇ શરીરે અડપલા કર્યા હતા.

  આ સમયે પરિણીતાના પતિ અને સસરા સતર્ક બની ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં તેમની સમક્ષ પરિણીતાએ પોતાની સાથે બનેલી સ્થિતિનું વર્ણન કર્યુ હતું. જેથી ભુવાના પગ નીચેથી ધરતી ખસી ગયાનો ઘાટ ઘડાયો હતો. ભુવાએ સ્વ બચાવ માટે પરિણીતા અને તેના સસરાને અપશબ્દો બોલી આ વાત કોઈને નહીં જણાવવાની ધમકી આપી હતી. જે બાબતે રાજગઢ પોલીસ સ્ટેશનમાં આ ભુવા(બડવા) શનાભાઈ લલ્લુભાઈ રાઠવા (રહે-ગમીરપુરા) સામે પરિણીતાની ફરિયાદ અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ઢોંગી ભુવાને રાજગઢ પીએસઆઇ આર.આર.ગોહિલ અને ટીમે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: