દર બે મહિને તમારા ઘરે લાઇટ-બીલ બનાવવા માટે કોઇ આવે ત્યારે તે વ્યક્તિ મોટા ભાગે પુરુષ જ હોય છે પણ કોઇ મહિલા તમારા ઘરે લાઇટ-બીલ બનાવવા આવે તો તમને આશ્ચર્ય થાય ? જરૂર થાય. આવું જ આશ્ચર્ય હાલ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં પાંચેક ગામોમાં થાય છે.
વાત કંઇક એમ છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા ગામના રહેવાસી વર્ષાબેન દલવાડી ગરીબ પરિવારમાંથી આવે છે પણ તેમનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ છે. તે સાહસિક અને નીડર છે. સાથે જ કંઇક કરવાની તમન્ના પણ રાખે છે.
વર્ષા બેન કહે છે, ‘આજ દિન સુધી વિજળીના મીટર રિડીંગનો ઇજારો માત્ર પુરુષોનો હતો. મહિલાઓ આ કામ કરતી નહી. પણ મીટર રિડિંગનું કામ મેં સ્વીકાર્યુ. શરૂઆતમાં જ્યારે હું ઘરે-ઘરે જઇને મીટર રિડિંગ માટે જતી, તો બધાને આશ્ચર્ય થતું હતું પરંતુ હવે બધા સહર્ષ આવકારવા લાગ્યા છે.’
વર્ષાબેન દલવાડી
તેઓ કહે છે કે, ‘બે વર્ષ પહેલા તાલુકા અધિકારીએ અમને એક તાલીમ વિષે જાણકારી આપી અને મને તેમાં રસ પડયો..’ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (યુજીવીસીએલ) લાઇટ બિલીંગની તાલીમ લીધી અને ત્યારબાદ યુ.જી,.વિ.સી.એલના વિરમગામ જુથ દ્વારા એમ.ઓ.યુ કરવામા આવ્યુ અને જુથના સભ્યોને યુ.જી.વિ.સી.એલ વિરમગામ દ્વ્રારા તાલીમ પૂર્ણ કરી અને ત્યાર પછી બિલીંગની કામગીરી સોંપવામાં આવી.
વર્ષાબેન રોજના ૨૦૦ બિલ બનાવી પ્રતિદિન રૂ ૧૦૦૦ થી રૂ ૧૨૦૦ કમાય છે. માત્ર ૨૦ જ દિવસમાં એટલે કે ૧૨મી થી કામ શરુ કરી ૩૦મી સુધીમાં કામગીરી પૂર્ણ કરે છે. વર્ષાબેન તેમના અનુકુળ સમયે પાંચ ગામોમાં ઘરે ઘરે ફરી વીજળી બિલ માટે મિટર રિડિંગ કરે છે અને ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ (જી.ઇ.બી)નાં અધિકારીઓને સમય પહેલા જ કામગીરી પૂર્ણ કરી આપે છે.
વર્ષા બહેન કહે છે મારા માટે તો આ રાજય સરકારની નોકરી જ છે. હું ૧૨ ધોરણ સુધી જ ભણેલી છું તો મને ૪૦ વર્ષે કોણ નોકરીએ રાખે ? આ કામ દ્વારા સરકારી નોકરી કરવાની મારી પ્રબળ ઇચ્છા પરીપૂર્ણ થઇ અને મારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધાર આવ્યો. મારા પતિ ખેતી કરતા અને અમે ખેતી પર જ નિર્ભર હતા પરંતુ હવે તો મારો દર મહીને પગાર આવતો થઇ ગયો. જેથી પરિવારમાં પણ આર્થિક ટેકો થઇ ગયો. વળી, આ કામગીરી કરવાથી આજુબાજુનાં 5 ગામોના લોકો પણ મને ઓળખતા થઇ ગયા છે”.