અમદાવાદ: શહેરમાં (Ahmedabad) નવરાત્રિમાં (Navratri) રાતે 12 વાગ્યે કર્ફ્યૂ લાગી જાય છે. ત્યારે ગત શુક્રવાર મોડી રાતે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NFD સર્કલ પાસે કાર લઈને નીકળેલી યુવતીએ બાઇકસવારોને (accident near NFD circle) ફંગોળી દીધા હતા. જેમાં બે યુવકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે કારચાલક યુવતી ત્યારે ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. હાલ આ અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે આ અકસ્માતનાં સીસીટીવી (Accident CCTV) ફૂટેજ સામે આવ્યા છે.
બાઇક સવાર યુવક પોરબંદરથી અહીં ભણવા આવ્યો છે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા મૂળ પોરબંદર ભવ્ય રાયચૂરા અમદાવાદમાં સીએનો અભ્યાસ કરે છે. ભવ્ય પીજીમાં રહેતો હોવાથી તેના મિત્ર અભિજિત અન્ય મિત્રો સાથે સિંધુ ભવન ખાતે અર્બન ચોક પાસે ગરબા જોવા ગયા હતા. રાતના 12.30 વાગ્યાના અરસામાં તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભવ્ય બુલેટ ચલાવતો હતો. તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. તેઓ બાઇક પર ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર હતા. આ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફુલ સ્પીડે આવતી કારે ભવ્યની બાઇક સાથે અકસ્માત કર્યો હતો.
યુવતી અકસ્માત કરીને ભાગી ગઇ
આ અકસ્માતમાં ભવ્ય અને તેનો મિત્ર ફંગોળાઈ ગયા હતા અને કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ કારમાંથી એક યુવતી નીચે ઊતરીને ઇજાગ્રસ્તોને સારવાર કરાવવાને બદલે ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. આ યુવતીને ઇજાગ્રસ્ત યુવકોએ જોઈ હતી.
બંને યુવકોને સારવાર માટે લઇ જવાયા
અકસ્માત બાદ બંને યુવકને સાલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને ગંભીર ઇજાઓ અને ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે આ કાર કોની છે અને આરોપી યુવતીને શોધવાનો પ્રયાસ હાથ ધર્યા છે. આ બનાવમાં અકસ્માત કરનારી યુવતી બિલ્ડરની દીકરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આરોપી યુવતી પોલીસની પકડમાં આવી નથી.
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ, એન.એચ.જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, શુક્રવારે રાતે અકસ્માતની જાણ થતા અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની પૂછપરછ કરતા કારચાલક યુવતી હોવાનું જાણવા મળ્યું છે.આરટીઓમાંથી માહિતી મેળવ્યા બાદ પગલાં ભરીશું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર