હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. હાલ શહેરમાં પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. આ દરમિયાન અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે એક મહિલાએ ટ્રાફિક પોલીસ સામે ચંપલ ઉગામ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની વિગત પ્રમાણે ત્રણ સવારીમાં આવતી એક મહિલાને પોલીસે રોકી હતી અને રૂ. 1 હજારનો દંડ માંગ્યો હતો. દંડની વાત સાંભળીને મહિલા ઉશ્કેરાઇ ગઇ હતી અને પોલીસને દંડ નહીં ભરવાની ધમકી આપી પગમાંથી ચંપલ કાઢીને પોલીસ સામે ઉગામ્યું હતું. જોકે, આ સમયે અન્ય પોલીસકર્મી વચ્ચે પડતા પોલીસકર્મી મહિલાના રોષનો શિકાર બનતા બચી ગયો હતો. આ મામલે હવેલી પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ગુનો નોંધાતા પોલીસે તેની અટકાયત કરી હતી.
અમદાવાદના ઇ -વિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ડાહ્યાભાઇ વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. એવામાં રાયખડ ચાર રસ્તા પાસેથી એક યુવતી ટુ-વ્હીલર પર ત્રણ સવારીમાં આવતા ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. ત્રિપલ સવારીમાં વાહન ચલાવવું ગુનો બનતો હોવાથી પોલીસે એક હજાર રૂપિયા દંડ માંગ્યો હતો. જેથી આ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરતા મહિલા પોલીસને બોલાવાઇ હતી.
ટ્રાફિક પોલીસ આવતા વસ્ત્રાલ ખાતે રહેતી ખ્યાતિ ઉમરાડિયા વધુ ઉશ્કેરાઇ ગઇ અને પોલીસને ધમકી આપી હતી કે, 'થાય તે કરી લેજો, હું દંડ તો નહિ જ ભરૂ.' આવું કહીને યુવતીએ પગમાંથી ચંપલ કાઢીને ટ્રાફિક પોલીસને મારવા દોડી હતી. આ મામલે હવેલી પોલીસે આરોપી યુવતી સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.