Home /News /gujarat /

ભારતનો વિકાસ માત્ર કરોડપતિઓ માટે જ છે? સામાન્ય માણસને કેમ તેનો અનુભવ થતો નથી ?

ભારતનો વિકાસ માત્ર કરોડપતિઓ માટે જ છે? સામાન્ય માણસને કેમ તેનો અનુભવ થતો નથી ?

પ્રતિકાત્મક તસવીર

અરુણ જેટલી દાવો કરે છે, દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર સહુથી ઊંચા દરે, સાત ટકાથી અધિક દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પણ જીડીપીની વૃદ્ધિનો આ ઊંચો દર લોકો એમના જીવનમાં અનુભવી શકતા નથી, કેમકે આ વિકાસ મુખ્યત્વે કરોડપતિઓ અને અબજપતિઓની આવક વધારનારો છે.

વધુ જુઓ ...
  રમેશ.બી. શાહ દ્વારા

  દેશમાં ‘વિકાસ’ કરવાનો ભાજપને, વિશેષ કરીને વડાપ્રધાન મોદીને ઇજારો આપવામાં આવ્યો હોય તે રીતે ભાજપના નેતાઓ વિકાસની વાતો કરે છે. વિકાસનો અર્થ સ્પષ્ટ નહીં કરવાની તેઓ કાળજી રાખે છે. તે જ રીતે કોનો વિકાસ એ પ્રશ્નને પણ તેઓ અનુત્તર રાખે છે. ઉદ્દેશોની બાબતમાં અસ્પષ્ટતા રાખવી તે રાજકીય કુનેહમાં ખપે છે. આમ, અપ્રામાણિકતાને કુનેહનો ઢોળ ચડાવવામાં આવતો હોવાથી તે ગૌરવવંતી બને છે. પણ જેઓને રાજકારણની અપ્રામાણિકતા અને ધૂર્તતામાં રસ નથી, તેમણે વિકાસનાં વિવિધ પાસાંની ચર્ચા કરવા જેવી છે.
  અર્થશાસ્ત્રમાં વિકાસ (Development) અને વૃદ્ધિ (Growth) વચ્ચે ભેદ પાડવામાં આવ્યો છે.

  બીજા વિશ્વયુદ્ધ પછી એ સમયે અલ્પવિકસિત તરીકે ઓળખાતા દેશોના સંદર્ભમાં આર્થિક વિકાસ શબ્દ પ્રયોજાયો હતો. ઇંગ્લૅન્ડ આદિ કેટલાક દેશોમાં ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યાં તે ઔદ્યોગિક ક્રાંતિ કે ઔદ્યોગિકીકરણ તરીકે ઓળખાયાં. એ આજના અર્થમાં વિકાસ જ હતો, પણ એના વિશે લખાયેલા ઇતિહાસોમાં એ પરિવર્તનોનું વર્ણન અને વિશ્લેષણ વિકાસની પરિભાષામાં કરાયું નથી. પણ બીજા વિશ્વયુદ્ધ પછી એ બધા દેશોને વિકસિત દેશ ગણવામાં આવ્યા અને અન્ય દેશોને આરંભમાં અલ્પવિકસિત તરીકે ઓળખવામાં આવ્યા. પણ એ શબ્દ એ દેશોના નાગરિકો માટે હિણપતભર્યો લાગવાથી તેના સ્થાને વિકાસશીલ શબ્દ પ્રયોજાયો અને રૂઢ થયો.
  અઢારમી સદીના ઉત્તરાર્ધથી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં આવેલાં પરિવર્તનોને સમજવાથી વિકાસનો અર્થ સ્પષ્ટ થાય છે.

  વરાળશક્તિ અને યંત્રો પ્રયોજાવાથી માણસોની ઉત્પાદનશક્તિમાં મોટો વધારો થયો, જેને આજે જીડીપી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એના પરિણામે વધારો થયો. જીડીપીની આ વૃદ્ધિ અર્થતંત્રમાં આવેલાં ઉપર્યુક્ત ગુણાત્મક પરિવર્તનોનું પરિણામ હતું. આમ, વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોપ્રેરિત વૃદ્ધિ અભિપ્રેત છે.
  વિકાસ એક મૂલ્યભારિત શબ્દ બની ગયો છે. વિકાસમાં ઇષ્ટતા, ઇચ્છનીયતાનો ભાવ રહેલો છે. વિકાસ શબ્દ સારાં, થવાં ઘટે એવાં પરિવર્તનો સૂચવે છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અંતનોગત્વા લોકોનાં જીવનધોરણમાં મોટો સુધારો થયો, એ પરિણામ લોકોને ગમતું હોવાથી એ પરિવર્તનો વિકાસ ગણાયાં. ઐતિહાસિક રીતે જોઈએ તો વિકાસ આર્થિક ક્ષેત્રો પૂરતો સીમિત રહી શકતો નથી.

  શિક્ષણ, તબીબી સારવાર, સરકારી સેવાઓ અને સામાજિક સંસ્થાઓમાં પણ ગુણાત્મક પરિવર્તનો સમય જતાં નીપજે છે. એક જમાનામાં યુરોપ, અમેરિકાની યુનિવર્સિટીઓ અધ્યાપનના મર્યાદિત વિષયો સાથે હાઈસ્કૂલ કક્ષાએ કામ કરતી હતી. એ બધા દેશોમાં સરકારી સેવાઓ વિસ્તરી છે અને સાથોસાથ તેની કાર્યદક્ષતામાં મોટો વધારો થયો છે. સમગ્ર સમાજમાં વિકાસ કહેતાં ગુણાત્મક પરિવર્તનો અનુભવાય છે.

  આર્થિક વિકાસ દેખીતી રીતે સારી બાબત છે, પણ વિકાસના નામે ઓળખીતાં પરિવર્તનો બધા માટે લાભદાયી નીવડતાં નથી. કેટલાકને એમાં ગુમાવવાનું પણ થાય છે. સિંચાઈ માટે બંધ બાંધવાથી ખેડૂતોના એક વર્ગને લાભ થાય છે, પણ એને કારણે જેઓ વિસ્થાપિત થાય છે અને પોતાની જમીન ગુમાવે છે, તેમને ગુમાવવાનું થાય છે. રસ્તાઓ થવાથી બસ-વ્યવહાર વધતાં ગ્રામવાસીઓને અનેક લાભો થાય છે, પણ નાનાં ગામડાંઓના વેપારીઓનો વેપાર પડી ભાંગે છે, કેમકે ગ્રામવાસીઓ પાસેના નગરમાંથી ખરીદી કરતા થાય છે. વિકાસની પર્યાવરણ પરની અસર મોટા વિવાદનો વિષય બની છે.

  વિકાસથી પર્યાવરણનો જે ભોગ લેવાય છે, તેની કિંમત ભાવિ પેઢીએ ચૂકવવાની થશે. અલબત્ત, હવાના પ્રદુષણની કિંમત વર્તમાન પેઢીને પણ ચૂકવવી પડે છે. વળી, વિકાસથી જીડીપીમાં જે વધારો થાય છે, તેની વહેંચણીની અસમાનતાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. આવકની કઈ વહેંચણી ન્યાયી ગણાય તે મોટા મતભેદનો મુદ્દો છે. આ પ્રશ્નોને કારણે અર્થશાસ્ત્રીઓ મૂલ્યભારિત વિકાસ શબ્દને બદલે મૂલ્યનિરપેક્ષ વૃદ્ધિ શબ્દ પસંદ કરે છે.
  રાજકારણીઓને આવા કોઈ પ્રશ્નો કનડતા નથી. વિકાસ કોને ન ગમે? વિકાસ દ્વારા તેઓ શું કરશે એનું નામ પાડતા નથી. વિકાસના લાભાર્થીઓ કોણ હશે, એના જવાબમાં ‘સબ કા સાથ, સબકા વિકાસ’ જેવાં રાજકીય સૂત્રો પોકારે છે. વિકાસમાં જેમને ગુમાવવાનું થાય છે. તેમને વળતરના વાયદા કરે છે. રાજકારણીઓ વિકાસને અસ્પષ્ટ રાખે છે એ એમના માટે આરંભમાં લાભદાયી નીવડે છે. વિકાસ એક સારી બાબત છે, એમ સમજીને લોકો તેનાથી આકર્ષાય છે અને તેનો પોતાને અનુકૂળ અર્થ ધરાવે છે. બેકારો સારી રોજગારીની, ખેડૂતો આવક વધવાની અને પોતાના શિક્ષિત દીકરાઓને ખેતીની બહાર રોજગારી મળવાની, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાની કમાણી વધવાની એમ વિવિધ વર્ગો વિકાસમાં પોતાનું હિત જુએ છે. વિકાસથી સારા દિવસો આવશે, એવી આશા લોકોમાં બંધાય છે. તેથી ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ જેવાં સૂત્રો વોટ ખેંચી લાવવામાં કામિયાબ નીવડે છે.

  આપણે ત્યાં જે વિકાસ થયો છે, તે દુર્ભાગ્યે આમજનતાની અપેક્ષા સંતોષનારો નીવડ્યો નથી. આ વિકાસ રોજગારીવિહીન હોવાથી શિક્ષિત યુવાનોની સારી રોજગારી માટેની અપેક્ષા સંતોષાઈ નથી અને તેથી વિવિધ જ્ઞાતિઓ રોજગારીમાં અનામતની માંગ કરી રહી છે. ખેતીના ક્ષેત્રે છેલ્લાં પાંચેક વર્ષોથી વ્યાપક અસંતોષ પ્રવર્તે છે. એંસી ટકા જેટલા ખેડૂતો બે હૅક્ટરથી કે તેથી ઓછી જમીન ધરાવે છે, જે સરેરાશ પાંચ માણસોના કુટુંબને ભરણપોષણ માટે પૂરતી આવક આપી શકતી નથી. એક બાજુ ખેતીમાં ખર્ચ વધ્યું છે અને બીજી બાજુ વિવિધ ખેતપેદાશોના ભાવો ખર્ચ સાપેક્ષમાં નીચા રહે છે, તેથી ખેડૂતોના મોટા વર્ગ માટે ખેતી માટેનો ધંધો થઈ ગઈ છે. ટૂંકમાં, ખેડૂતો માટે ખરાબ દિવસો આવ્યા છે.

  નાણાપ્રધાન જેટલી અવાર નવાર એક દાવો કરે છે, દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર સહુથી ઊંચા દરે, સાત ટકાથી અધિક દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પણ જીડીપીની વૃદ્ધિનો આ ઊંચો દર લોકો એમના જીવનમાં અનુભવી શકતા નથી, કેમકે આ વિકાસ મુખ્યત્વે કરોડપતિઓ અને અબજપતિઓની આવક વધારનારો છે.

  ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૨૯ ટકા ભાગ ગયો છે, તેની સરખામણીમાં તળિયાના ૫૦ ટકાના ભાગ ૧૧ ટકા આવક થઈ છે. આની તુલનામાં ચીનમાં ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૧૫ ટકા ભાગ ગયો હતો. આમ, ભારતમાં થઈ રહેલા વિકાસથી જનતાનો વિશાળ વર્ગ સારા દિવસોનો અનુભવ કરી રહ્યો નથી, તેથી વડાપ્રધાનની વિકાસની વાતોથી પ્રજાનો મોટો વર્ગ નિર્ભ્રાન્ત થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસોમાં ‘વિકાસ ગાંડો થયો છે’ એ ઉક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થઈ હતી, એ તેનું એક પ્રમાણ હતું. વિકાસની વાતો રમૂજની વાતો બની ગઈ હતી.

  વિકાસ અંગે સાચો-જૂઠો પ્રચાર લોકોને ભોળવી શકે તેમ નથી. લોકોને પોતાને વિકાસનો અનુભવ થતો ન હોય, તો તેઓ કેવળ પ્રચારથી ભોળવાઈ જાય એટલા ભોળા નથી. યુવાનોને સારી રોજગારી મળતી ન હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોય અને મોંઘવારી વધવાનું ચાલુ જ હોય એ સ્થિતિમાં લોકો વિકાસનો, એટલે સારા દિવસોનો અનુભવ ન કરે તે સહજ છે. ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઊંચા દરે વધે છે, બે-ચાર વર્ષમાં ઇંગ્લૅન્ડના અર્થતંત્રને પછાડીને ભારતનું અર્થતંત્ર આગળ નીકળી જશે, એવી વિકાસ અંગેની મોટી મોટી વાતોથી લોકોને કોઈ ફરક પડતો નથી. તેથી હવે ચૂંટણીઓ વિકાસને આગળ કરીને જીતી શકાય તેમ નથી; ચૂંટણી માટે બીજા મુદ્દાઓ ખોળવા પડે તેમ છે.

  અયોધ્યામાં રામમંદિર આવો એક હાથવગો મુદ્દો છે. લોકોને કનડતા પ્રશ્નો ગૌણ છે. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને રોકવો, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવું, એ આજે દેશના ટોચની અગ્રતા ધરાવતા પ્રશ્નો છે!

  લેખક જાણીતા અર્થશાસ્ત્રી છે. (વિચારપત્ર ‘નિરીક્ષક’, 1-12-18માંથી)
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Economy, GDP, Growth, Poll, Temple

  આગામી સમાચાર