Home /News /gujarat /દેશનાં ભાગલા વખતે કાશ્મીર વિશે ગાંધીજીએ શું કહેલું ? રસપ્રદ વિગતો

દેશનાં ભાગલા વખતે કાશ્મીર વિશે ગાંધીજીએ શું કહેલું ? રસપ્રદ વિગતો

કાશ્મીર વિશે ગાંધીજીનાં વિચારો

ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે, અહિંસાના પૂજારી હોવા છતાં ગાંધીજીએ કાશ્મીરના બચાવ માટે લશ્કર મોકલવામાં આવ્યું તેનો બચાવ શા માટે કર્યો?

આચાર્ય કૃપાલાની  (અનુ. નગીનદાસ પારેખ):

કોઈ પ્રશ્નનો કાયમી ઉકેલ ત્યારે જ સંભવે જ્યારે જે-તે પ્રશ્ન વિશે તથ્યો અને હકીકતને સૂક્ષ્મતાથી તપાસવામાં આવે. કાશ્મીર જેવા પ્રશ્નોમાં તો આ તપાસ વધુ સઘન રીતે થવી જોઈએ. કાશ્મીરની જમીન પર જે થઈ રહ્યું છે, તેનાં મૂળિયાં આઝાદીકાળથી રોપાયેલાં છે અને તે સમસ્યા કેવી રીતે વિસ્તરી તેનો ટૂંકાણમાં ઇતિહાસ ગાંધીવિચારના ભાષ્યકાર આચાર્ય કૃપાલાનીએ ગાંધીશતાબ્દી વેળાએ પ્રકાશિત થયેલાં ‘ગાંધીજી : જીવન અને વિચાર’ પુસ્તકમાં આપ્યો છે. આ ઇતિહાસનું લેખન વર્તમાન સમયને અનુલક્ષીને તપાસવા જેવું છે. આ લેખ સાંપ્રત સ્થિતિને અનુલક્ષી ને પ્રસ્તુત છે…

…કાશ્મીરમાં મારું કામ મુશ્કેલ હતું. દીવાન [રામચંદ્ર] કાક એક અંગ્રેજ બાઈને પરણેલો હતો. તે સતત બ્રિટિશ શ રેસિડેન્સીમાં આંટાફેરા કરતી હતી. મોટા ભાગના અમલદારો કાશ્મીરી પંડિતો હતા. તેમને એ વાત ગળે ઉતારવી મુશ્કેલ હતી કે તેમનું અને બહુમતી મુસ્લિમ વસ્તીનું હિત એક હતું. કાકનો પોતાનો મોટો ભાઈ હિંદુ મહાસભાવાદી હતો. દીવાનની હાજરી વગર મહારાજા [હરીસિંઘ] સાથે મળવાનું ગોઠવી શકાય એમ નહોતું. મુસ્લિસ વસ્તી ઉશ્કેરાયેલી હતી. તેઓ મહારાજા ગાદીત્યાગ કરે એવું માગતા હતા. શ્રીનગરની મુખ્ય મસ્જિદમાં મેં એક ભરચક સભાને સંબોધી. મારી વાત તેમને સમજાઈ. બીજી એક સભામાં મેં ચળવળિયાઓને “ડોગરા ચાલ્યા જાઓ” એવા નારા લગાવવા માટે ઠપકો આપ્યો. મેં કહ્યું કે મહારાજા કંઈ પરદેશી નથી; એ પણ આ રાજ્યના જ છે. વળી કૉંગ્રેસની નીતિ પણ દેશી રાજાઓને દૂર કરવાની નથી પણ તેમને લોકશાહી તંત્રમાં બંધારણીય વડા બનાવવાની છે.

ત્રણ જ દિવસમાં મહારાજા જમ્મુ ચાલ્યા ગયા. અમે તેમનાં પવિત્ર મહારાણી મારફતે તેમની સાથે મુલાકાત ગોઠવી શક્યાં. અમે મહારાજાની પાછળ પાછળ જમ્મુ ગયાં. તેમણે અમને જમવા નિમંત્ર્યાં અને ભોજન પછી તેમણે મને એકલાને એકાંતમાં મળવાની ભલમનસાઈ બતાવી. હું ધારું છું કે રાજકીય કામે ગયેલો કોઈ માણસ મહારાજાને કાકની હાજરી વગર મળ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. મેં શેખને છોડી દેવાની માગણી કરી. મેં તેમને એમ પણ કહ્યું કે જો તમે અત્યારે હિંદી સંઘમાં નહીં જોડાઓ તો પાછળથી મુશ્કેલીમાં મુકાશો. મારી વાત તેમણે ધ્યાનથી સાંભળી. શેખ અબદુલ્લા વિશે તેમણે એમ કહ્યું કે એ હંમેશાં તકલીફ ઊભી કરે છે અને એને છોડી નહીં શકાય. હિંદી સંઘમાં જોડાવાની બાબતમાં તેમણે આમ કે તેમ બંધાવાનું ટાળ્યું .

મેં મારી મુલાકાતનો હેવાલ ગાંધીજીને આપ્યો. જવાહરલાલને મારી કાશ્મીરની મુલાકાત દરમિયાન શું બન્યું એની પૃચ્છા કરવાની ફુરસદ નહોતી. જોકે હું તો પ્રમુખ તરીકે એમણે અધૂરું મૂકેલું કામ જ પૂરું કરતો હતો. એમને તો કાશ્મીરમાં દાખલ થતાં જ મહારાજાએ પકડી લીધા હતા અને વાઇસરૉય વચ્ચે પડ્યા ત્યારે દિલ્હીમાં ચાલતી વાટાઘાટો માટે છોડ્યા હતા. આ ગાંધીજીને કારણે બન્યું હતું. મૌલાનાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે તેમ તેમને કારણે નહીં.

પાછળથી શેખ અબદુલ્લાએ અને બક્ષીએ બંનેએ એવી રજૂઆત કરી હતી કે મારી મુલાકાતથી લોકોની લડતને લાભને બદલે હાનિ જ થઈ હતી. “ડોગરા ચાલ્યા જાઓ”ના નારા લગાવવા માટે મેં ઠપકો આપ્યો હતો એ જેમને ગમ્યું નહોતું તેમના કહેવાથી એમણે આમ કર્યું હતું. તે વખતે કૉંગ્રેસની નીતિ એવી હતી કે દેશી રાજાઓ બંધારણીય વડા તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખે. શેખ અબદુલ્લા અને બક્ષી બંને ત્યાં નહોતા; શેખ જેલમાં હતા અને બક્ષી રાજ્યની બહાર હતા. બક્ષીને કાશ્મીર જવા દેવામાં આવતા નહોતા, અથવા કદાચ એમ પણ બને, કે એ ત્યાં જવા ઇચ્છતા નહોતા. જવાહરલાલે મને પૂછ્યા વગર જ એમનું કહ્યું માની લીધું.

થોડા સમય પછી, ગાંધીજીએ કાશ્મીર જવા માટે ૧૯૪૭ના જુલાઈની ૩૦મીએ દિલ્હી છોડ્યું. તેઓ ૧લી ઑગસ્ટની સાંજે શ્રીનગર પહોંચ્યા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા. એ દરમિયાન બધી જ જાતના મત ધરાવતા લોકો તેમને મળવા આવ્યા. શ્રીનગરમાં હતા ત્યારે એઓ મહારાજા, મહારાણી અને દીવાન કાકને પણ મળ્યા. ૪થી ઑગસ્ટે એઓ જમ્મુ આવીને કાર્યકર્તા ઓનાં અને વિદ્યાર્થીઓનાં એક પ્રતિનિધિ મંડળને મળ્યા. દિલ્હી પાછા ફરતાં રસ્તામાં એઓ વાહની શરણાર્થી છાવણીમાં રોકાયા અને ત્યાં પંજાબમાંના હિંદુ શરણાર્થીઓને તેમણે સંબોધ્યા. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે બ્રિટિશની સર્વોપરીતાનો અંત આવે ત્યાર પછી કાશ્મીરે કાં તો હિંદી સંઘમાં જોડાવું પડશે અથવા પાકિસ્તાનમાં જોડાવું પડશે. તેમનો પોતાનો અભિપ્રાય એવો હતો કે મહારાજા અને હિંદુસ્તાન-પાકિસ્તાન વચ્ચેના સંબંધની બાબતમાં કાશ્મીરના લોકોની ઇચ્છા જ અંતિમ નિર્ણાયક થવી જોઈએ.

અહીં આપણે કાશ્મીરની બદલાતી જતી પરિસ્થિતિ અને હિંદી સરકારના તેને લગતા પ્રત્યાઘાતો વિશે ગાંધીજીએ જુદે જુદે વખતે વ્યક્ત કરેલા વિચારો નોંધતા જઈએ એ ઠીક છે. કાશ્મીર ભારત સાથે જોડાયું ત્યાર પછી ૨૯મી ઑક્ટોબરની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ એમ કહ્યું હતું કે સંકટમાં આવી પડેલા મહારાજાએ ભારત સાથે જોડાવાની ઇચ્છા દર્શાવી છે તો ગવર્નર-જનરલ તેનો પહેલેથી અસ્વીકાર કરી ન શકે. તેમણે શેખ અબદુલ્લાને વડાપ્રધાન નીમવા માટે મહારાજાની પ્રશંસા કરી. નવેમ્બરની બીજીએ તેમણે કહ્યું કે હું એવા નિર્ણય ઉપર આવ્યા વગર રહી શકતો નથી કે પાકિસ્તાન સરકાર કાશ્મીર ઉપરની ચડાઈને સીધી રીતે ઉત્તેજન આપે છે. આફતમાં આવી પડેલાં કાશ્મીરને મદદ મોકલવાના નેહરુ સરકારના કાર્યનો તેમણે બચાવ કર્યો. કાશ્મીર ઉપર પાકિસ્તાને કરેલાં આક્રમણનો પ્રશ્ન યુનોને સોંપાયા પછી કેટલાક માણસો જમ્મુ અને કાશ્મીરના રાજ્યના ભાગલા પાડવાના વિચારનો પ્રચાર કરતા હતા તેને તેમણે વખોડી કાઢ્યો. તેમણે કહ્યું : “હિંદી સંઘ અને પાકિસ્તાન પોતાના ઝઘડાના નિકાલ માટે હંમેશાં ત્રીજા પક્ષ ઉપર જ આધાર રાખ્યા કરવાનાં છે? તેઓ ક્યાં સુધી લડ્યા કરશે? હિંદુસ્તાનના બે ભાગલા પડ્યા એ જ ઘણું છે. જે દેશને ઈશ્વરે એક બનાવ્યો છે તેના માણસ ભાગલા પાડી શકે એ વાત અશક્ય છે એમ લાગવું જોઈતું હતું. … પણ એનો અર્થ એવો નથી કે ભાગલાની પ્રક્રિયા આગળ ચલાવવી. … કાશ્મીરના જો ભાગલા પાડવાના હોય તો બીજાં રાજ્યોના કેમ ન પાડવા? એનો અંત ક્યાં આવશે? …” તેમણે વધુમાં કહ્યું : “પાકિસ્તાને જો લાયક રાજ્ય બનવું હોય તો પાકિસ્તાનના અને ભારત સંઘના પ્રતિનિધિઓએ ભેગા બેસીને કાશ્મીરના પ્રશ્નનો ચર્ચાવિચારણા કરીને ઉકેલ લાવવો જોઈએ; બીજી અનેક બાબતોનો તેમણે એ રીતે નિકાલ આણ્યો છે. જો તેઓ એમ કરી શકે તેમ ન હોય તો તેઓ પોતામાંથી સારા અને સાચા માણસોને પસંદ કરીને તેમના કહ્યા પ્રમાણે કેમ નથી ચાલતા? એ રસ્તે પહેલું પગલું ભૂતકાળની ભૂલો ખુલ્લી રીતે અને નિખાલસપણે કબૂલી લેવી એ છે.”

૪થી જાન્યુઆરીએ ફરી કાશ્મીર વિશે બોલતાં તેમણે જણાવ્યું કે, “દુઃખની વાત છે કે લોકો બે રાજ્યો વચ્ચે યુદ્ધની સંભાવનાની વાતો કરે છે.” ગાંધીજીએ કહ્યું કે “ભારત સંઘે યુનો આગળ કરેલી રજૂઆતની અને કાશ્મીર ઉપર હુમલાખોરોએ કરેલાં આક્રમણમાં પાકિસ્તાનનો હાથ છે એ આક્ષેપની સચ્ચાઈ વિશે પાકિસ્તા ન સરકારે વાંધો ઉઠાવ્યો છે એ જોઈને હું આભો બની ગયો છું. કેવળ ઇનકાર કરવાથી કશું નહીં વળે, કાશ્મીરે જ્યારે મદદ માગી ત્યારે તેની મદદે જવું એ ભારતનું કર્તવ્ય હતું. …”

આગળ જતાં તેમણે જણાવ્યું, “હિંદુઓએ અને મુસલમાનોએ બંનેએ ઘાતકી કૃત્યો કર્યાં છે, ભયંકર ભૂલો કરી છે, પણ એનો અર્થ એવો નથી કે ગાંડપણની આ હરીફાઈ ચાલુ રહેવી જોઈએ અને અંતે યુદ્ધ થવું જોઈએ. યુદ્ધથી તો બંને રાજ્યો ત્રીજી જ સત્તાનાં તાબેદાર બની જશે. એના જેવું દુર્ભાગ્ય બીજું કયું હોય?”

આથી ગાંધીજીએ “ભાઈચારા અને સદ્ભાવ” માટે વિનંતી કરી અને જણાવ્યું કે “તો જ ભારત સંઘે યુનો આગળ કરેલી રજૂઆત માનભેર પાછી ખેંચી લઈ શકાય.” કદાચ યુનો પણ એ વધાવી લેત. ખરી વાત એ છે કે “ગાંધીજી હિંદ-પાકિસ્તાન વચ્ચેનો કોઈ ઝઘડો બહારની સંસ્થા આગળ લઈ જવા માગતા જ નહોતા. એ રીતે તો “વાંદરાનો ન્યાય ” જ મળી શકે. અનેકવાર ઇનકાર અને ગલ્લાં તલ્લાં કર્યાં પછી પાકિસ્તાનને આખરે એમ કબૂલ કરવું પડ્યું કે એનાં લશ્કરે કાશ્મીર ઉપરનાં આક્રમણમાં ભાગ લીધો હતો અને યુનોના કમિશને પોતાનો ચુકાદો નોંધ્યો છે કે “કાશ્મીરની ભૂમિ ઉપર પાકિસ્તાને ભારતના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે.” તેમ છતાં ગાંધીજીએ “વાંદરાના ન્યાય”ની જે આગાહી કરી હતી તે સાચી પડી, કારણ, યુનોએ પોતાના ચુકાદા છતાં પાકિસ્તાનને “આક્રમણખોર” કહેવાની ના પાડી.

ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે, અહિંસાના પૂજારી હોવા છતાં ગાંધીજીએ કાશ્મીરના બચાવ માટે લશ્કર મોકલવામાં આવ્યું તેનો બચાવ શા માટે કર્યો? ગાંધીજી અહિંસામાં માનનાર કોઈ સરકારને સલાહ નહોતા આપતા. એ સરકાર તો પોતાનાં કાયદેસરનાં હિતોની રક્ષા માટે લશ્કર રાખતી હતી. આ દાખલામાં તો એ હિતોમાં બ્રટિશ પાર્લમેન્ટે નક્કી કરેલી શરતો મુજબ ભારત સાથે જોડાયેલાં કાશ્મીરના બચાવનો પણ સમાવેશ થઈ જ જાય છે. કાશ્મીરનો બચાવ ન કર્યો હોત તો તે પોતાની ફરજ ચૂક્યા બરાબર અને કાયરતાનું કૃત્ય ગણાત. જોકે ગાંધીજી એમ માનતા હતા કે અહિંસા એ ચડિયાતો માર્ગ છે, તેમ છતાં અન્યાય અને જુલમને તાબે થવા કરતાં કોઈ સારાં કાર્યના બચાવમાં કરેલી હિંસા પણ સારી.

[नवजीनवનો અક્ષરદેહ, માર્ચ, 2019માંથી સાભાર] 
First published:

Tags: Kashmir issue, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો