અમદાવાદઃ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ હાર્દિકને મળવા આવી રહ્યાના સમાચાર વચ્ચે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કન્વિનર નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે તેમને સમાધાનથી મતલબ છે, સમાધાન કરવા માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવે તેનું સ્વાગત છે.
સરકારની વાહવાહી કરતા લોકો મધ્યસ્થી ન બને
નિખિલ સવાણીએ જણાવ્યું કે, "નરેશ પટેલે અમારી ત્રણ માંગણીઓનું સમર્થન કર્યું છે તેને અમે આવકારીઓ છીએ. કોઈ પણ વ્યક્તિ સમાધાન કરે એ આવકાર્ય છે. સુખદ અંત આવતો હોય તો અમે કોઈને પણ આવકારીએ છીએ. સમાધાન કોણ કરે છે એનાથી અમને કોઈ મતલબ નથી. ભૂતકાળમાં પણ અનેક લોકો પ્રયાસ કરી ચુક્યા છે, પરંતુ તેઓ પોતાની પ્રસિદ્ધિ માટે અથવા સરકારમાં વાહવાહી મેળવવા માટે મધ્યસ્થી બન્યા હતા. આ બાબતે કોઈ જ સુખદ અંત આવ્યો નથી. અમારે એવા કોઈ વ્યક્તિની જરૂર નથી જે ફક્ત પોતાની પ્રસિદ્ધિ અને સરકારમાં પોતાની વાહવાહી માટે મધ્યસ્થી કરે."
સમાધાન થાય એવું અમે ઇચ્છી રહ્યા છીએ
"અમારી મુખ્ય ત્રણ માગણી છે. 1) પાટીદારોને અનામત મળે. 2) ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે 3) અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરવામાં આવે. અમે ઇચ્છી રહ્યા છીએ કે મધ્યસ્થી કરનાર વ્યક્તિ ઉપવાસ છાવણીમાં આવીને પાસના કન્વીનરો અને હાર્દિક પટેલ સાથે આ ત્રણેય મુદ્દે ચર્ચા વિચારણા કરે. અમે પણ ઇચ્છી રહ્યા છીએ કે સમાધાનની પ્રક્રિયા આગળ વધે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર