હિમાંશુ વોરા, અમદાવાદ : વડાપ્રધાન મોદીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે એક મુલાકાતમાં પોતાના અંગત જીવનના અનેક પાસાઓ અંગે વાત કરી હતી. પીએમ મોદીએ અક્ષય સાથે બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર વિશે વાત કરી હતી. વડાપ્રધાનના ઇન્ટરવ્યૂ બાદ ન્યૂઝ18 ગુજરાતીએ નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈ મોદી પાસેથી તેમના મોટાભાઈ સાથે તેમના સંભારણાથી લઈને અનેક વાતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રસ્તૃત છે તેમની સાથે વાતચીતના અંશો...
સવાલ : નરેન્દ્રભાઈએ તેમના બાળપણના સંસ્મરણો યાદ કર્યો છે શું કહેશો? જવાબ : તમામ લોકોને પોતાનું બાળપણ યાદ આવે જ છે. નરેન્દ્રભાઈ પોતાના સંસ્મરણો વાગોડી રહ્યા છે તેનો મને ખૂબ આનંદ છે.
સવાલ : નરેન્દ્રભાઈને કેરી ખાવાની વાત કરી છે તેના વિશે શું કહેશો? જવાબ : અમે નાના હતા ત્યારે હાઇજેનિક અને નોનહાઇજેનિક જેવા શબ્દો ન હતા. ઘણી વખત અમે સ્કૂલેથી છૂટીને દફ્તર સાથે ખેતરમાં જતા રહેતા હતા. ખેતરમાં પથ્થરો મારીને કેરીઓ તોડતા હતા. સાથે ચપ્પુ ન હોય એટલે દાંતથી જ કેરી ખાતા હતા. આજે પણ નરેન્દ્રભાઈના દાંત મજબૂત છે.
સવાલ : બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યું છે, શું કહેશો? જવાબ : પહેલા ધોબા પાસે ઈસ્ત્રી કરાવવી પરવડે તેમ ન હતું. નરેન્દ્રભાઈ બાળપણથી એટિટ્યૂડમાં રહેવાના આગ્રહી હતા. ઇસ્ત્રી વાળા કપડાં પહેરવા હોય એટલે બાપુ તેમને કહેતા હતા કે તારે જે કરવું હોય તો કર. ઘરમાં ઇસ્ત્રી ન હતી આથી તેઓ એક મોટા લોટામાં કોલસા ભરી દેતા હતા ઘેડ દેખાય તેવી ઇસ્ત્રી કરતા હતા.
સવાલ : તેમનું કોઈ નાટક યાદ આવે છે? જવાબ : વડનગરની બીએન હાઇસ્કૂલના વાર્ષિકોત્સવમાં નરેન્દ્રભાઈએ જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવ્યું હતું. એ દિવસે તેમણે એક એકાંકી પણ ભજવ્યું હતું, જેનું નામ 'પીળા ફૂલ' હતું.
સવાલ : નરેન્દ્રભાઈમાં નેતૃત્વના ગુણ હોવા અંગે શું કહેશો? જવાબ : દરેક સમાજને તેના બારોટ હોય છે. અમારા બારોટ નાંદેડમાં આજે પણ છે. તેમના ચોપડાની અંદર પેઢીનામામાં સ્પષ્ટ લખ્યું છે કે અમે રાજવી પરિવારના રાજપૂત કૂળના સંતાનો છીએ.
સવાલ : મોદીએ કોઈ દશરતભાઈની વાત કરી છે, તમે તેને ઓળખો છો? જવાબ : મન્સુરી અને સથવારાભાઈ મોદીના બાળપણના મિત્રો છે. તેમાંથી દશરથભાઈ લક્ષમણભાઈ પટેલ કે જેમના બાપુજી સીંગ અને ચણા વેચતા હતા. દશરથભાઈ જોડે મોદીની ગાઢ મિત્રતા હતી. બાદમાં દેશરથભાઈને બેંકમાં નોકરી મળી હતી. હાલ તેઓ નિવૃત્ત જિંદગી જીવે છે. અમારું બાળપણ ગરીબીમાં વિત્યું હોવાથી પીએમ મોદીને આજે પણ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ છે.
સવાલ : નરેન્દ્રભાઈ ચા વેચતા હતા એટલે હિન્દી શીખ્યા? જવાબ : વડનાગરની અંદર મારા પિતાના નામે આજેજે પણ ચાનો સ્ટોલ છે. સ્કૂલ નજીક હતી એટલે રિસેસમાં સમય મળે એટલે બધા ભાઈઓ ત્યાં પહોંચી જતા હતા. અમે બધા ભાઈઓએ ચા વહેચી છે પરંતુ નરેન્દ્રભાઈ ત્યાં નિયમિત જતાં હતા. તેઓ મારા પિતાને ખૂબ મદદ કરતા હતા.
સવાલ : સાહસવૃત્તિ પાછળ શું કારણ છે? જવાબ : એ સમયે વડનગરમાં પાણીની ખૂબ જ તકલીફ હતી. સવારે ન્હાવા માટે લોકો શર્મિષ્ઠા તળાવમાં જતા હતા. નરેન્દ્રભાઈ નિયમિત રીતે તળાવની વચ્ચે આવેલી દેરી સુધી પાણીમાં તરીને જતાં હતા. એક દિવસ ટેકરી પર મગરીએ બચ્ચા મૂક્યા હતા, તેમાંથી એક બચ્ચાને પકડીને તેઓ ઘરે લાવ્યા હતા.
સવાલ: તમે નરેન્દ્રભાઈને કેટલા યાદ કરો છો? જવાબ : 1970માં તેમણે ઘર છોડી દીધું હતું. અમારો સમાજ અને પરિવાર એ પ્રકારનો છે જેમાં 18-20 વર્ષના યુવક કમાવવા માટે ઘર બહાર જાય છે. આ માટે પરિવાર પણ માનસિક રીતે તૈયાર હતો. નરેન્દ્રભાઈએ જ્યારે પોતાનું જીવન રાષ્ટ્રને અર્પણ કરવાનું નક્કી કર્યું હતું. સૌ પહેલા બા ભૂલી ગયા અને પછી અમે ભૂલવાની શરૂ કરી દીધું. વારે તહેવાર બા તેમને યાદ કરે છે.