અમદાવાદ શહેરમાં આશરે એક લાખ લોકોને રૂ.260 કરોડનો ચુનો ચોપડનાર વિનય શાહના કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રઆ નિર્ણય લેવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા વિનય શાહની બંને કંપનીઓના આર્થિક કૌભાંડોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે.જ્યારે સાંજે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હોવાની જાહેરાત કરી હતી. આટલું જ નહીં આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાથી તેમજ ભોગ બનનારા લોકોની સંખ્યા પણ વધારે હોવાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા સીટ બનાવીને તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાલડી વિકાસગૃહ પાસેના યુનિયન એપાર્ટમેન્ટમાં રહેતા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ છેલ્લા અઢી વર્ષથી થલતેજ વિસ્તારના પ્રેસિડન્ટ પ્લાઝામાં બીજા માળે વર્લ્ડ કલેવરેકસ સોલ્યુશન અને આર્ચરકેર ડીજી કંપનીની નામની ઓફિસ ચાલુ કરીને એકના ડબલ કરવાનો કાળો કારોબાર બેરોકટોક ચલાવતા હોવા છતાં વસ્ત્રાપુર પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહી. ભીમદેવ વાળા નામના એક શખ્સે ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં પોલીસ ઈરાદાપૂર્વક ઊંઘતી રહી.
આરોપીઓ કોર્ટમાં પોતાની સામેની ફરિયાદ ક્વોશ કરવા પહોંચ્યા અને પાછલા બારણે સમાધાન પણ થઈ ગયું હતું. પોલીસની ગુનાહિત નિંભરતા અને નિષ્ક્રિયતાના પરિણામે બંટી-બબલી હજ્જારો લોકોની કરોડોની મૂડી ઉસેટી લઈ ભાગવામાં સફળ થઇ ગયા હતા. નિર્દોષ યુવકોએ નોકરીની સાથે કમાવવાની લાલચે કરોડો રૂપિયાનુ રોકાણ કરીને સરળતાથી કમાવવા જતાં પૈસામાંથી હાથ ધોઇ બેસવું પડયું હતું.
વધુ મળતી માહિતી પ્રમાણે આરોપીઓ એજન્ટોને ટાર્ગેટ આપીને વિદેશ ફરવા જવાની સ્કીમો પણ આપી હતી. જે એજન્ટ 12 લાખનો ધંધો લાવે તેને વિદેશની ટૂરની લાલચ આપી હતી. આમ થોડા સમય પહેલા 200થી વધુ એજન્ટોને દુબઇ લઇ ગયો હતો. આ ઉપરાંત દિવાળી બદ 100 એજન્ટોને ઇન્ડોનેશિયાના બાલી ખાતે લઇ જવાનો હતો.