ગાંધીનગર ખાતે યોજાયેલા 'ગરવી ગુજરાત 2018' કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરમાં ગાજેલા મગફળી કૌભાંડ અંગે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ કૌભાંડમાં જે કોઈ પણ વ્યક્તિ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, ફરાર થઈ ગયેલા ચાર લોકોને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમુક સેન્ટરોમાં ગેરરીતિ સામે આવી છેઃ રૂપાણી
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આશરે 10 લાખ ટન જેટલી મગફળી રૂ. 900ના ટેકાના ભાવથી ખરીદ કરવામાં આવી હતી. રાજ્યભરમાં 250 સેન્ટર્સ પરથી આ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. અમને અમુક સેન્ટર્સ પર ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી છે."
4.5 લાખ ટન મગફળી વેચવામાં આવી
"10 લાખ ટન મગફળીના જથ્થામાંથી નાફેડ દ્વારા સાડા ચાર લાખ ટન મગફળીનો જથ્થો વેચવામાં આવ્યો છે. તેમાં કોઈ ગેરરીતિ સામે આવી નથી. નાફેડને પણ તેના પૈસા મળી ગયા છે."
પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારની વાત ક્યાંથી આવી?
"ટેકાના ભાવે કુલ ચાર હજાર કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે પાંચ હજાર કરોડનું કૌભાંડ થયું છે. આ આંકડો ક્યાંથી આવ્યો?"
કોઈને છોડવામાં નહીં આવે
"પેઢલામાં વેપારીની ફરિયાદ બાદ તાત્કાલિક તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. જે લોકોએ ખોટું કર્યું છે તેમને કોઈને છોડવામાં નહીં આવે. ખોટું કરનાર વ્યક્તિ ભાજપનો હોય કે કોંગ્રેસનો, અમે કોઈને નહીં છોડીએ. કૌભાંડ આચરનાર કોઈપણ વ્યક્તિ છટકી ન શકે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે અમે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ. પેઢલામાં મગફળીની ખરીદીના કૌભાંડ મામલે માળિયા હાટિના વિસ્તારની એક સહકારી મંડળીના ચાર હોદેદારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર લોકો ફરાર થઈ ગયા છે. આ કૌભાંડની તપાસ આઈપીએસ અધિકારી કરી રહ્યા છે."