એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરકાંઠાના પોશીના ખાતે શાળા પ્રવેશોત્સવમાં હાજર રહ્યા છે તો બીજી તરફ પાસના કન્વિનર હાર્દિક પટેલે તેમને લઇને સ્ફોટક નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે દાવો કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. આ અંગે સ્પષ્ટતા કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હાર્દિક મીડિયામાં ચમક વા માટે આવા ગતકડા કરે છે. રાજીનામાની વાત માત્ર અફવા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન હાર્દિકે આવું સ્ફોટક નિવેદન આપીને આ ચર્ચામાં વધારે હવા ભરી છે.
10 દિવસમાં નવા સીએમની જાહેરાતઃ હાર્દિક
રાજકોટ ખાતે હાજર રહેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે, "વિજય રૂપાણીએ બુધવારે કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે, તેમજ આગામી 10 જ દિવસમાં રાજ્યને નવો પાટીદાર અથવા ક્ષત્રિય મુખ્યમંત્રી મળશે. ભાજપમાં આ અંગે ઘણા સમયથી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી દિવસોમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે." ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભીખુભાઈ દલસાણીયા અથવા પ્રદીપસિંહ જાડેજા રાજ્યના આગામી સીએમ બનશે.
મને ખબર નથીઃ વિજય રૂપાણી
વિજય રૂપાણી આજે સાબરકાંઠાના પોશીના ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "મારા રાજીનામાની વાત માત્ર અફવા છે. હાર્દિક મીડિયામાં ચમકવા માંગતો હોવાથી આવા નિવેદનો કરી રહ્યો છે. તેને ખબર નથી કે રાજીનામું રાજ્યપાલને આપવાનું હોય છે કેબિનેટને નહીં. "
આ વાત માત્ર અફવાઃ નીતિન પટેલ
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી રાજીનામું આપી ચુક્યાના હાર્દિક પટેલના દાવા પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, "આ વાત માત્ર અફવા છે. તેમણે રાજીનામું આપ્યાની અફવા સોશિયલ મીડિયામાં ફરી રહી છે."