Home /News /gujarat /

'ભાજપ સામે પડનારાનું કાસળ ભાજપે કાઢ્યું જ છે'

'ભાજપ સામે પડનારાનું કાસળ ભાજપે કાઢ્યું જ છે'

  અમદાવાદ: "સુજલામ સુફલામ"અંતર્ગત 13,000 તળાવોને ઊંડા, 5000 નહેરોની સફાઈ અને 32 નદીઓના શુદ્ધિકરણ કરવાની કામગીરી લઈને નીકળેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અભિયાન આ રવિવારે પૂરું થશે. ગુજરાત તરસે છે પણ ગુજરાતનું રાજકારણ ભરપૂર વરસી રહ્યું છે! છેલ્લા કેટલાક દિવસથી નીતિનભાઈ ગુજરાતના સત્તાતંત્રમાં છે કે નહીં તે ચર્ચાએ ભારે જોર પકડ્યું. ગુરુવારે રાત્રે તો નીતિનભાઈ પટેલનું રાજીનામુ લઇ લેવામાં ગયું હોવાની વાતો સુધ્ધાં ચર્ચાઈ ગઈ.

  નીતિનભાઈએ પણ સોશિયલ મીડિયા સામે સોશિયલ મીડિયાનું હથિયાર ઉગામ્યું અને ટ્વિટ્ટ કરી તેમના વિષે ચર્ચાતી વાતોનો રદિયો આપી દીધો. પરંતુ, નીતિનભાઈ તમારા સ્પષ્ટીકરણથી શું થશે?

  આજે "સુજલામ સુફલામ" અંતર્ગત બોટાદના ખોપાળા ગામની મુલાકાત લેનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને તો 'આખી રામાયણના મંચન પછી, સીતાનું હરણ કેવી રીતે થયું' એની ખબર સુદ્ધા નથી! અથવા તેઓ તમારા મામલે કશું કેવા માંગતા નથી? જયારે "ન્યૂઝ 18"ના પત્રકારે નીતિનભાઈના ટ્વિટ્ટ વિષે તેમને સવાલ કર્યો તો તેમણે "આ વિષે મને ખબર નથી" તેવું કહીને ચાલતી પકડી.

  પ્રજા શું મૂરખ છે? છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય નાટક વિષે ચોરેને ચૌટે ચર્ચા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ખુદ તેમના રાજીનામાની અટકળો વિષે સ્પષ્ટતા કરે છે અને રાજ્યના જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પ્રદેશ ભાજપના કોઈ નેતા આ મામલે ન જાણતા હોય તેવું શક્ય છે? મતલબ સાફ છે: ધુમાડો ઘેરો છે, આગ તો જરૂર લાગી છે!!

  આ દરમિયાન, ભાવનગરના મેથળા ગામે 'પાસ' કન્વીનર હાર્દિક પટેલે ખુલ્લેઆમ જણાવ્યું કે, "નીતિનભાઈ, પુરુષોત્તમભાઈ સોલંકી, સીકે રાઉલજી અને બાબુ બોખીરીયા આ ચારેય મંત્રીઓ અને કદાવર નેતાઓ ક્યાંક ને ક્યાંક ભાજપની નીતિથી નારાજ છે. હવે, પુરુષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના કદાવર નેતા છે એટલે કાયમ તેમને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવે. સીકે રાઉલજી કૉંગેસ છોડીને ભાજપમાં આવ્યા છતાં તેમને કઈ ન આપવામાં આવ્યું, નીતિનભાઈ તમામ વિરોધો બાવજૂદ મહેસાણા બેઠક જીત્યા, તેમને મુખ્યમંત્રી બનવાની લોલીપોપ આપવામાં આવી અને ભાજપનો ઇતિહાસ છે ભાજપ સામે પાડનારા તમામનું કાસળ કાઢવાનું કામ ભાજપે કર્યું છે : ચાહે તે કેશુભાઈ હોય, ગોરધનભાઈ હોય, પ્રવિણભાઇ તોગડીયા હોય કે હવે પછી નીતિનભાઈ પટેલ કેમ ન હોય."

  "કાલે જો તે મહાપંચાયતમાં આવતા હોય તો તેમનું સ્વાગત છે આવીને સમાજની વચ્ચે બેસશે. જો આવશે તો વેલકમ ન આવે તો ઝભ્ભા ફાટવાની તૈયારી રાખે. કોંગ્રસના સોળે-સોળ ધારાસભ્યો હાજર રહેવાના છે. ભાજપના પણ અમારા ચાર જે મુખ્ય આગેવાનો જે સમાજના છે તેમની પણ ક્યાંક ને ક્યાંક તૈયારી છે આવવાની. હવે જોવાની વાત એ છે કે આજ કે કાલ અમિતભાઇ શાહ આવે છે જો તેમને મંત્રીપદમાંથી કાઢી મુકશે તો તો હું દાવા સાથે કહું છું કે નીતિનભાઈ અમારી સાથે ઉભા રહેશે અને તેમને ઉભું જ રહેવું પડશે નહિ તો ભાજપ એમને હેરાન કરી નાખશે", હાર્દિકે વધુમાં વિશ્વાસ સાથે ઉમેર્યું.

  હાર્દિક પટેલ કેટલા સાચા પડે છે તે સમય બતાવશે. પરંતુ એટલું ચોક્કસ છે કે, છાશવારે નાની-મોટી ઘટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી હાકોટા કરતા ભાજપના નેતાઓ તેમના ઘરમાં લાગેલી આ આગના મામલે ખોંખારીને ખુલાસો કરવા હજુ સુધી આગળ આવ્યા નથી તે પણ એટલું જ સત્ય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Vijay Rupani, નિતિન પટેલ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन