Vadodara news: મોડીસાંજે લગ્નપ્રસંગ પૂર્ણ થયા પછી તેમના પુત્ર અને અન્ય પરિવારને અવસાનની જાણ કરવામાં આવી હતી. આ સમાચાર મળતાની સાથે જ ખુશીનો માહોલ દુખમાં ફેરવાઇ ગયો હતો.
વડોદરા: શહેરમાં (Vadodara news) એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. પુત્રના લગ્ન પ્રસંગને (death in marrige) માણી રહેલા એ.એસ.આઇ જયંતિભાઇ પરમારનું (Jayantibhai Parmar) મોત નીપજ્યુ છે. એક તરફ પુત્રનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને જયંતિભાઇ ઢળી પડયા હતા. તેઓને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હૃદયરોગનો હુમલો એટલો ઘાતક હતો કે, તેમનું મૃત્યુ થયું હતુ.
બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથી કર્મચારીના પુત્રનો લગ્નપ્રસંગ અટકે નહી તે માટે તાબડતોબ સ્થળ પર દોડી ગયો હતો અને પ્રસંગ પતાવ્યો હતો. ત્યાં સુધી પરિવારજનોને આ અંગેની જણ કરવામાં આવી ન હતી. લગ્ન પત્યા બાદ આ અંગેની જાણ થતા ખુશીનો માહોલ દુખમાં ફેરવાયો હતો.
જાન લગ્ન મંડપમાં આવી હતી
આ અંગેની વિસ્તૃત માહિતી જોઇએ તો, બાપોદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ.તરીકે ફરજ બજાવતા જ્યંતિભાઇ ગોવિંદભાઇ પરમારના (રહે.બ્રહ્મપુરી સોસાયટી,વાઘોડિયારોડ) પુત્રનું લગ્ન હતુ. પુત્રના લગ્નનો સમારોહ પાંચમી તારીખથી શરૂ થયો હતો. પાંચમી તારીખે સવારે ગણેશ સ્થાપના અને મંડપ મુહૂર્ત હતા. રવિવારે રાતે ગરબાનો કાર્યક્રમ હતો. જ્યારે સોમવારે સવારે તેમના પુત્રની જાન નીકળીને ગોરવા સી.કે.પ્રજાપતિ સ્કૂલની સામે આવેલા બંધન પાર્ટી પ્લોટમાં ગઇ હતી. બપોરે જાનને આવકારી લગ્ન મંડપ સુધી લઇ જવામાં આવતી હતી.
આ દરમિયાન તેમના પુત્રની સાથે જ તેઓ ચાલતા હતા. ત્યારે અચાનક તેઓને બેચેની લાગતા તેઓ ઉભા રહ્યા હતા અને જાનને આગળ જવા દીધી હતી. જે બાદ તેઓ જમીન પર ઢળી પડયા હતા. જેથી તેમના સાથી કર્મચારીઓ તથા સંબંધીઓ તેમને ઉંચકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે, આ અંગેની જાણ તેમના પુત્રને કે અન્ય પરિવારજનોને કરી ન હતી.
જયંતિભાઇને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. લગ્નપ્રસંગ શાંતિથી પતી જાય તે માટે પુત્રને પિતાના અવસાનની જાણ કરવામાં આવી નહતી. મોડીસાંજે લગ્નપ્રસંગ પૂર્ણ થયા પછી તેમના પુત્ર અને અન્ય પરિવારને અવસાનની જાણ કરવામાં આવી હતી. આ સમાચાર મળતાની સાથે જ ખુશીનો માહોલ દુખમાં ફેરવાઇ ગયો હતો.