અંકિત ઘોનસીકર, વડોદરા : શહેરના (Vadodara News) નંદેસરીમાં મોડી રાતે તેર વર્ષના કિશોરને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યાનું સામે આવ્યુ છે. PCR વાનના પોલીસકર્મીની આ શર્મનાક હરકત CCTVમાં કેદ થઇ છે. પોલીસે દુકાનમાં ઘુસીને કિશોરને ઢોર માર માર્યો છે. છાણી પોલીસ સ્ટેશનની PCR વાનના પોલીસ કર્મીએ દાદાગીરી બતાવીને બેરહેમી પૂર્વક માર મારતાં તેનો વીડિયો વાયરલ (Vadodara Viral video) થયો હતો. જોકે, વડોદરા CP સમશેરસિંહે PCR વાનના પોલીસકર્મી શક્તિસિંહને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.
પોલીસે માર્યો માર
આ અંગેની માહિતી પ્રમાણે, છાણી પોલીસનો એલઆરડી શક્તિસિંહ રાતે વાનમાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં કામ માટે ગયો હતો. પરત ફરતી વખતે તેર વર્ષનો કિશોર મસ્તી કરતાં ગાડી તરફ આવ્યો હતો. જેના કારણે પોલીસ કર્મી ગુસ્સે ભરાયો હતો. પોલીસે નીચે ઉતરીને કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ કિશોરને હાથે અને પગેથી માર માર્યો હતો. આ દ્રશ્ય જોતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોનું ટોળું ભેગું થઇ જતાં સ્થિતિ વધુ વણસે તેવો માહોલ સર્જાયો હતો.
તપાસના આદેશ
આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.એ કરમુર સાથે ટેલિફોનીક વાતચિત કરતા, તેમણે જણાવ્યું હતુ કે, કે હા આવી એક ઘટના બની છે. જેમાં છાણી પોલીસ સ્ટેશનના LRD જવાનની પીસીઆર વાનની આગળ બાળક આવી જતા તેને માર માર્યો છે. જોકે આ મામલે હજી તપાસ ચાલી રહીં છે.
સ્થાનિકો એવુ પણ જણાવી રહ્યા છે કે, બાળક પીસીઆરની આગળ આવી જતા ગાડી ઉભી રહી અને તે બાળકે નજીકમાં આવેલી દુકાન તરફ દોટ મુકી અંદર ઘૂસી ગયો હતો. બાળકની પાછળ પીસીઆર વાનમાંથી ઉતરેલો એક પોલીસ જવાન જાણે રીઢા ગુનેગારનો પીછો કરતો હોય તેમ તેની પાછળ દોડી દુકાનની અંદર પહોંચી તેને માર મારે છે. આટલેથી પોલીસ જવાનનુ પેટ ન ભરાયુ તો આ માસુમ બાળકને દુકાનની બહાર લાવી તેનો એક હાથ મચકોડી ઉરાછાપરી લાફા ઝીંકે છે.
દુકાનમાં પ્રવેશી રહેલા ગ્રાહકો આ દ્રશ્યો જોતા પોલીસ જવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ખાખીમાં રહેલો પોલીસ કર્મી સમજવાને બદેલ બાળકે લાત મારે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસ કર્મીના મારથી બાળકને હાથમાં ગંભીર ઇજા પણ પહોંચી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા અને નંદસેરની પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.