વડોદરા : વડોદરામાં વેપારીઓ પર નકલી પોલીસ બનીને રોફ જમાવનાર યશ જોષીની અસલી પોલીસે ધરપકડ કરી છે. આરોપી એરગન સાથે અને ક્રાઇમ બ્રાંચ લખેલી એક્ટીવા પર ફરીને સયાજીગંજ વિસ્તારમાં પોતે ક્રાઇમ બ્રાંચમાં છે તેવી ઓળખ આપીને રોફ જમાવતો હતો.
સયાજીગંજ પોલીસને ગતમોડી રાતે બાતમી મળી હતી કે એક ઇસમ પોતે કમરના ભાગે ગન લટકાવીને ક્રાઇમ બ્રાંચમાંથી આવુ છે તેવી ઓળખ આપીને વેપારીઓ સાથે બોલાચાલી કરી રહ્યો છે. જેથી પોલીસે વિટકોસ બસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં આરોપી યશ જોશી પોતે ક્રાઇમ બ્રાંચનુ લખાણ લખેલી એક્ટીવા પર બેઠો હતો. જેથી પોલીસે તેની પુછપરછ કરતા પહેલા પોતે ક્રાઇમ બ્રાંચમાં છે તેમ આરોપીએ જણાવ્યું હતું. જોકે પોલીસે આઇ કાર્ડની માંગણી કરતાં આરોપી ગલ્લાતલ્લા કર્યાં હતાં. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી એક એક્ટીવા તેમજ એરગન અને છરા સહિત રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સયાજીગંજના પોલીસ અધિકારી સ્મિતેશ સોલંકી એ જણાવ્યું હતું કે પોલીસની પરવાનગી વગર ક્રાઇમબ્રાંચની નેઇમ પ્લેટ અને નંબર પ્લેટ બનાવનાર ઇનાયત શેખની પણ પોલીસ નાગરવાડા વિસ્તાર માંથી ધરપકડ કરી હતી. આરોપી યશ જોશી મુળ અમદાવાદનો રહેવાસી છે અને છેલ્લા સાત વર્ષથી વડોદરા માં રહે છે. આરોપી યશે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીને ખાનગી હોટલમાં નોકરી કરતો હતો. જોકે થોડા દિવસ પહેલા નોકરી છુટી જતાં તે પોલીસનો રોફ જમાવી વેપારીઓને ધાક ધમકી આપતો હતો.