Home /News /gujarat /

કાળઝાળ ગરમી વચ્ચે વગર વરસાદે દુષ્કાળ ખત્મ કરતી સરકાર: મેવાણી

કાળઝાળ ગરમી વચ્ચે વગર વરસાદે દુષ્કાળ ખત્મ કરતી સરકાર: મેવાણી

જિજ્ઞેશ મેવાણી

ગુજરાત સરકાર જ્યાં સુધી પીવાના પાણીની તંગી સંપૂર્ણ દૂર ન થાય અને વાવણીલાયક વરસાદ ન થાય ત્યાં સુધી પાણી, રોજી, મધ્યાન્હ ભોજન અને ઘાસચારાની રાહત પૂરી પાડતી રહે: મેવાણી

  અમદાવાદ: ગુજરાત સરકારે કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે વરસાદના કોઈ અણસાર સુધ્ધાં નથી ત્યારે દુષ્કાળ સમાપ્ત કરવાનો જે લોક વિરોધી નિર્ણય લીધો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું તેમ વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમની ફેસબૂક પોસ્ટમાં આરોપ કર્યો છે.

  જિજ્ઞેશ મેવાણીએ લખેલી પોસ્ટ અહીં મૂકી છે.

  “સરકારે બહુ વિલંબ પછી એક જાહેરનામા દ્વારા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૧ તાલુકા દુષ્કાળગ્રસ્ત હોવાનું જાહેર કર્યું હતું. પણ તે ૧લી ડિસેમ્બર ૨૦૧૮થી અમલી બનશે તેમ ઠરાવ્યું હતું. ગુજરાતના ૫૧ પૈકીના ૪(ચાર) જ તાલુકા (શંખેશ્વર, જિ. પાટણ, માળિયા, જિ. મોરબી, અબડાસા, જિ. કચ્છ અને સુઈગામ, જિ, બનાસકાંઠા)ને ભીષણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. બાકીના ૪૭ તાલુકાને સામાન્ય અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. આ સામાન્ય અછતગ્રસ્ત તાલુકામાં પાણી, રોજી અને ઘાસચારા જેવી રાહતો માત્ર બે મહિના(એપ્રિલ અને મે માસ) પૂરતી જ આપી હતી. ૧લી જૂનથી સરકારે પાણી, ઘાસચારો અને રોજીની ભારે તંગી છતાં ૪૭ તાલુકામાં દુકાળ સમાપ્ત કરી દીધો છે. જે સરકારનું ભારે અસંવેદનશીલ અને પ્રજાવિરોધી પગલું છે.

  કેન્દ્રમાં અને ગુજરાતમાં બીજેપી શાસનમાં છે એટલે મોસાળમાં મા પિરસનાર જેવું થવું જોઈએ. પરંતુ ગુજરાતને અનેક બાબતોની જેમ દુષ્કાળ રાહત માટે પણ કેન્દ્રની માંગ્યા મુજબની રાહત મળી નથી અને અન્યાય કર્યો છે. આતો કેન્દ્રનો ગુજરાતને અન્યાય કહેવાય. ગુજરાતે અછતરાહત પેટે રૂ. ૧૭૨૫/- કરોડની માંગણી કરી હતી. પણ કેન્દ્રની બીજેપી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર રૂ. ૧૨૭.૬૦/- કરોડ જ ફાળવ્યા હતા. જે રાજ્ય સરકારની માંગણીના ૧૦મા ભાગ જેટલા જ છે. આટલી ઓછી રાહત સામે ગુજરાતમાંથી કોઈ વિરોધનો સૂર પણ ઉઠ્યો નથી. કે ભૂતકાળની જેમ કેન્દ્રની ગુજરાતને થપ્પડની બૂમ ઉઠી નથી તે ભારે નવાઈ પમાડે છે.

  ૫૧ દુકાળિયા તાલુકાઓની શાળાઓમાં વેકેશન હોવા છતાં બાળકોને મધ્યાન્હ ભોજન આપવામાં આવતું હતું, પણ હવે ૪૭ તાલુકામાં દુષ્કાળ જ સમાપ્ત કરી દીધો હોઈ હવે મ.ભો. યોજના બંધ કરી દીધી છે. તેથી હજારો બાળકોને ભૂખ્યાં રહેવું પડશે. બીજી તરફ શાળા સંચાલકો ગરમીને કારણે ઉનાળુ વેકેશન લંબાવી શાળાઓ મોડી શરૂ કરવા માંગ કરી રહ્યા છે. તેથી પણ મધ્યાહન ભોજન યોજના મોડી શરૂ થશે. રાજ્યના ૯૦૦ જેટલા ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે તે પણ દુષ્કાળ સમાપ્ત થતાં બંધ થઈ જશે. છેક કચ્છથી જે માલધારીઓ પોતાના માલ ઢોર સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ અને અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરીને આવ્યા છે તેમને પણ સરકારે દુકાળ પૂરો થયેલો જાહેર કરાતાં હાલાકી વેઠવી પડશે.

  ૨૦૧૬નું ભારત સરકારનું દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ દુષ્કાળ જાહેર કરવા માટેના વૈજ્ઞાનિક માપદંડો નક્કી કર્યા હોવાનો દાવો કરે છે. આ મેન્યુઅલમાં વરસાદ, ખેતી, માટીમાં ભેજ , જળ વિજ્ઞાન અને પાકની સ્થિતિ એ પાંચ માપદંડોને આધારે છ કેટેગરીનો દુષ્કાળ જાહેર કરવાનું ઠરાવ્યું છે. આ માપદંડોને આધારે દુષ્કાળની સ્થિતિ નક્કી કરવાનું યોગ્ય તંત્ર ન હોઈ રાજ્ય સરકારો દુષ્કાળ જાહેર કરવામાં અસહ્ય વિલંબ કરે છે. પરંતુ મોડરેટ કેટેગરીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જૂન પછી દુકાળ ઉઠાવી લેવામાં ભારે સ્ફુર્તિ દાખવે છે . ગુજરાતનું મહેસૂલી તંત્ર દુષ્કાળ જાહેર કરવામાં ભારે વિલંબ કરે છે પણ તેને સમાપ્ત કરવામાં ભારે ઝડપ દાખવે છે તે તાજેતરની તેની કામગીરીથી જણાઈ આવે છે.

  આ સ્થિતિમાં મારી માંગણી છે કે ગુજરાત સરકાર જ્યાં સુધી પીવાના પાણીની તંગી સંપૂર્ણ દૂર ન થાય અને વાવણીલાયક વરસાદ ન થાય ત્યાં સુધી પાણી, રોજી, મધ્યાન્હ ભોજન અને ઘાસચારાની રાહત પૂરી પાડતી રહે અને દુષ્કાળ પૂરો થયાનો જે ઉતાવળિયો નિર્ણય કર્યો છે તે તાત્કાલિક પરત ખેંચવો જોઈએ."

  જિજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય, વડગામ 
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Jignesh Mevani, Vadgam, Water Crisis, ગુજરાત, ધારાસભ્ય, સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन