જયપુર #રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારે ઇન્કમ ટેક્ષ વિભાગે દરોડા પાડી 1 કરોડ 38 લાખ રૂપિયાથી વધુની નવી નોટો જપ્ત કરી બ્લેક મનીને વ્હાઇટ કરવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
બ્લેક મનીની આશંકાઓની તપાસ કરતાં આ બેનામી રોકડ સાથે આવક વેરા વિભાગની ટીમે 2 કિલો સોનું પણ જપ્ત કર્યું છે. આ દરોડા સેંટ વિલ્ફ્રેન્ડ એજ્યુકેશન સોસાયટી અને ઇન્ટીગ્રલ અર્બન કો ઓપરેટીવ બેંકની શાખામાં પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, દેશમાં નોટબંધીના શરૂઆતના બે સપ્તાહમાં બેંક ખાતામાં સૌથી મોટી લેણદેણ થઇ હતી જે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે કરાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.
આવકવેરા વિભાગની આ તપાસ શુક્રવારથી શરૂ થઇ હતી. વિભાગની અન્વેષણ શાખાએ સેન્ટ વિલ્ફ્રેન્ડ એજ્યુકેશન સોસાયટી અને ઇન્ટીગ્રલ અર્બન કો ઓપરેટીવ બેંક શાખા સહિત પાંચ સ્થળોએ આવકવેરા સર્વેની કામગીરી કરાઇ હતી.
રવિવારે વિભાગે ઇન્ટીગ્રલ અર્બન કો ઓપરેટીવ બેંકના સોડાલા સ્થિત મુખ્ય ઓફિસ અને સેંન્ટ વિલ્ફ્રેન્ડ એજ્યુકેશન સોસાયટીના સચિવ અને બેંકના કર્તાધર્તા ડો.કેશવ બડાયાના સિવિલ લાઇન્સ સ્થિત આવાસ પર દરોડા કરાયા હતા. આવક વેરા વિભાગની કાર્યવાહી સોમવારે 2.02 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરાયા બાદ હાલ સમાપ્ત થઇ છે.