અમદાવાદ: 16 મહિનાના બાળકના ફેફસાની ગાંઠ (tumor in months lungs) દૂર કરવામાં ડોકટર્સને સફળતા મળી છે. ડોક્ટર્સની ટીમે ફેફસામાં ખૂબજ દુર્લભ ગાંઠને સર્જરીથી દૂર કરીને બાળકને નવું જીવન આપ્યું છે. મુખ્યત્વે પ્લમોનરી ટેરાટોમા તરીકે ઓળખાતી આ દુર્લભ ગાંઠ અંગે સૌપ્રથમ વર્ષ 1839માં જાણકારી પ્રાપ્ત થઇ હતી અને વિશ્વભરમાં તેના 100થી પણ ઓછા કેસ નોંધાયા છે અને તેના ભારતમાં અત્યાર સુધીમાં ખૂબજ ઓછા કેસ છે. બાળકને વારંવાર તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો સાથે એપોલો હોસ્પિટલમાં પિડિયાટ્રિક્સ વિભાગના ડો. પુષ્કર શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
તાવના મૂળ કારણ અને બાળકના કથળતા સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ચેસ્ટ એક્સ-રે અને સીટી સ્કેન કરાયું હતું. જેમાં છાતીની જમણી બાજૂને લગભગ આવરી લેતી મોટી ગાંઠ મળી આવી હતી. સૌપ્રથમ એન્ટિબાયોટિક્સથી બાળકમાં ચેપને નિયંત્રિત કરાયો હતો અને તાવ ઉતરી ગયાં બાદ પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવે દ્વારા સર્જરી કરાઈ હતી. ત્રણ કલાકની સર્જરી દરમિયાન ફેફસાના જમણાં ભાગો સાથે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરાઇ હતી અને હિસ્ટોપેથોલોજીસ્ટ ડો. માનસી ત્રિવેદી દ્વારા તેની બાયોપ્સી પણ કરાઇ હતી.
બાયોપ્સી રિપોર્ટમાં ફેફસામાં પરિપક્વ સિસ્ટિક ટેરાટોમાની ઉપસ્થિતિ જણાઇ હતી. તેમાં વાળ, ચરબી અને આંતરડાની પેશીઓ પણ મળી આવી હતી. બાયોપ્સી રિપોર્ટને આધારે પિડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજીસ્ટ ડો. હેમંત મેંઘાણીની સલાહ લેવાઇ હતી કે, જેમણે બાળકની સ્થિતિ ઉપર સતત નજર રાખી હતી. હાલ બાળકની સ્થિતિ સારી છે અને તે તેની ઉંમરના બીજા બાળકોની માફક રમી શકે છે. તેના માતા-પિતાને બાળકની સલામતી માટે નિયમિત ફોલો-અપ્સ લેવાનું સૂચન કરાયું છે.”
ડોકટર્સના મતે આ કેસ જટિલ હતો કારણ કે, શરૂઆતી ચેસ્ટ એક્સ-રે અને લેબ રિપોર્ટ બાળકના ક્લિનિકલ પરિણામો સાથે મેચ થતાં ન હતાં. આ ન્યુમોનિયા બાદ તપાસ શરૂ થઇ, જેની આખરે એક્સાઇઝ્ડ માસના હિસ્ટોપેથેલોજી દ્વારા પુષ્ટિ કરાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે અમે કેટલાંક અપવાદો સાથે બાળકના લાંબાગાળાના ઉત્તમ દેખાવની આશા રાખીએ છીએ, પરંતુ તેના માટે નજીકના ભવિષ્યમાં ખાસ ફોલો-અપ્સની જરૂર રહે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર