હર્મેશ સુખડીયા ,અમદાવાદ: પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ યુનિફોર્મમાં ટુ વહીલર ચલાવી અને ટ્રાફિક નિયમ ભંગ કરતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેના પગલે ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને હેલ્મેટ પહેરી ટુ વહીલર ચલાવવા સૂચના આપી છે. જેને લઈ આવતીકાલથી એક અઠવાડિયા સુધી ડ્રાઈવ રાખવામાં આવી છે.
ટ્રાફિકના નિયમ ભંગ કરનાર પોલીસ કર્મીઓને દંડ કરી તેઓની સામે જે તે ડીસીપી કક્ષાના અધિકારીએ શિસ્ત ભંગના પગલાં લેવાના રહેશે.
સંયુક્ત ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનનાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં જે રીતે યુનિફોર્મમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા પોલીસકર્મીઓના વિડીયો વાઇરલ થયા છે તેને લઈ પોલીસ ખતાની છબી ખરડાઈ છે. જેથી તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા આદેશ કર્યો છે.
આ સુચનાનું કડક પાલન થાય તેને લઈ 7 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી તમામ પોલીસ સ્ટેશનો, સાબરમતી જેલ, પોલીસ હેડ ક્વાર્ટર, સરકારી ઓફિસો, બેંકો અને પોસ્ટ ઓફિસોની બહાર વધુમાં વધુ કેસો કરવા ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી છે.