વડોદરા: ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનતી જાય છે. લોકો વાહનો આડેધડ ચલાવે છે અને ટ્રાફિકના નિયમો તોળે છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનો પ્રશ્ન હળવો કરવા અનોખુ અભિયાન હાથ ધરાયું છે. વડોદરા ટ્રાફિક પોલીસના ‘મૈં ટ્રાફિક ચેમ્પ અભિયાન’માં (Traffic Champ) લોકને આકર્ષવા માટે 100 રૂપિયાનું પેટ્રોલ અને રેસ્ટોરાની ડિસ્કાઉન્ટ કુપન પણ આપવામાં આવશે. આ સાથે દરરોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ એક વર્ષ સુધી અભિયાન ચલાવામાં આવશે.
રેસ્ટોરન્ટની પણ ડિસ્કાઉન્ટ કુપન પણ અપાશે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાય લોન્ચ કર્યું છે. જેમાં જે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે. તથા 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ પણ આપવામાં આવશે. તેમજ રેસ્ટોરન્ટની પણ ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવશે. આ અભિયાન આખું વર્ષ ચલાવવામાં આવશે. જે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી તેમને પણ આ અભિયાન દ્વારા શીખ મળશે અને પ્રોત્સાહન મેળવવા માટે તે લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી શહેરના દરેક વાહનચાલક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. વાહન ચાલક એક જગ્યાએથી નીકળે અને પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે ત્યા સુધી તેના પર નજર રાખવામાં આવશે, આ દરમિયાન જો તેણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યું હશે તો તેને ટ્રાફિક ચેમ્પનું સન્માન આપવામાં આપવામાં આવશે અને 100 રૂપિયાના પેટ્રોલની કુપન આપવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર સમશેરસિંગે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ અભિયાનની શરૂઆત કરાઈ છે. જો દરેક નાગરિકો સિગ્નલ પર વાહન બંધ રાખશે તો શહેરમાં એક દિવસમાં 0.15 થી લઈ 0.2 લિટર અને આખા વર્ષ દરમિયાન 73 લિટર જેટલા પેટ્રોલની બચત થશે, જેના કારણે પ્રદૂષણમાં પણ ઘણો ઘટાડો થશે.