VHPની ચૂંટણીમાં આજે પ્રવિણ તોગડીયા જૂથની કારમી હાર બાદ ડો. પ્રવિણ તોગડીયાનો ભાજપ સામેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. જે અંતર્ગત VHPમાંથી કેટલાક હોદ્દેદારોએ રાજીનામાં ધરી પ્રવિણ તોગડિયાને સમર્થન આપી ભાજપ સામે બાયો ચઢાવી છે.
મળતી માહિતી મુજબ, આજે યોજવામાં આવેલ VHPના અધ્યક્ષ માટેની ચૂંટણીમાં પ્રવિણ તોગડીયાના જૂથના રાઘવ રેડ્ડી ચૂંટણી હારી ગયા, ત્યારબાદ પ્રવિણ તોગડીયાએ પોતાની ભડાશ ઠાલવી ભાજપના વિરોધમાં અનિશ્ચિતકાળ માટે ઉપવાસ કરવાની ચીમકી આપી છે. આ ઘટના બાદ પ્રવિણ તોગડીયાના હજારો સમર્થકો નારાજ થયા છે. પ્રવિણ તોગડીયાના સમર્થનમાં VHPના કેટલાક હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના તમામ વીએચપી હોદ્દેદારો સહિત 8 જિલ્લા અને 62 પ્રખંડના તમામ કાર્યકર્તાઓએ VHPમાંથી રાજીનામા ધરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામ (ગુડગાંવ)માં શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નો એક નવો જ ઇતિહાસ લખાયો હતો. આખી દુનિયામાં હિન્દુત્વનો ઝંડો ઉઠાવનારી સંસ્થામાં પ્રથમ વખત અધ્યક્ષની પસંદગી માટે વોટિંગ થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે અહીં આવેલા ન્યૂ પીડબ્લ્યૂડી ગેસ્ટ હાઉસ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રવીણ તોગડિયા જૂથની હાર થઈ છે. અધ્યક્ષ પદ માટે વિષ્ણુ કોકજે ચૂંટણી જીતી ગયા હતા. જ્યારે તોગડિયાની નજીકના ગણાતા રાઘવ રેડ્ડી ચૂંટણી હારી ગયા હતા. પ્રવીણ તોગડિયાની હાજરીમાં થયેલા વોટિંગ અને મતગણતરીમાં તેમના સમર્થક રાઘવ રેડ્ડીને માત્ર 60 વોટ મળ્યા હતા.
હાર બાદ પ્રવિણ તોગડીયાએ શું ભર્યું પગલું વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા પ્રવિણ તોગડિયાએ ૩૨ વર્ષ બાદ VHPને રામ રામ કરી નાંખ્યું છે. પોતાના સમર્થક રાઘવ રેડ્ડીની હાર થતાં તોગડિયાએ VHP છોડવાની જાહેરાત કરી છે. ૩૨ વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદનો ચહેરો રહેલા તોગડિયાએ VHP છોડવાની સાથે જ વિરોધીઓ પર વાર કર્યા. તોગડિયાએ આરોપોના તીર ચલાવ્યા, અને "સત્તાધારી લોકોએ પોતાના પર દબાણ બનાવ્યું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો. સાથે જ વિએચપી છોડવાની સાથે મંગળવારથી અમદાવાદમાં ઉપવાસ આંદોલનની પણ જાહેરાત કરી. તોગડિયાએ ભારે હ્રદયે અને આક્રોશિત સ્વરે કહ્યું કે હવે હું VHPમાં નથી", "મને VHP છોડવામાં મજબૂર કરવામાં આવ્યો છે, અને હવે મોટી લડાઈની શરૂઆત થશે.