Home /News /gujarat /

ઉપવાસના ત્રીજા દિવસે પારણાઃ તોગડિયાએ કહ્યું- હિન્દુત્વની યાત્રા ચલાવતો રહીશ

ઉપવાસના ત્રીજા દિવસે પારણાઃ તોગડિયાએ કહ્યું- હિન્દુત્વની યાત્રા ચલાવતો રહીશ

    વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ પૂર્વ આંતરરાષ્ટીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ વીએચપી કાર્યાલય ખાતે ઉપવાસ કરી રહ્યા હતા. ત્રીજા દિવસે તેમણે સાધુ-સંતો અને કાર્યકરોની સમજાવટ બાદ પારણા કરી લીધા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી લડાઈ પૂરી નથી થઈ. હું હિન્દુત્વની યાત્રા ચાલુ જ રાખીશ. સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતો માટે કામ કરતા જ રહેશે. તોગડિયા તા. 17 એપ્રિલથી હિન્દુત્વ અને ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અનિશ્ચિતકાળના ઉપવાસ પર ઉતાર્યા હતા.

    ત્રણ દિવસથી ઉપવાસ બાદ તોગડિયાની તબિયત બગડી હતી. શિવસેનાએ પણ તોગડિયાને ઉપવાસને સમર્થન જાહેર કર્યું  હતું. સતત ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા તોગડિયાના સ્વાસ્થ્યને લઈને સાધુ સંતો અને તેના સાથીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. તોગડિયાના શરીરમાં સુગરનું પ્રમાણ ઘટી ગયું હતું તેમજ તેમને હાઈ બીપી હતું.

    મુંબઈથી શિવસેનાનું પ્રતિનિધિ મંડળ મળવા પહોંચ્યું

    તોગડિયાના ઉપવાસને સમર્થન જાહેર કરતા શિવસેનાનું 20 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ તોગડિયાને મળવા અમદાવાદ પહોંચ્યું હતું.



    તબિયત નાદુરસ્ત

    ત્રીજા દિવસે પ્રવીણ તોગડિયાની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી. આજે તેમનું હેલ્થ ચેકઅપ કરનાર ડો. જતિન મહેતાએ જણાવ્યું હતું કે, 'મને અહીં તાત્કાલિક બોલાવવામાં આવ્યો છે. પ્રવીણભાઈના શરીરમાં સુગરનું પ્રમાણ ઘટી ગયું છે. હાલ તેમને હાઈ બીપી છે. મારી સલાહ છે કે આવી જ પરિસ્થિતિ રહેશે તો તેમને હોસ્પિટલમાં ખસેડવા પડશે. કિડની માટે આ સારા સંકેત નથી. વધારે ઉપવાસથી તેમની કિડની પર ખરાબ અસર થઈ શકે છે.'



    સાધુ સંતોએ તોગડિયાને ઉપવાસ છોડવા  સમજાવ્યા

    ઉપવાસના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો તોગડિયાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તોગડિયાની તબિયત નાદુરસ્ત હોવાથી સાધુ સંતો દ્વારા તેમને ઉપવાસ છોડવા માટે સમજાવવામાં આવ્યા હતા. આજે તોગડિયાની મુલાકાત લેવા માટે અખિલેશદાસજી, અવધૂત દાસજી સહિતના સંતો પહોંચ્યા હતા.



    મેરઠ ધર્મ પ્રસાર યુનિટે જાહેર કર્યું સમર્થન

    મેરઠ ધર્મ પ્રસાર યુનિટે તોગડિયાને સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે, 'તેમની સાથે અન્યાય થયો છે. તેમને ખોટી રીતે પદ પરથી હટાવવામાં આવ્યા છે. કોકજે વીએચપીના કોઈ પદ પર ન હતા. તેમને અધ્યક્ષ પદે બેસાડવા માટે બોગસ પદ ઉભું કરવામાં આવ્યું હોય તો અમને કોઈ જાણ નથી.'

    હિન્દુ માટે અવાજ ઉઠાવવાની મળી સજા- તોગડિયાનો પુત્ર

    તોગડિયાના ઉપવાસના બીજા દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને વીએચપીના સમર્થકો ઉપવાસમાં જોડાયા હતા. બીજી તરફ તોગડિયાના સમર્થનમાં તેમનો પુત્ર આવ્યો છે. તોગડિયાને પુત્ર આકાશે આ સંદર્ભે એક ફેસબુક પોસ્ટ મૂકી છે.

    તોગડિયાના પુત્રએ ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?

    બુધવારે આકાશ તોગડિયાએ પોતાના ફેસબુક પેજ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા પિતાજીએ હિન્દુ સમાજની સેવા કરવા માટે પોતાનો પરિવાર અને ડોક્ટરી છોડી હતી. તેમને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સજા મળી છે. આજે તેમની જે દશા છે તે જોઈને હવે કોણ પોતાનો પરિવાર છોડશે?'

    મંગળવારે 'જય શ્રી રામ'ના નારા સાથે તોગડિયા ઉપવાસ પર બેઠા

    મંગળવારે ડો.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસની મંજૂરી ન મળતા તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Pravin togadia, Shiv sena, Third day, ઉપવાસ

    આગામી સમાચાર