અમદાવાદ : ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહી પિતા-પુત્રની નજર ચૂકવી ગઠીયો બેગ ચોરી ફરાર

અમદાવાદ : ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહી પિતા-પુત્રની નજર ચૂકવી ગઠીયો બેગ ચોરી ફરાર
પ્રતિકાત્મક તસવીર

પેટીએમ કેવાયસીના નામે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ ફરી એક વખત સક્રિય થાય હોય તેમ લાગી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોન્ટ્રાકટરને ગાડીમાં ટપકતું ઓઇલ જોવા જવું ભારે પડ્યું છે. ગઠીયાએ ગાડીમાં ઓઇલ ટપકતું હોવાનુ કહીને નજર ચૂકવી ગાડીમાં મુકેલ બેગ લઈને ફરાર થઈ ગયો છે. શહેરના સિવિલ હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાકટર તેના પુત્ર સાથે કારમાં બેઠા હતા ત્યારે એક ગઠીયાએ આવીને કહ્યું કે તમારી ગાડીમાં ઓઇલ ટપકે છે તેમ કહેતાં પિતા-પુત્ર જોવા ગયાને ગઠીયો નજર ચૂકવી બ્રેઝા કારની પાછળની સીટ પર મૂકેલ બેગમાં ચાલીસ હજાર રોકડા, સોનાની વીંટી અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઇ ગયો છે.

મેઘાણીનગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા ધીરુભાઈ પરમારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલે સવારના સમયે તેઓ પુત્ર સાથે બ્રેઝા કારમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બેઠા હતા. તે દરમિયાન તેમની પાસે એક ગઠીયાએ આવીને કહ્યું કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે. જેથી પિતા-પુત્રએ કારનું બોનેટ ખોલી તપાસ કરતાં કંઈ ખામી જોવા મળી ન હતી. ત્યાર બાદ તે ગાડીનું બોનેટ બંધ કરી ગાડીમાં બેસવા ગયા ત્યારે તેમણે તે વખતે જોયું તો કારની પાછળની સીટ પર મૂકેલ બેગ ગાયબ હતી.બેગમાં ચાલીસ હજાર રોકડા, એસબીઆઈની ચેકબુક, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, પોણા તોલાની સોનાની વીંટી પિતા-પુત્રની નજર ચૂકવીને ગઠીયો બેગ લઇ ફરાર થઇ ગયો હતો. કોન્ટ્રાકટરે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - રાજકોટના 351 કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત, સ્વસ્થ થયા બાદ વધુ જોશ સાથે બજાવી રહ્યા છે ફરજ

પેટીએમ કેવાયસી કરવા જતાં વસ્ત્રાપુરના બે સિનિયર સિટીઝને 1.82 લાખ ગુમાવ્યા

પેટીએમ કેવાયસીના નામે સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ ફરી એક વખત સક્રિય થાય હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાપુર વિસ્તારમાં એક જ મોડસ ઓપરેન્ડીથી બે સિનિયર સિટીઝન સાથે છેતરપિંડીના બનાવ સામે આવ્યા છે. બંને સિનિયર સિટીઝનને માત્ર એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહી તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હતી.

પ્રથમ બનાવની વાત કરીએ તો વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય પ્રદીપભાઈ ગુપ્તાએ ફરિયાદ આપી છે કે થોડા દિવસ પહેલાં પેટીએમમાંથી મેસેજ આવેલ કે તમારું એકાઉન્ટ થોડા સમયમાં હોલ્ડ કરવામાં આવશે, જેથી તેણે કેવાયસી અપડેટની કાર્યવાહી પૂરી કરવા માટે જણાવ્યું હતું. જેથી પ્રદીપભાઈએ મેસેજમાં આવેલ નંબર પર ફોન કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો ન હતો. બીજા દિવસે પ્રદીપભાઈ પર રવીશ શર્મા નામની વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે હું પેટીએમમાંથી વાત કરું છું અને કેવાયસી અપડેટ કરવા માટે એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. પ્રદીપભાઈએ આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ રવીશ શર્માએ એપ્લિકેશનનો રિમોટ નંબર માગ્યો હતો. રિમોટ નંબર મેળવ્યા બાદ તેણે પ્રદીપભાઈને એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાની વાત કરતાં પ્રદીપભાઈએ એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતાં તેમના અને તેમનાં પત્નીના બેંક એકાઉન્ટમાંથી કુલ 1,32,880 રૂપિયા પેટીએમ વોલેટમાંથી અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પ્રદીપભાઈને જાણ થતાં જ તેમણે એનીડેસ્ક એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને ડેબિટ કાર્ડ પણ બ્લોક કરાવી દીધું હતું. ત્યારબાદ પ્રદીપભાઈએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બીજા બનાવની વાત કરીએ તો થલતેજના ભરતભાઈ તુર‌િખયા પણ ઠગાઈનો ભોગ બન્યા છે. ભરતભાઈના મોબાઈલમાં પેટીએમ અપડેટ કરવાનો મેસેજ આવ્યો હતો, જેથી ભરતભાઈએ જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તે નંબર પર ફોન કરતાં યુવકે પેટીએમમાંથી વાત કરું છું તેવી ઓળખ આપી પેટીએમ ઓનલાઇન કેવાયસી અપડેટ કરી આપવાનું કહી એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવી ભરતભાઈ પાસેથી બેંકની વિગતો મેળવી લીધી હતી. ભરતભાઈને ગઠીયા પર વિશ્વાસ આવી જતાં તેમણે ઓટીપી નંબર તેને આપી દીધો હતો. ત્યારબાદ ગઠીયાએ ભરતભાઇના ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ભરતભાઈ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં ચોંકી ગયા હતા અને તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈ ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:November 26, 2020, 21:33 pm